પાકિસ્તાની કેપ્ટન સાથે અન્યાય થયો?:વોર્નર બન્યો પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ, અખ્તર ગુસ્સે થયો; બાબર સાથે ભેદભાવ થયાનો આક્ષેપ લગાવ્યો

17 દિવસ પહેલા

T-20 વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને 8 વિકેટથી હરાવી પહેલીવાર આ ટાઈટલ પોતાને નામ કર્યું છે. ટીમની યાદગાર જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ડેવિડ વોર્નરને 'પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ'ના અવૉર્ડથી સન્માનિત કરાયો છે. જોકે પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરને આ વાત નહોતી ગમી અને તેણે બાબર સાથે અન્યાય થયો હોવાની વાત કહી હતી.

પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ વિવાદ
વોર્નરને 'પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ'ના અવૉર્ડથી સન્માનિત કરાયા પછી અખ્તરે સોશિયલ મીડિયામાં પોતાનો ગુસ્સો ઠાલવ્યો અને કહ્યું હતું કે બાબર આઝમ સાથે પક્ષપાત થયો છે. અખ્તરના જણાવ્યા પ્રમાણે, આ અવૉર્ડ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમને મળવો જોઈતો હતો. ફાઇનલ પછી પ્રેઝન્ટેશન સેરેમનીમાં ડેવિડ વોર્નરને અવૉર્ડ અપાયો તેની ગણતરીની સેકન્ડમાં શોએબે ટ્વીટ કરી લખ્યું હતું કે હું ઘણો ઉત્સુક હતો કે આ અવૉર્ડ બાબર આઝમને મળશે, પરંતુ આ એક પક્ષપાત સમાન નિર્ણય છે.

બાબરે 6 મેચમાં 4 ફિફ્ટી ફટકારી
T-20 વર્લ્ડ કપમાં PAK ટીમની સેમી-ફાઇનલ સુધી પહોંચવાની સફરમાં કેપ્ટન બાબર આઝમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. તેણે 6 મેચમાં 60.60ની એવરેજ અને 126.25ના સ્ટ્રાઈક રેટ સાથે કુલ 303 રન કર્યા છે. 6 મેચમાં બાબરે 4 અર્ધસદી ફટકારી હતી. પાકિસ્તાન ટીમને ટૂર્નામેન્ટ જીતવાની ફેવરિટ પણ માનવામાં આવી રહી હતી, પરંતુ સેમી-ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટથી હરાવી તેનું સપનું તોડી દીધું હતું.

વોર્નરે પણ સારી છાપ છોડી
ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવવા ડેવિડ વોર્નરનો મહત્ત્વપૂર્ણ રોલ રહ્યો હતો. સ્ટાર ખેલાડીએ 7 મેચમાં 48.17ની એવરેજથી કુલ 289 રન કર્યા છે. ફાઇનલમાં વોર્નરે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 38 બોલમાં 53 રનની ઈનિંગ રમી હતી, જ્યારે સેમી-ફાઇનલમાં PAK વિરુદ્ધ તેણે 30 બોલમાં 49 રન કર્યા હતા. વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ વોર્નરે 56 બોલમાં 89 રન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...