ચેન્નઇના મામલ્લાપુરમમાં ચાલી રહેલા 44મા ચેસ ઓલિમ્પિયાડમાં પેલેસ્ટાઇનથી આવેલી 8 વર્ષની રાન્ડા સેદાર સૌથી નાની વયની ખેલાડી છે. પોતાના વયજૂથમાં તે વિશ્વમાં બીજા ક્રમે છે. તેની ઉંમર અને સૌમ્યતાને કારણે તે ટુર્નામેન્ટમાં સેલિબ્રિટી બની ગઇ છે. તમામ દેશોના ચેસ ચેમ્પિયન્સ આવે છે, તેને મળે છે અને તેની સાથે સેલ્ફી લે છે.
રાન્ડાને આ બધું બહુ સારું લાગી રહ્યું છે. ટુર્નામેન્ટમાં પોતાની લોકપ્રિયતાથી તે ખૂબ ખુશ છે પણ તેની માતૃભાષા સિવાય કોઇ ભાષા ન જાણતી હોવાથી બીજા દેશોના લોકો સાથે વાત નથી કરી શકતી. સાથી ખેલાડીઓ વાતચીતમાં તેની મદદ કરે છે. ભારતમાં તેને રાઇસ સાથે ચિકન ટિક્કા મસાલાનો સ્વાદ દાઢે વળગ્યો છે. નવરાશના સમયમાં ડ્રોઇંગ કરવું તેને ગમે છે. ટુર્નામેન્ટના બીજા દિવસે 30 જુલાઇએ રાન્ડાએ કોમોરેસની ફાહિમા અહીને 39 ચાલમાં હરાવી. રાન્ડા ઉંમરમાં ભલે નાની હોય પણ તેની ચાલ સમજવામાં ચેસના મોટા-મોટા ખેલાડીઓને તકલીફ પડી રહી છે. રાન્ડા એટલી નાની છે કે ટેબલ પર રખાયેલા ચેસ બોર્ડ સુધી નથી પહોંચી શકતી. તેથી ખુરશી પર ઢીંચણિયે બેસીને રમે છે.
તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિને પણ તેને મળ્યા. રાન્ડાના ચેસ પ્લેયર પિતા જ તેના કોચ છે. રાન્ડાનો ભાઇ મોહમ્મદ સેદાર 13 વર્ષની ઉંમરે FIDE માસ્ટર રહી ચૂક્યો છે. રાન્ડા ચેસની બધી ચાલ તેના ભાઇ પાસેથી શીખી છે. ટુર્નામેન્ટમાં ભાગ લેવા 185 દેશના સ્પર્ધકો પહોંચ્યા છે. ચેન્નઇથી 50 કિ.મી. દૂર મામલ્લાપુરમમાં 28 જુલાઇથી ચાલી રહેલો ચેસ ઓલિમ્પિયાડ 9 ઓગસ્ટે પૂરો થશે.
પહેલીવાર પેલેસ્ટાઇનની મહિલા ટીમ ચેસ ઓલિમ્પિયાડમાં ભાગ લેવા આવી છે, જેમાં રાન્ડા ઉપરાંત 16 વર્ષની તક્વા હમૌરી, સારા અલ્હમૌરી અને 15 વર્ષની એમાન સાવન પણ સામેલ છે. તેમણે પહેલીવાર ચેસ ઓલિમ્પિયાડમાં ભાગ લીધો છે અને ભારતમાં ફરવા ઇચ્છે છે.
પેલેસ્ટાઇનની ખેલાડીઓ માટે ટુર્ના.માં ભાગ લેવું સહેલું નથી
ચેસ પ્લેયર તક્વા હમૌરી કહે છે કે યુદ્ધગ્રસ્ત પેલેસ્ટાઇનથી ચેસ ઓલિમ્પિયાડમાં ભાગ લેવા ભારત આવવું સરળ નહોતું. અમારે જોર્ડન, બહેરીન થઇને ભારત આવવું પડ્યું. પેલેસ્ટાઇનમાં વધુ ટુર્નામેન્ટ્સ નથી રમાતી પણ આશા છે કે આવનારા સમયમાં અમારા સારા દિવસો આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.