કોમનવેલ્થ ગેમ્સમાં ગુરુવારે ઈંગ્લેન્ડ અને કેનેડા વચ્ચે મેન્સ હોકી મેચ રમાઈ હતી. આ દરમિયાન બંને ટીમના ખેલાડીઓ વચ્ચે ભારે ઝપાઝપી જોવા મળી હતી. કેનેડાના બલરાજ પનેસર અને ઈંગ્લેન્ડના ક્રિસ ગ્રિફિથે મેદાન પર એકબીજાની બોચી પકડીને ઝપાઝપી કરી હતી. બંને વચ્ચેની લડાઈ એટલી વધી ગઈ કે ખેલાડીઓ અને રેફરીને દરમિયાનગીરી કરવી પડી હતી.
બલરાજ પનેસર અને સ્ટિક ગ્રિફિથ વચ્ચે ઝપાઝપી
વાસ્તવમાં એવું બન્યું કે ઇંગ્લેન્ડની ટીમ કેનેડા સામે ગોલ કરવા માટે સતત આક્રમક રમી રહી હતી. ત્યારે બલરાજ પનેસરની હોકી સ્ટિક ગ્રિફિથના હાથ પર વાગી ગઈ હતી. આનાથી ગ્રિફિથ ગુસ્સે થયો અને પનેસરને ધક્કો માર્યો હતો. એને કારણે પનેશર પણ ગુસ્સે થઈ ગયો અને તેણે ઈંગ્લેન્ડના ખેલાડીની બોચી પકડી લીધી હતી. પછી બંનેએ એકબીજાની ટી-શર્ટ પકડીને ખેંચી હતી. એવું લાગતું હતું કે રમતનું મેદાન યુદ્ધનું મેદાન બની ગયું છે.
ત્યાર બાદ બંને ટીમના ખેલાડીઓએ આવીને બંનેને અલગ કર્યા. આ પછી રેફરીએ કેનેડાના બલરાજ પનેસરને રેડ કાર્ડ બતાવ્યું અને બહાર કરી દીધો હતો, જ્યારે ક્રિસ ગ્રિફિથને યલો કાર્ડ બતાવીને ચેતવણી આપી હતી.
કેનેડા હારી ગયું
મેચની વાત કરીએ તો ઈંગ્લેન્ડે કેનેડાને 11-2થી હરાવ્યું અને ગ્રુપમાં બીજા સ્થાને રહ્યું. ટીમ ઈન્ડિયા પ્રથમ ક્રમે રહી હતી. સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડનો મુકાબલો વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા અને ભારતનો મુકાબલો ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે જીતનારી ટીમ સામે થઈ શકે છે. ભારતે વેલ્સને 4-1થી હરાવ્યું હતું.
ભારતે કેનેડાને પણ 8-0થી હરાવ્યું હતું
આ પહેલાં બુધવારે ભારતીય પુરુષ હોકી ટીમે કેનેડાને 8-0થી હરાવીને સેમીફાઇનલમાં જગ્યા બનાવી હતી. ભારત માટે હરમનપ્રીત સિંહ અને આકાશદીપ સિંહે સૌથી વધુ બે-બે ગોલ કર્યા હતા. આ સિવાય અમિત રોહિદાસ, લલિત ઉપાધ્યાય, ગુરજંત સિંહ અને મનદીપ સિંહે ભારત માટે એક-એક ગોલ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.