ટોક્યો-2020 કડક પ્રોટોકોલ સાથે દર્શકો વગર રમાયેલી પ્રથમ ઓલિમ્પિક હતી. અત્યાર સુધી તોડવામાં આવેલા વર્લ્ડ રેકોર્ડ્સ ઉપરાંત ટોક્યો ગેમ્સમાં ઐતિહાસિક પ્રતિનિધિત્વ અને અવરોધો તોડનારા એથ્લીટ્સે પણ પ્રેરણા આપી છે. આવી અનેક ઘટનાઓ ઘટી, જેના કારણે આ ગેમ્સ યાદગાર બની ગઈ.
બરમૂડા માટે પ્રથમ ગોલ્ડ
બરમૂડા જેવા નાનકડા ટાપુને ફ્લોરા ડફી તરીકે પોતાની પ્રથમ ઓલિમ્પિક ચેમ્પિયન મળી. તેણે ટ્રાએથ્લોનમાં દેશનો પ્રથમ ગોલ્ડ જીત્યો. અહીં તેણે સ્વિમિંગ કર્યું, બાઈક ચલાવી અને પછી જીતવા માટે દોડ લગાવી.
તુર્કમેનિસ્તાનનો પ્રથમ મેડલ
વેઈટલિફ્ટિંગમાં પોલીના ગુરેવાએ 217 કિગ્રા વજન ઊંચકીને સિલ્વર મેડલ જીત્યો. સોવિયત સંઘમાંથી સ્વતંત્રતા પછી તુર્કમેનિસ્તાનનો આ પ્રથમ મેડલ છે.
સૌથી નાના દેશને મેડલ
એલેસેન્ડ્રા પેરિલીએ મહિલા ટ્રેપ શૂટિંગમાં બ્રોન્ઝ જીત્યો. જે સેન મેરિનો માટે પ્રથમ મેડલ હતો. સેન મેરિનોની વસતી માત્ર 34 હજાર છે. તે ઓલિમ્પિકમાં મેડલ જીતનારો સૌથી નાનો દેશ છે.
ફિલિપીન્સે જીત્યો પ્રથમ ગોલ્ડ
ફિલિપીન્સની વેઈટલિફ્ટર હિડિલિન ડિયાઝે પોતાના દેશનો પ્રથમ ગોલ્ડ જીત્યો. તે 127 કિગ્રામ ઊંચકીને મેડલ જીતવામાં સફળ રહી.
ફેલિક્સના રેકોર્ડ મેડલ
અમેરિકાની ફેલિક્સ 400મી.માં ત્રીજા સ્થાન સાથે 10મો મેડલ જીતીને અત્યાર સુધીની સૌથી સફળ ટ્રેક-એન્ડ-ફીલ્ડ એથ્લીટ બની ગઈ.
પ્રથમ નોન બાઈનરી એથ્લીટ રમી : પ્રથમ નોન બાઈનરી અમેરિકન એથ્લીટ એલાના સ્મિથે કહ્યું કે, મારું લક્ષ્ય ખુશ રહેવું અને મારા જેવા લોકોનું પ્રતિનિધિત્વ કરવાનું છે.
પ્રથમ વખત સર્ફિંગ, સ્કેટબોર્ડિંગ, કરાટે, ક્લાઈમ્બિંગ : જાપાનની નિશિયાએ સ્કેટબોર્ડિંગ, અમેરિકાની કેરિસા મૂરે સર્ફિંગ, કરાટેમાં ગોલ્ડ જાપાનના રિયો કિયુના પાસે ગયો. ક્લાઈમ્બિંગમાં સ્લોવેનિયાની જંજા ગાર્નબ્રેટ અને સ્પેનના અલ્બર્ટોએ પ્રથમ ગોલ્ડ જીત્યો.
પ્રથમ વખત ટ્રાન્સજેન્ડર્સે ભાગ લીધો
પ્રથમ વખત ટ્રાન્સજેન્ડર્સે ભાગ લીધો. ન્યૂઝીલેન્ડની વેઈટલિફ્ટર લોરેલ હબર્ડ ઓલિમ્પિક રમનારી પ્રથમ ટ્રાન્સ એથ્લીટ બની.
ભાઈ-બહેને એક જ દિવસે ગોલ્ડ જીત્યો
જાપાનના ભાઈ-બહેન હિફુમી અને ઉટા આબેએ જૂડોમાં ગોલ્ડ જીત્યા. તેઓ એક જ દિવસમાં વ્યક્તિગત ઈવેન્ટમાં ગોલ્ડ જીતનારા પ્રથમ ભાઈ-બહેન છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.