હરિયાણાના પંચકૂલામાં ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સ ચાલી રહી છે. જેમાં ઘણી ટીમ અને ખેલાડીઓ પ્રભાવશાળી પ્રદર્શન કરી રહી છે. જુદી-જુદી રમતોમાં ભાગ લેવા સમગ્ર દેશમાંથી ખેલાડીઓ-ટીમ અહીં આવ્યા છે. જેમાં આંધ્ર પ્રદેશની મહિલા કબડ્ડી ટીમ સામેલ છે. ટીમની 12 માંથી 10 ખેલાડીઓ ખેત મજૂરોની દીકરી હોવાનું સામે આવ્યું છે. તેઓ તમામ વિજયનગરમની પાસેના કાપુસંભંમની રહેવાસી છે. તેઓ અહીં મેડલ જીતવા જ નહીં પરંતુ અન્યો માટે સ્પોર્ટ્સ રોલ મોડલ બને તેવા ઈરાદા સાથે પણ પંચકૂલા આવી છે.
સૂર્યકલાએ ડેબ્યૂ કર્યું, 14 પોઈન્ટ મેળવ્યા
આંધ્ર પ્રદેશની વંદના સૂર્યકલાથી જ્યારે લોકો તેમા માતા-પિતા વિશે સવાલ કરે છે ત્યારે તે ગુસ્સે થાય છે. તેણીએ કહ્યું કે,‘દરેકનો એક વ્યવસાય હોય છે અને મારા માતા-પિતા વ્યવસાયે ખેત મજૂર છે. મને તેમની પર ગર્વ છે.’ સૂર્યકલાએ ગેમ્સમાં ડેબ્યૂ કર્યું છે અને યુવા રેડરે 14 પોઈન્ટ હાંસલ કરતા ટીમને છત્તિસગઢ વિરુદ્ધ 40-28થી જીત અપાવવામાં મદદ કરી હતી.
માતા-પિતા માટે ખેતર ખરીદવાનું સ્વપ્ન
જીએનઆર જુનિ. કોલેજની વિદ્યાર્થીની મુનાકલા દેવિકા ટીમની મહત્ત્વપૂર્ણ ખેલાડી રહી. કહ્યું કે,‘અમને અમારા માતા-પિતા પર ગર્વ છે. અમને રમવા માટે પ્રોત્સાહિત કરી. અમને એવું સમર્થન મળ્યું જેની અમને જરૂર છે.’ મુનાકલાનું સ્વપ્ન છે કે તે એક દિવસ પોતાના માતા-પિતા માટે ખેતર ખરીદી શકે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.