• Gujarati News
  • Sports
  • China Is Training 4 Lakh Children Every Year. From This Nursery, The Top 500 Athletes Go To The Olympics.

ભાસ્કર એનેલિસિસ:દર વર્ષે 4 લાખ બાળકોને આકરી ટ્રેનિંગ આપી રહ્યું છે ચીન, આ નર્સરીમાંથી ટોપ 500 એથ્લીટ ઓલિમ્પિકમાં જાય છે

નવી દિલ્હી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઓલિમ્પિકમાં ચીનની સફળતાનું રહસ્ય... એક એથ્લીટને તૈયાર કરવામાં દાયકા કરતાં પણ વધુ સમય લાગે છે
  • આ વખતે અમેરિકાને સીધો પડકાર, તેનાથી માત્ર એક ગોલ્ડ પાછળ રહ્યું

ચીન 1932માં પ્રથમ વખત રિપબ્લિક ઓફ ચીનના નામથી ઓલિમ્પિકમાં ઉતર્યું હતું. અહીં તેના માત્ર એક જ એથ્લીટે ભાગ લીધો હતો. 1936માં 54 અને 1948 ઓલિમ્પિકમાં 31 એથ્લીટ ઉતર્યા, પરંતુ કોઈ મેડલ જીતી શક્યું નહીં.

1952માં એક એથ્લીટ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાના ઝંડા હેઠળ ઓલિમ્પિકમાં ઉતાર્યો. ત્યાર પછી 7 ઓલિમ્પિકમાં ચીને ભાગ લીધો નહીં. 1984 લોસ એન્જલિસ ઓલિમ્પિકમાં ચીને વાપસી કરી. કુલ 216 એથ્લીટ ઉતાર્યા, જેમણે 15 ગોલ્ડ, 8 સિલ્વર, 9 બ્રોન્ઝ સહિત કુલ 32 મેડલ જીત્યા. 1988 ઓલિમ્પિકમાં માત્ર 5 ગોલ્ડ જીતનારું ચીન 11મા સ્થાને રહ્યું.

ત્યાર પછી દરેક ઓલિમ્પિકમાં 15+ ગોલ્ડ અને 50થી વધુ મેડલ જીત્યા છે. દેશ ક્યારેય ટોપ-4માંથી બહાર નીકળ્યો નથી. 2008ની ઓલિમ્પિક ચીનની રાજધાની બીજિંગમાં યોજાઈ હતી. 48 ગોલ્ડ સહિત કુલ 100 મેડલ જીતીને ચીન અમેરિકાને પાછળ પાડી ટોપ પર રહ્યું હતું.

ટોક્યો-2020માં ચીને અમેરિકાથી માત્ર એક ગોલ્ડ ઓછો જીત્યો છે. 7 ઓગસ્ટ સુધી ટીમ મેડલ ટેલીમાં ટોપ પર હતી, પરંતુ અંતિમ દિવસે અમેરિકાએ ત્રણ ગોલ્ડ જીતીને પ્રથમ સ્થાન હાંસલ કર્યું. પિપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાએ અત્યાર સુધી 11 ઓલિમ્પિકમાં 262 ગોલ્ડ, 199 સિલ્વર અને 173 બ્રોન્ઝ સહિત કુલ 634 મેડલ જીત્યા છે.

વિવિધ ભાગમાં 150 એથ્લીટ સ્પોર્ટ્સ કેમ્પ, 3000 સ્પોર્ટ્સ સ્કૂલ પણ
ચીનમાં 150થી વધુ એલીટ સ્પોર્ટ્સ કેમ્પ છે, જેમાં 4 લાખથી વધુ એથ્લીટ ટ્રેનિંગ મેળવે છે. જેમાં વુહાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફિજિકલ એજ્યુકેશન અને ઝેજિયાંગ પ્રોવિન્શિયલ ફિઝિકલ એજ્યુકેશન સામેલ છે. બીજિંગમાં નેશનલ ટ્રેનિંગ સેન્ટર છે. અલગ અલગ રમતો અનુસાર પણ સેન્ટર બનાવાયેલા છે.

બાળકોની શારીરિક બનાવટના આધારે રમત નક્કી થાય છે
સ્થિતિસ્થાપકતા અને સંતુલનનું પ્રદર્શન કરતા બાળકોને જિમ્નાસ્ટિક અને ડાઈવિંગ, લાંબાને વોલીબોલ અને બાસ્કેટબોલ, ફાસ્ટ રિફ્લેક્શનવાળાના ટેટે, લાંબા હાથવાળાને સ્વિમિંગ અને જેવલિન થ્રો કેમ્પમાં મોકલાય છે. નાના હાથવાળાને વેઈટલિફ્ટર અને સ્થિર નસ ધરાવતાને તીરંદાજી માટે તૈયાર કરાય છે.

1000માંથી સરેરાશ 12 એથ્લીટ જ ઓલિમ્પિક સુધી પહોંચી શકે છે
સ્પોર્ટ્સ સ્કૂલમાં સરેરાશ 8માંથી એક બાળક જ રાજ્યની ટીમમાં સ્થાન મેળવી શકે છે. જેમાંથી એક તૃતિયાંશ આખરે નેશનલ ટીમમાં સ્થાન મેળવે છે. નેશનલ ટીમમાંથી 5માંથી એક એથ્લીટ જ ઓલિમ્પિયન-ઈન-ટ્રેનિંગ બની જાય છે. તેમાંથી ઓલિમ્પિકમાં ભાગ લેનારાની પસંદગી થાય છે. એટલે 1000માંથી માત્ર 12 એથ્લીટ જ ઓલિમ્પિક સુધી પહોંચી શકે છે. બીજિંગ ઓલિમ્પિક પહેલા 30 હજાર એથ્લીટ ફૂલ-ટાઈમ ટ્રેનિંગ કરતા હતા, જેમાંથી 639ને જ રમવાની તક મળી.

ચીનની સરકાર સ્પોર્ટ્સ પાછળ વર્ષે રૂ. 3 લાખ કરોડનો ખર્ચ કરે છે
ચીનની સરકાર સ્પોર્ટ્સ પાછળ વર્ષે લગભગ રૂ.3 લાખ કરોડનો ખર્ચ કરે છે. જ્યારે 2021-22ના બજેટમાં ભારત સરકારે રમતો પાછળ રૂ.2,596.14 કરોડનો ખર્ચ કરવાનું જણાવ્યું હતું. 1988 ઓલિમ્પિકથી પહેલા ચીને નેશનલ સ્પોર્ટ્સ પ્રોગ્રામ પાછળ લગભગ રૂ.2 હજાર કરોડ ખર્ચ્યા હતા.

8થી 13 વર્ષની ઉંમરે પસંદગી થાય છે
8થી 13 વર્ષની ઉંમરની વચ્ચે બાળકોનો ટેસ્ટ થાય છે. ભવિષ્યમાં બાળકોનો વિકાસ કેવો થશે, તેનું અનુમાન લગાવવા ડોક્ટર લંબાઈ, ખભાની લંબાઈ, હાડકાંની ડેન્સિટી, સ્થિતિસ્થાપકતા માપે છે. તેનો એક્સ-રે અને હાડકાંનો ટેસ્ટ થાય છે.