ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ, દેશને વર્લ્ડ ચેમ્પિયન ખેલાડી આપતી ઈવેન્ટ શરૂ થઈ ગઈ છે. આ ગેમ્સની ચોથી આવૃત્તિનું આયોજન હરિયાણા કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે ખેલાડીઓની સંખ્યાના સંદર્ભમાં તે દેશની બીજી સૌથી મોટી ઈવેન્ટ છે. 13 જૂન સુધી ચાલનારી આ મલ્ટી-સ્પોર્ટ ઈવેન્ટમાં 8,500થી વધુ ખેલાડીઓ, કોચ અને ટેકનિકલ સપોર્ટ સ્ટાફ ભાગ લઈ રહ્યા છે. દેશના પાંચ અલગ-અલગ કેન્દ્રો પર તેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ શું છે?
તે રાષ્ટ્રીય રમતોની તર્જ પર દર વર્ષે આયોજિત બહુવિધ રમતોત્સવ છે. 22 વર્ષથી ઓછી ઉંમરના ખેલાડીઓ તેમાં ભાગ લે છે.
શા માટે તે મહત્ત્વનું છે?
આ ગેમ્સમાં દેશભરમાંથી યુવા ખેલાડીઓ ભાગ લે છે. અત્યાર સુધી ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સે મનુ ભાકર, સૌરભ ચૌધરી, મેહુલી ઘોષ, હિમા દાસ, ઉન્નતિ હુડા, શ્રીહરિ નટરાજ, અક્ષર્શી કશ્યપ જેવા ચેમ્પિયન ખેલાડીઓ આપ્યા છે, જેમણે પાછળથી એશિયા, કોમનવેલ્થ જેવી વિશ્વ કક્ષાની સ્પર્ધાઓમાં દેશ માટે મેડલ જીત્યા છે.
કઈ રમતોનો સમાવેશ થાય છે?
ઓલિમ્પિક રમતો: તીરંદાજી, એથ્લેટિક્સ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, બોક્સિંગ, સાયકલિંગ, ફૂટબોલ, જિમ્નેસ્ટિક્સ, હોકી, જુડો, શૂટિંગ, સ્વિમિંગ, ટેનિસ, ટેબલ ટેનિસ, વૉલીબોલ, વેઇટ લિફ્ટિંગ, કુસ્તી.
નોન ઓલિમ્પિક રમતો:ગતકા, હેન્ડબોલ, કબડ્ડી, કલારીપટ્ટૂ, ખો-ખો, મલખંભ, થંગા અને યોગા.
કેટલા ખેલાડીઓ રમી રહ્યા છે?
પંચકુલામાં 4,700થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. બાકીના ખેલાડીઓ અન્ય કેન્દ્રો પર મેડલ માટે સ્પર્ધા કરશે.
પંચકુલા સિવાય ક્યાં ક્યાં સ્પર્ધાનું આયોજન કરાઈ રહ્યું છે?
ચંદીગઢ, અંબાલા, શાહબાદ અને દિલ્હી.
કેટલા મેડલ દાવ પર છે?
ગેમ્સમાં કુલ 1,866 મેડલ દાવ પર છે. જેમાં 545 ગોલ્ડ, 545 સિલ્વર અને 776 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. આનો ઉદ્દેશ્ય 2028 અને 2032 ઓલિમ્પિક ગેમ્સમાં ભારતને ટોપ-10 મેડલ ટેલીમાં લાવવાનો છે. અગાઉ આની શરૂઆત ખેલો ઈન્ડિયા સ્કૂલ ગેમ્સ તરીકે કરવામાં આવી હતી. ત્યારપછી તેનું નામ બદલીને ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ રાખવામાં આવ્યું હતું.
આ રમતોમાં રમવા માટેના માપદંડ શું છે?
સામાન્ય રીતે SGFI સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાની નેશનલ ટૂર્નામેન્ટ અને ઓપન નેશનલના ટોપ-8 ખેલાડીઓ ભાગ લેતા હતા, પરંતુ આ વખતે કોરોનાને કારણે ગેમ્સના આયોજકોએ તમામ ગેમના નેશનલ ફેડરેશન ઓફ ઓલ સ્પોર્ટ્સની રેન્કિંગના આધારે ટોપ-8 ખેલાડીઓને પ્રવેશ માટે આમંત્રણ આપ્યું હતું. કારણ કે કોરોનાને કારણે ઘણી ટૂર્નામેન્ટ યોજાઈ શકી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.