ભાસ્કર એનાલિસિસ:5 ટી-20 મેચથી 8 ખેલાડીઓનું વર્લ્ડ કપ ટીમમાં સ્થાન નક્કી થશે

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિન્ડીઝ અને ભારત વચ્ચે પ્રથમ ટી-20 મેચ આજે રાતના 8 વાગ્યાથી
  • વર્લ્ડ કપ માટે 12 ખેલાડી નક્કી, 3 સ્થાન માટે ખેલાડીઓની કસોટી થશે

વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ વન-ડે સીરિઝ બાદ ટીમ ઈન્ડિયા શુક્રવારથી 5 ટી-20 મેચની સીરિઝ રમશે. પ્રથમ મેચ ત્રિનિદાદમાં રાતે 8 વાગ્યાથી શરૂ થશે. રોહિત શર્માના નેતૃત્ત્વ હેઠળની ભારતીય ટીમ ભલે જીત માટે ફેવરિટ હોય પરંતુ અમુક ખેલાડીઓની સીરિઝમાં કસોટી થશે. આ સીરિઝ થકી ટીમ મેનેજમેન્ટ ટી-20 વર્લ્ડ કપ માટે ખેલાડીઓ નક્કી કરી શકે છે.

જોકે, વર્લ્ડ કપ માટે તમામ દેશ પાસે ટીમની યાદી મોકલવા 15 સપ્ટેમ્બર સુધીનો સમય છે. વર્લ્ડ કપ માટે 12 ખેલાડીઓ નક્કી થઈ ચૂક્યા છે. બાકીના 3 સ્થાન માટે 8 ખેલાડીઓ રેસમાં છે. આ સીરિઝથી રોહિત, પંત અને હાર્દિક ફરી ટીમ સાથે જોડાયા છે. કોહલી અને બુમરાહને આરામ અપાયો છે.

લોકેશ રાહુલ પણ કોરોનાને કારણે બહાર છે, એવામાં રોહિત સાથે ઈશાન કિશન ઓપનર તરીકે ઉતરશે. જ્યારે ઓલરાઉન્ડર જાડેજા હાલ સંપૂર્ણ ફિટ ન હોવાને કારણે તેના આ સીરિઝમાં રમવા અંગે શંકા છે. તે ઘૂંટણની ઈજાને કારણે વન-ડે સીરિઝમાં રમી શક્યો નહોતો.

વિરાટ કોહલીના ખરાબ ફોર્મને કારણે નંબર-3 માટે મજબૂત બેકઅપની જરૂર
હાલ 16 ટી-20 મેચ બાકી છે, જેના થકી ટી-20 મેચ માટેની ટીમ નક્કી કરી શકાય છે. તેનો પ્રારંભ વર્તમાન સીરિઝથી થશે. ટીમ ઈન્ડિયામાં હવે 3 સ્થાન ભરવાના બાકી છે, પરંતુ આ સ્થાન ભરવા માટે દાવેદાર ખેલાડીઓની સંખ્યા વધુ છે. કોહલીના ખરાબ ફોર્મને કારણે નંબર-3 પર એક મજબૂત બેકઅપની જરૂર છે, જે માટે શ્રેયસ અને દીપક હુડ્ડા રેસમાં છે. ઈશાન બેકઅપ ઓપનર તરીકે નક્કી છે.

ભારતનું 5 મહિનામાં વિન્ડીઝ વિરુદ્ધ બીજું ક્લિન સ્વીપ
ભારતે વિન્ડીઝને ત્રીજી વન-ડેમાં 119 રનથી હરાવ્યું. આ ભારતની વિન્ડીઝ વિરુદ્ધ સૌથી મોટી જીત છે. ટીમે આ વર્ષે બીજીવાર વિન્ડીઝને ક્લિન સ્વીપ કર્યું. ફેબ્રુઆરીમાં ઘરઆંગણે ભારતે સીરિઝ 3-0થી જીતી હતી.

આ 8 ખેલાડીઓ વચ્ચે 3 સ્થાન માટે સ્પર્ધા જોવા મળી રહી છે
1. કુલદીપ યાદવઃ IPLમાં સારું પ્રદર્શન કર્યા બાદ ઈજાને કારણે બહાર થયો. તે ટી-20 સીરિઝમાં સારું પ્રદર્શન કરવા માગશે, જેથી વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મેળવી શકે.
2. અક્ષર પટેલઃ વિન્ડીઝ વિરુદ્ધ બીજી વન-ડેમાં મેચ વિનિંગ ઈનિંગ્સ રમી. જાડેજાના હોવાને કારણે વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મેળવવું પડકારજનક રહેશે. ટી-20માં તેના ફોર્મ પર નજર રહેશે.
3. શ્રેયસ અય્યરઃ વિન્ડીઝ સામે સારું પ્રદર્શન કર્યા બાદ પણ શોર્ટ બોલ ન રમી શકવાની નબળાઈને કારણે સ્થાન નિશ્ચિત કરી શક્યો નથી. વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં રમાશે. 4. દિનેશ કાર્તિકઃ IPL બાદ તેનું સ્થાન લગભગ નક્કી હતું, પરંતુ ઈંગ્લેન્ડમાં ખરાબ પ્રદર્શને સિલેક્ટર્સને વિચારવા મજબૂર કર્યા છે. વિન્ડીઝ વિરુદ્ધ ફિનિશરની ભૂમિકા ભજવી સ્થાન નિશ્ચિત કરી શકે છે.
5. અર્શદીપ સિંહઃ બોલિંગમાં ઘણા વિકલ્પ હોવાને કારણે તેને વધુ તકો મળી નથી, ઈંગ્લેન્ડ વિરુદ્ધ એકમાત્ર મેચ રમી, જેમાં ઓછા રન આપવાની સાથે 2 વિકેટ ઝડપી હતી.
6. આવેશ ખાનઃ પ્રદર્શનમાં સાતત્યતા નથી. માત્ર ઝડપ જ તેનું એકમાત્ર એક્સ-ફેક્ટર છે. શાર્દુલના હોવાને કારણે તેની પસંદગી થવાની શક્યતા ઓછી છે.
7. આર.અશ્વિનઃ તે ભારતની ટી-20ની યોજનામાં નથી, તેમ છતાં તેની પસંદગી થઈ છે. તેણે અંતિમ ટી-20 મેચ ગત વર્ષે નવેમ્બરમાં રમી હતી.
8. દીપક હુડ્ડાઃ નંબર-3 પર કોહલીના વિકલ્પ તરીકે સામે આવ્યો. આ સ્થાન માટે શ્રેયસ પણ રેસમાં છે. વિન્ડીઝ સીરિઝથી જાણ થશે કે બેકઅપ નં.3 કોણ બનશે.

અન્ય સમાચારો પણ છે...