કોટલાની આ અત્યાર સુધીની સૌથી ખરાબ પીચ હતી: રિકી પોન્ટિંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દિલ્હી કેપિટલ્સના કોચ રિકી પોન્ટિંગે કહ્યું કે, પીચ ધીમી હતી, બોલ બરાબર બાઉન્સ થતો ન હતો
  • આ પહેલા ધોની પણ બેંગ્લુરુ વિરુદ્ધની પહેલી મેચ પછી પીચની ટીકા કરી ચૂક્યો છે

સ્પોર્ટ્સ ડેસ્ક: આઇપીએલની 2019ની 16મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને પાંચ વિકેટે હરાવ્યું હતું. આ હાર પછી ટીમના કોચ રિકી પોન્ટિંગે ફિરોઝશાહ કોટલા મેદાનની પીચને લઈને પોતાની નિરાશા જતાવી હતી. તેણે કહ્યું કે, "મને લાગે છે કે આ વિકેટે અમને આશ્ચર્યચકિત કર્યા હતા. મેચ પહેલા ગ્રાઉંડ્સમેન સાથે વાત કરીને અમને લાગ્યું હતું કે પીચ સારી હશે, પરંતુ આ અત્યાર સુધીની સૌથી ખરાબ વિકેટ હતી. પીચ બહુ ધીમી હતી અને બોલ બરાબર બાઉન્સ થતો ન હતો."

આ પહેલા ચેન્નાઇ સુપરકિંગ્સના કેપ્ટ્ન મહેન્દ્રસિંહ ધોનીએ પણ બેંગ્લુરુ સામેની પહેલી મેચ પછી પોતાની ઘરેલુ પીચને નિરાશા વ્યક્ત કરી હતી. ધોનીએ કહ્યું હતું કે, પીચ સુધારવી પડશે નહીં તો અમારે પણ હેરાનગતિનો સામનો કરવો પડશે.

દિલ્હીથી સારું પ્રદર્શન હૈદરાબાદના સ્પિનર્સે કર્યું
સનરાઇઝર્સના સ્પિનર મોહમ્મદ નાબી અને રાશિદ ખાને કુલ 8 ઓવર નાખી હતી. તેમાં તેમણે 36 રન આપ્યા હતા અને 3 વિકેટ ઝડપી હતી. જયારે દિલ્હીના સ્પિનર્સ અક્ષર પટેલ, સંદીપ લામીછાને અને રાહુલ તેવટિયાએ કુલ 11 ઓવર નાખી હતી. તેમાં તેમણે 60 રન આપીને 3 વિકેટ લીધી હતી.

પીચ જોતા ટીમ કોમ્બિનેશન  અંગે વિચાર કરવો પડશે: પોન્ટિંગ 
પોન્ટિંગે કહ્યું કે, આ પીચ ઉપર ધીમા બોલર્સને વધુ ફાયદો થાય તેમ હતો. તેવામાં આગામી દિવસોમાં અમારે પીચને ધ્યાનમાં રાખતા ટીમ કોમ્બિનેશન ઉપર ધ્યાન આપવું પડશે. હૈદરાબાદ પાસે સારા સ્પિનર્સ છે અને તેમના ફાસ્ટર્સે ધીમે બોલિંગ કરીને ફાયદો ઉઠાવ્યો હતો.

રબાડા-ઇશાંતનો સરખી રીતે ઉપયોગ ન કરી શક્યા
પોન્ટિંગ વધુ ઉમેરતા કહ્યું હતું કે પીચના લીધે તેમના મુખ્ય પેસર્સ કગીસૉ રબાડા અને ઇશાંત શર્મા ટીમની ગણતરી અનુસાર રમ્યા ન હતા. તેમનો સરખી રીતે ઉપયોગ થઇ શક્યો ન હતો. જયારે સનરાઇઝર્સના સંદીપ શર્મા અને ભુવનેશ્વર કુમારને પીચથી વધુ મદદ મળી હતી. બંને ધીમા બોલ ફેંકવામાં મહારત ધરાવે છે.