ટ્રોલર્સ વિરુદ્ધ યુવીનો કટાક્ષ!:યુવરાજ સિંહે દિવાળીની શુભેચ્છા પાઠવતો વીડિયો શેર કર્યો, કહ્યું- ફટકડા મુદ્દે કંઈ બોલું તો લોકોને ખોટુ લાગશે

25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહે સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને દિવાળીની શુભેચ્છા પાઠવી છે. યુવરાજે આ વીડિયો દ્વારા ફટાકડા વિશે ફેન્સને ખાસ સંદેશ પણ આપ્યો છે. યુવીએ કહ્યું કે જો તે ફટાકડા વિશે કંઈક બોલે તો કદાચ લોકોને ખોટુ લાગી જશે, તેથી સમજદાર માટે એક ઈશારો પૂરતો છે. વાસ્તવમાં, પર્યાવરણને પ્રદૂષણ મુક્ત રાખવા માટે ઘણી હસ્તીઓ ફટાકડાનો ઉપયોગ ન કરવાની સલાહ આપી રહી છે, પરંતુ કેટલાક ટ્રોલર્સ તેને હિન્દુ ધર્મના તહેવાર સાથે જોડીને ટ્રોલ કરે છે. તેવામાં યુવરાજે સ્પષ્ટપણે ટ્રોલર્સ સામે કટાક્ષ કરતા આ વીડિયો પોસ્ટ કર્યો હતો, જે અત્યારે વાઈરલ થઈ રહ્યો છે.

યુવરાજે ફેન્સ માટે પ્રાર્થના કરી
યુવરાજ સિંહે વીડિયોમાં કહ્યું- મારી તરફથી આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. દીવા કરો, મીઠાઈઓ ખાઓ અને પ્રેમ વહેંચો. હું ફટાકડા વિશે કંઈ કહીશ નહીં કારણ કે કેટલાક લોકોને ખોટુ લાગી શકે છે. સમજદારને ઈશારો પૂરતો છે.' આ વીડિયો શેર કરતા યુવરાજે લખ્યું, 'મારી તરફથી તમને બધાને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઘણી બધી ખુશીઓ આવે, અંધકારને દૂર કરે! એવી મારી પ્રાર્થના છે. યુવરાજ ઉપરાંત તમામ દિગ્ગજ ક્રિકેટર્સે સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને દિવાળીની શુભેચ્છા પાઠવી છે.

સિક્સર કિંગ યુવરાજની રી-એન્ટ્રી
યુવરાજ સિંહ એટલે સિક્સર કિંગ. તે ટીમ ઈન્ડિયાના મોટા મેચ વિનરોમાંથી એક છે. આમ તો યુવરાજ સિંહે ઈન્ટરનેશનલ ક્રિકેટને છોડી દીધું છે. જોકે હવે તેણે પિચ પર ફરીથી ઊતરવાના સંકેત આપ્યા છે. 2011ના વર્લ્ડ કપના હીરો રહેલા યુવરાજ સિંહે સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો મૂકીને ફેબ્રુઆરી 2022માં ફરીથી પિચ પર ઊતરવાનો ઈશારો કર્યો છે.

યુવરાજે વીડિયો અપલોડ કર્યો
યુવરાજે જે વીડિયો અપલોડ કર્યો છે એ તેણે ઈંગ્લેન્ડની સામે રમેલી 150 રનની ઈનિંગનો છે. બેટિંગ કરતા તેણે આ વીડિયોને તેરી મિટ્ટીના ગીત પર એડિટ કરીને પોસ્ટ કર્યો છે. યુવરાજે સોશિયલે મીડિયા પર પોતાનો આ વીડિયો પોસ્ટ કરતા લખ્યું, તમારું ભાગ્ય ભગવાન નક્કી કરે છે. પબ્લિક ડિમાન્ડ પર હું ફરીથી ફેબ્રુઆરીમાં પિચ પર ઊતરીશ. આ ફિલિંગથી વધુ મારા માટે કંઈ જ નથી. હું એના માટે બધાનો આભારી છું.

યુવરાજ સિંહની ઈન્ટરનેશનલ કરિયર
યુવરાજ સિંહ ભારત માટે 40 ટેસ્ટ, 304 વનડે અને 58 T20 રમ્યો છે. તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 11000થી વધુ રન બનાવ્યા છે, જેમાં 17 સેન્ચુરી અને 71 હાફ સેન્ચુરી સામેલ છે. જ્યારે યુવરાજ પોતાના ફુલફોર્મમાં હતો તો વિરોધી ટીમ માટે તેને અટકાવવાનું મુશ્કેલ થતું હતું. 11000થી વધુ રન બનાવવા સિવાય તેણે 148 વિકેટ પણ લીધી છે, જેમાં 2 વખત 4 વિકેટ અને 1 વખત 5 વિકેટ લેવાની સિદ્ધિ સામેલ છે.

2000માં થઈ હતી એન્ટ્રી
યુવરાજ સિંહે ઈન્ટરનેશનલ ડેબ્યુ વર્ષ 2000માં નૈરોબીમાં રમાયેલી ICC નોકઆઉટ ટૂર્નામેન્ટમાંથી કરી હતી. યુવરાજે તેની અંતિમ મેચ 30 જૂન 2017ના રોજ વેસ્ટ ઈન્ડીઝની સામે રમી હતી. તેણે રિટાયરમેન્ટની જાહેરાત વર્ષ 2019માં કરી હતી.

અન્ય સમાચારો પણ છે...