નીરજ ચોપરાએ 7 ઓગસ્ટે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો, ત્યારે ભારતીય એથેલેટિક્સ મહાસંઘ (AFI) દ્વારા આ દિવસને રાષ્ટ્રીય ભાલા ફેંક દિવસ તરીકે મનાવવું નક્કી કર્યું છે. 23 વર્ષના નીરજ ચોપરાએ શનિવારે 87.58 મીટર સુધી ભાલો ફેંકીને વ્યક્તિ રીતે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેળવનાર જીતનાર બીજો ભારતીય ખેલાડી બની ગયો હતો.
AFIની જાહેરાત
નીરજ ચોપરા સહિત અન્ય એથેલિટના સન્માન સમારંભ દરમિયાન AFIના યોજના આયોગના ચેરમેન લલિત ભનોટે કહ્યું કે, 'સમગ્ર દેશમાં ભાલા ફેંકને પ્રોત્સાહન આપવા માટે અમે 7
ઓગસ્ટને રાષ્ટ્રીય ભાલા ફેંક દિવસ તરીકે ઉજવીશું અને આગામી વર્ષથી અમારી માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ આ દિવસે પોતાના રાજ્યોમાં ભાલા ફેંકની સ્પર્ધાનું આયોજન કરશે.'
AFIએ 2018માં રાષ્ટ્રીય ઓપન ભાલા ફેંક ચેમ્પિયનશિપ શરૂ કરી હતી જેની ત્રીજી ટૂર્નામેન્ટ આ વર્ષે ઓક્ટોબરમાં થશે.
આ પ્રસંગે નીરજ ચોપરાએ કહ્યું હતું કે 'મને ખુશી છે કે AFI આગામી દિવસોમાં મારી ઉપલબ્ધિને યાદ રાખવા અંગે કામ કરી રહ્યું છે. જો મારી ઉપલબ્ધિ આ દેશના યુવાનોને એથેલેટિક્સ, વિશેષ કરીને ભાલા ફેંક સાથે જોડાવવાનું કારણ બને છે તો મને ખુશી થશે. બાળકોને જો ભાલા અને અન્ય સુવિધાઓ મળશે તો મને આશા છે કે આ ખેલથી તેઓ જોડાશે. અને મને તે લોકોને પ્રોત્સાહન આપવામાં ખુશી મળશે. તેઓ ભવિષ્યના મેડલ વિજેતા પણ બની શકે છે.'
મેડલ વિજેતાઓનું આ રીતે સ્વાગત કરાયું
ટોક્યો ઓલિમ્પિકના ચેમ્પિયન્સ નીરજ ચોપરા, રવિ દહિયા, બજરંગ પૂનિયા અને બંને હોકી ટીમ દિલ્હી પહોંચ્યા હતા, જ્યાં તેમનું ઢોલ-નગારા સાથે એમનું સ્વાગત કરાયું હતું. જે બાદ ઓલિમ્પિક ટીમ અશોકા હોટલ પહોંચી હતી. ત્યારબાદ તમામ એથ્લીટ્સનું સન્માન કરવામાં આવ્યું.
એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરાએ મંચ પર આવી મેડલ દેખાડ્યો હતો. તેણે કહ્યું- આ મારો નહીં પણ સમગ્ર દેશનો મેડલ છે. જે દિવસથી મેડલ આવ્યો છે ત્યારથી હું ખાઈ શકતો નથી કે ઊંઘી શકતો નથી. ત્યારથી હું મારા ખીસ્સામાં મેડલ લઈને ફરી રહ્યો છું. સમર્થન આપવા બદલ તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. ગોલ્ડ મેડલ જીતવો તે મારા જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ છે.
ટોક્યો ઓલિમ્પિક ભારત માટે ઈતિહાસમાં સૌથી સફળ
ટોક્યો ઓલિમ્પિકમાં ઈન્ડિયન એથ્લીટ્સે કુલ 7 મેડલ જીત્યા છે, જે અત્યારસુધીના ઓલિમ્પિક ઈતિહાસમાં સૌથી વધુ છે. આની પહેલા 2012 લંડન ઓલિમ્પિકમાં કુલ 6 મેડલ જીત્યા હતા. પહેલીવાર ટ્રેક એન્ડ ફીલ્ડમાં નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. જ્યારે મીરાબાઈ ચાનૂએ વેઇટલિફ્ટિંગમાં અને રવિ દહિયાએ 57 કિલો વેઇટમાં રેસલિંગની ફ્રી સ્ટાઇલમાં સિલ્વર મેડલ જીત્યો છે. વળી ભારતીય પુરુષ હોકી ટીમ, રેસલિંગની ફ્રી સ્ટાઇલના 65 કિલો વેઇટમાં બજરંગ પૂનિયા, બેડમિન્ટનમાં પીવી સિંધુ અને બોક્સિંગમાં લવલિના બોરગોહેને બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
ટોક્યો ઓલિમ્પિકમાં ઈન્ડિયન મેડલિસ્ટ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.