ન્યૂઝીલેન્ડ / શૂટઆઉટ વખતે મસ્જિદમાં હતા બાંગ્લાદેશના ક્રિકેટર્સ, આવતીકાલની ટેસ્ટ મેચ કેન્સલ

divyabhaskar.com | Updated - Mar 15, 2019, 01:14 PM

  • બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના વિકેટ કિપર મુશ્ફિકુર રહીમે પણ આ ઘટના પછી ટ્વિટ કરીને કહ્યું- અમે સેફ છીએ

ક્રાઈસ્ટચર્ચ: ન્યૂઝીલેન્ડના મોટા શહેર ક્રાઈસ્ટચર્ચની એક મસ્જિદમાં શુક્રવારે સવારે ગોળીબાર થયો હતો. આ ગોળીબાર શહેરની બે મોટી મસ્જિદોમાં થયો હતો. આ હુમલામાં ઘણાં લોકો ઘાયલ થયા છે જ્યારે 25થી વધુ લોકોના મોતની વાત સામે આવી છે. જે સમયે મસ્જિદમાં ગોળીબાર થયો ત્યારે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ ત્યાં હાજર જ હતી. જોકે ટીમના દરેક સભ્યો સુરક્ષીત રીતે બહાર નીકળી ગયા છે અને બાંગ્લાદેશના ખેલાડીઓએ ટ્વિટ કરીને આ વાતની જાણ પણ કરી છે. નોંધનીય છે કે, આવતી કાલે બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડની ટેસ્ટ મેચ હતી તે પણ હવે કેન્સલ કરવામાં આવી છે.

ગોળીબાર થયો તે સમયે બાંગ્લાદેશી ક્રિકેટર મસ્જિદમાં નમાઝ પઢી રહ્યા હતા. ત્યારપછી તુરંત તેમને ત્યાંથી બહાર કાઢવામા આવ્યા હતા. બાંગ્લાદેશી ક્રિકેટર પોલીસ સુરક્ષાના ઘેરામાં ત્યાંથી નીકળ્યાં અને માંડ માંડ તેમનો જીવ બચી શક્યો. બાંગ્લાદેશી ક્રિકેટર તમીમ ઈકબાલે પણ ટ્વિટ કરીને આ વાતનો ખુલાસો કર્યો છે કે, તેમની ટીમ સંપૂર્ણ પણે સુરક્ષીત છે. તમે અમને દુવામાં યાદ રાખજો.

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના વિકેટ કિપર મુશ્ફિકુર રહીમે પણ આ ઘટના પછી ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું છે કે, ક્રાઈસ્ટચર્ચની મસ્જિદમાં થયેલા ગોળીબારમાં તેઓ સુરક્ષીત બચી ગયા છે. અમે બહુ નસીબદાર છીએ કે અમે બચી ગયા. ઉપરવાળો કરે કે અમારે કદી આ દ્રશ્ય ફરી ન જોવું પડે.

બાંગ્લાદેશી ક્રિકેટ બોર્ડના પ્રવક્તા જલાલ યુનુસના જણાવ્યા પ્રમાણે જે વખતે મસ્જિદમાં ગોળીબાર થયો તે સમયે અમુક ખેલાડીઓ મસ્જિદની અંદર હતા અને ટીમના અમુક લોકો બસમાં હતા. તેમણે ખુલાસો કર્યો છે કે, આ દુર્ઘટનમાં ટીમના એક પણ સભ્યને કોઈ ઈજા થઈ નથી.

નોંધનીય છે કે, શનિવારે ક્રાઈસ્ટચર્ચમાં ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશની ત્રીજી ટેસ્ટ મેચ થવાની હતી. ન્યૂઝીલેન્ડની પોલીસે પણ હુમલાનો ખુલાસો કર્યો છે.પોલીસ દ્વારા એક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે કે, જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો પોલીસને સુચના આપવી. માનવામાં આવે છે કે, હુમલાખોરે અંદાજે 50થી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App