વર્લ્ડ કપ મેચ રોનાલ્ડોને 2 મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો:42 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો, FA કપમાં ગેરવર્તણૂક માટે સજા આપવામાં આવી

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોર્ટુગલના દિગ્ગજ ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને 2 મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તેના પર 42 લાખ 65 હજાર રૂપિયા (50 હજાર યુરો)નો દંડ પણ લગાવવામાં આવ્યો છે. ફૂટબોલ એસોસિએશન (FA)એ રોનાલ્ડોને આ સજા એક ચાહક સાથે ગેરવર્તન કરવા બદલ આપી છે.

વાત એમ છે કે 9 એપ્રિલે, રોનાલ્ડોએ એફએ કપ દરમિયાન એવર્ટનના એક ચાહક સાથે ગેરવર્તણૂક કરી હતી. માન્ચેસ્ટરની ટીમ ગોડિસન પાર્ક ખાતે 0-1થી હારી ગઈ હતી. હારથી નિરાશ થયેલા રોનાલ્ડોએ બાળકના હાથમાંથી મોબાઈલ છીનવી લીધો અને તેને જમીન પર પટકાવી દીધો. જોકે, બાદમાં સ્ટાર ફૂટબોલરે માફી માગી હતી.

આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો. બાળકની માતાએ જણાવ્યું હતું કે તેના હાથમાં ઈજા પણ થઈ હતી. આવી સ્થિતિમાં સ્થાનિક પોલીસે પણ રોનાલ્ડોને ચેતવણી આપી હતી.

વર્લ્ડ કપ મેચમાં સસ્પેન્શનની કોઈ અસર નહીં
આ પ્રતિબંધ વર્લ્ડ કપ પર લાગુ થશે નહીં. આ માત્ર એફએ ટૂર્નામેન્ટ મેચા માટે જ રહેશે. કારણ કે, આ પ્રતિબંધ ફૂટબોલ એસોસિએશને લગાવ્યો છે. જે ઇંગ્લેન્ડની સ્થાનિક લીગ એફએ કપનું આયોજન કરે છે.

માન્ચેસ્ટર યુનાઈટેડ સાથેનો કરાર તૂટી ગયો
આ સસ્પેન્શનથી રોનાલ્ડોની કારકિર્દીમાં બહુ ફરક નહીં પડે. કારણ કે, તે હાલમાં કોઈપણ ઇંગ્લિશ ક્લબ સાથે નથી. રોનાલ્ડોએ એક દિવસ પહેલા જ માન્ચેસ્ટર યુનાઈટેડ છોડી દીધું હતું. ખેલાડી અને ક્લબ બન્નેએ સોશિયલ પોસ્ટથી આ વિશેની માહિતી આપી હતી. કેટલાક સમયથી ક્લબ અને રોનાલ્ડો વચ્ચે અણબનાવ રહેતો હતો.

આજે ઘાના સાથે પોર્ટુગલનો મુકાબલો
રોનાલ્ડોની ટીમ પોર્ટુગલ આજે ફૂટબોલ વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. રાત્રે 9:30 વાગ્યે તેનો સામનો ઘાના સામે થશે. ગ્રુપ-Hમાં પોર્ટુગલની સાથે ઘાના, સાઉથ કોરિયા અને ઉરૂગ્વે પણ છે.