• Gujarati News
  • Sports
  • Chess Olympiad Kalathi: Chennai Ready For 2500 Players From 190 Countries In Just 3 Months

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ચેસ ઓલિમ્પિયાડ કાલથીઃ 190 દેશના 2500 ખેલાડીઓ માટે માત્ર 3 મહિનામાં ચેન્નાઈ તૈયાર

ચેન્નાઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 28 જુલાઈથી 10 ઓગસ્ટ સુધી ટૂર્નામેન્ટ ચાલશે, અમેરિકા સહિત 8 દેશના ખેલાડીઓ પહોંચ્યા
  • ઉદ્ધાટન સમારોહમાં એઆર રેહમાન પરફોર્મ કરશે
  • ફીડેના અધિકારી સ્થળ પર પહોંચ્યા. ચેસના ડિજિટલ બોર્ડ પણ લગાવાયા
  • ​​​​​​​તમિલનાડુના પ્રાચીન મંદિરમાં ભગવાન શંકરને ચેસ રમતા દેખાડાયા છે

44મું ચેસ ઓલિમ્પિયાડ 28 જુલાઈથી 10 ઓગસ્ટ સુધી મામલાપુરમમાં યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ઐતિહાસિક કાર્યક્રમનું ઉદઘાટન કરશે. ચેન્નાઈના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં 2 કલાકનો ભવ્ય ઉદઘાટન સમારોહ યોજાશે, સંગીતકાર એઆર રેહમાન પરફોર્મ કરશે. સમાપન પણ અહીં જ થઈ શકે છે, ક્લોઝિંગમાં સમુદ્ર સ્થળની પસંદગી માટે ફેડરેશને સરકારને અપીલ કરી છે.

ઓલિમ્પિયાડમાં 190 દેશના 2500 લોકો આવશે, યજમાની ભારતને 3 મહિના અગાઉ મળી અને 3 મહિનામાં જ ભારતે પ્લેટફોર્મ તૈયાર કર્યું. રાજ્ય સરકારની 18 ટીમો આ ભવ્ય આયોજનને સફળ બનાવવા 24 કલાક કાર્યરત રહી. સરકારે તૈયારી પાછળ 92 કરોડનો ખર્ચ કર્યો છે. સુરક્ષા માટે 4000 પોલીસ કર્મીઓને તૈનાત કરાયા છે.

વર્લ્ડ ચેમ્પિયન મેગન્સ કાર્લસન સહિત ઘણા ટોચના ખેલાડીઓ પ્રથમવાર ઓલિમ્પિયાડમાં ભાગ લેશે. અત્યારસુધી ઓપન સેક્શનમાં 189 અને મહિલા કેટેગરીમાં 154 ટીમોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. પાક. ટીમ પણ તેમાં ભાગ લેશે. અત્યારસુધી 8 દેશના 50થી વધુ ખેલાડી પહોંચી ચૂક્યા છે.

પ્રીમિયમ ટિકિટ વેચાઈ, મહિલાઓ માટે ટિકિટ માત્ર 300 રૂપિયામાં
ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશને જણાવ્યું કે, મોટાભાગની પ્રીમિયમ ટિકિટ વેચાઈ ચૂકી છે. મહિલાઓ માટે ટિકિટની કિંમત 200-300 રૂપિયા છે, જ્યારે અન્ય ભારતીયો માટે 2-3 હજાર રૂપિયા. વિદેશી નાગરિકો માટે ટિકિટની કિંમત 6000 થી 8000 રૂપિયા છે. ફેડરેશનના અધિકારીએ જણાવ્યું કે,‘અમે હોટલમાં ઈવેન્ટનું આયોજન કરી રહ્યાં હોવાને કારણે ટિકિટની પ્રીમિયમ કિંમત રાખવામાં આવી છે. અમે ક્રિકેટની જેમ એકસાથે 25 હજાર ફેન્સની વ્યવસ્થા ન કરી શકીએ. અમે એક દિવસમાં માત્ર 600 થી 1000 ફેન્સની વ્યવસ્થા કરી શકીએ છીએ.

