• Gujarati News
  • Sports
  • 13 Year Old Vyom Shah From Gujarat Will Participate In ITF World Junior Tennis Competition

ઊંચી ઉડાન:ITF આયોજિત વર્લ્ડ જુનિયર ટેનિસ કોમ્પિટિશનમાં ગુજરાતનો 13 વર્ષીય વ્યોમ શાહ ભાગ લેશે

અમદાવાદએક મહિનો પહેલા
  • આ ટુર્નામેન્ટ માટે પસંદ થનારા ત્રણ જુનિયર ખેલાડીઓમાંથી 1 ગુજરાતનો
  • 25 એપ્રિલએ દિલ્હીમાં એશિયન પ્લેયર્સ સામે ક્વોલિફાઇંગ મેચ રમશે

ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન (ITF) દ્વારા વર્લ્ડ જુનિયર ટેનિસ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભારતના ત્રણ જુનિયર ખેલાડીઓની પસંદગી થઈ છે. પસંદ થનારા ત્રણ જુનિયર ખેલાડીઓમાંથી ગુજરાતમાંથી 13 વર્ષના વ્યોમ જૈમિન શાહની પસંદગી થઈ છે. આગામી 25-30 એપ્રિલે દિલ્હી ખાતે આ ટુર્નામેન્ટની ફાઇનલ ક્વોલિફાઇંગ મેચ રમશે જેમાં વ્યોમ ભારતીય તેમજ એશિયાના જુનિયર ખેલાડીઓ સામે ટક્કર લેશે.

શૈષ્ય ટેનિસ એકેડમીના હેડ કોચ ઈશાંત કુમાર શર્મા સાથે વ્યોમ શાહ.
શૈષ્ય ટેનિસ એકેડમીના હેડ કોચ ઈશાંત કુમાર શર્મા સાથે વ્યોમ શાહ.

સિનિયર ખેલાડીઓના મેચ જોઈ કરે છે પ્રેક્ટિસ
દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં વ્યોમ શાહે જણાવ્યું કે, આ ટુર્નામેન્ટ માટે દિવસમાં અલગ અલગ શિફ્ટમાં રોજની 5-6 કલાક પ્રેક્ટિસ કરું છું. આ ઉપરાંત ટેક્નિકસને વધુ સારી રીતે સમજવા માટે સિનિયર ખેલાડીઓના મેચના વિડીયો જોઈને પણ પ્રેક્ટિસ કરું છું. શૈષ્ય ટેનિસ એકેડમીમાં અમારા હેડ કોચ મારા પર વધુ ધ્યાન આપી અને મારી નબળાઈઓને દૂર કરવાની અલગ અલગ રીતો સમજાવે છે જેથી મને મેચ રમતી વખતે મુશ્કેલી ન આવે.

પહેલી ઇન્ટરનેશનલ મેચ રમશે
વ્યોમ શાહ 7 વર્ષની ઉમરથી ટેનિસ રમે છે અને પાંચ વર્ષ દરમિયાન તેણે સ્થાનિક, રાજ્યકક્ષાની તેમજ નેશનલ લેવલની 40 જેટલી ટેનિસ મેચમાં ભાગ લીધો છે. જેમાંથી વ્યોમ 25 મેચમાં વિજેતા રહ્યો હતો. આ પહેલીવાર હશે કે વ્યોમ કોઈ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. વ્યોમ બિઝનેસ ફેમિલીમાંથી આવે છે. તેના પિતા જૈમિન શાહની કંપની દેવ IT ગુજરાતની ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેક્ટરની જાણીતી કંપની છે. રસપ્રદ વાત એ છે કે તેના પરિવારમાં કોઈ સભ્ય ટેનિસ રમતા નથી.

અલગ અલગ ટુર્નામેન્ટમાં જીતેલી ટ્રોફી સાથે વ્યોમ શાહ.
અલગ અલગ ટુર્નામેન્ટમાં જીતેલી ટ્રોફી સાથે વ્યોમ શાહ.

ડાબોડી ખેલાડી હોવાનો એડવાન્ટેજ થશે
વ્યોમનું માનવું છે કે જે રીતે ક્રિકેટમાં ડાબોડી બેટ્સમેનને આઉટ કરવો અઘરું પડે છે તેવી જ રીતે ટેનિસમાં પણ ડાબા હાથે રમતા ખેલાડીને એક એડવાન્ટેજ મળે છે. કોચની સલાહ મુજબ વ્યોમે તેનું રેકેટ અને ગ્રીપિંગ પસંદ કર્યા છે. નિરમા વિદ્યાવિહાર સ્કૂલમાં ભણતા વ્યોમ ટેનિસ રમવાની સાથે સાથે અભ્યાસમાં પણ એટલું જ ધ્યાન આપે છે.

અન્ય સમાચારો પણ છે...