2700 જેટલા રૂમ બુક કરાયા, ઓલિમ્પિયાડ માટે દરેક રાજ્યના વિજેતાને આમંત્રિત કરાયા
​​​​​​​આયોજન સ્થળને અંતિમ રૂપ આપવાથી લઈ ટ્રોફી અને મેડલની પસંદગી સુધી તમામ કાર્ય ધ્યાનપૂર્વક પૂર્ણ કરાયા છે. ઈસ્ટ કોસ્ટ રોડ પર એક હોટલમાં આયોજન સ્થળ તૈયાર કરાયું છે. ત્યાંના બેંકવેટ હોલને પ્લેઈંગ હોલ તરીકે તૈયાર કરાયો છે. આ ઉપરાંત 5-6 કરોડના ખર્ચે બીજો પ્લેઈંગ હોલ તૈયાર કરાયો છે. આ ઉપરાંત એક્સપો એરિયા, ફીડે પેવેલિયન, ફેડરેશન પેવેલિયન, વીવીઆઈપી લાઉન્જ, સ્પોન્સર્સ પેવેલિયન પણ બનાવ્યા છે. 5-સ્ટાર હોટલમાં 1800 રૂમ બુક કરાયા છે. આ ઉપરાંત 400 રૂમ 4 સ્ટારમાં, 500 રૂમ થ્રી-સ્ટારમાં અને ટૂ-સ્ટારમાં બુક છે. આયોજકોએ તમામ રાજ્યોનમાં આયોજિત એજ-કેટેગરીની ટૂર્નામેન્ટના વિજેતાઓને પણ બોલાવ્યા છે. રાજ્ય સરકારે ચેન્નાઈ અને તેની આસપાસના 4 શહેરોમાં 28 જુલાઈએ રજા જાહેર કરી છે.

દરેક દેશના ખેલાડી અનુસાર મેનૂ તૈયાર કર્યું; ડીડી સ્પોર્ટ્સ પર ટેલિકાસ્ટ થવાની શક્યતા
તમિલનાડુ પ્રવાસન વિભાગ દ્વારા દર્શકો માટે ફ્રી બસ શટલ સર્વિસની શરૂઆત કરાશે. સ્થળ સુધી પહોંચવા દર કલાકે બસ રખાશે. દરેક દેશના ખેલાડી-અધિકારી સહિતના લોકો અનુસાર મેનૂ તૈયાર કરાયું છે. કોવિડ પ્રોટોકોલ લાગુ રહેશે. દરેક હોટલમાં એમ્બ્યુલન્સ તૈનાત રહેશે. 24 કલાક ડોક્ટર્સ અને નર્સ હાજર રહેશે. કોઈપણ પ્રકારની સહાયતા માટે ટોલ-ફ્રી નંબર પણ તૈયાર કરાયો છે. આ સેવા અંગ્રેજી ઉપરાંત સ્પેનિશ, ફ્રેન્ચ, રશિયન, મલય, જર્મન અને જાપાનીઝ ભાષામાં પણ ઉપલબ્ધ રહેશે.

લગભગ 415 વોલેન્ટિયર્સને વિદેશી ટીમોની સમસ્યાઓ ઉકેલવા અને મદદ કરવા માટે ટ્રેઈન્ડ કરાયા છે. ખેલાડીઓનું એરપોર્ટ પર પરંપરાગત રીતે સ્વાગક કરાશે. ઈવેન્ટ દરમિયાન ટ્રાન્સપોર્ટ માટે 125 બેન્ઝ બસ, 100 એસયુવી અને 6 લક્ઝરી કારનો ઉપયોગ કરાશે. દેશમાં ઓલિમ્પિયાડના લાઈવ ટેલિકાસ્ટ માટે ડીડી સ્પોર્ટ્સ સાથે કરાર કરવામા આવી રહ્યો છે. ઘણા અન્ય પ્લેટફોર્મ પર લાઈવ કવરેજ કરવા 700 ડિજીટલ બોર્ડનો ઉપયોગ કરાશે. તમિલ સહિત 7 ભાષામાં કોમેન્ટ્રી થશે.

અન્ય સમાચારો પણ છે...