'મૌકા-મૌકા'નું ટીવી તોડ વર્ઝન!:વર્લ્ડ કપની હાઈ-વોલ્ટેજ મેચ પૂર્વે પાકિસ્તાની ફેન્સને ટ્રોલ કરતો વીડિયો વાઈરલ; ટીવીની ખરીદી માટે 'બાય વન બ્રેક વન'ની ખાસ ઓફર!

3 મહિનો પહેલા
  • ઈન્ડિયન ટીમે 15 વર્ષથી UAEમાં એકપણ T-20 મેચ રમી નથી
  • ટૂર્નામેન્ટની IND v/s PAKની એલ-ક્લાસિકો મેચ 24 ઓક્ટોબરના દિવસે દુબઈમાં રમાશે

IPLનું મનોરંજન પૂરૂ થવા આવ્યું છે કે ક્રિકેટ ફેન્સને તેના ગણતરીના દિવસોમાં ફરી એકવાર હાઈ-વોલ્ટેજ ટૂર્નામેન્ટની મજા મળવા જઈ રહી છે. 17 ઓક્ટોબરથી આયોજિત T-20 વર્લ્ડ કપ માટે ક્રિકેટ ફેન્સ આતુરતાથી પ્રતિક્ષા કરી રહ્યા હતા. તેવામાં આ ટૂર્નામેન્ટની ઈન્ડિયા V/S પાકિસ્તાન હાઇ-વોલ્ટેજ ગેમ (24 ઓક્ટોબર) પૂર્વે બંને ટીમના ફેન્સ સામ-સામે આવી ગયા છે. આ દરમિયાન છેલ્લી ઘણી ICC ટૂર્નામેન્ટ દરમિયાન વાઈરલ થયેલું મૌકા-મૌકા જાહેરાતના વીડિયોનું નવું વર્ઝન અત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યું છે.

મૌકા-મૌકાનું ટીવી તોડ વર્ઝન વાઇરલ
તમને જણાવી દઈએ કે ઈન્ડિયા-પાકિસ્તાન વચ્ચે આયોજિત મેચ પહેલા PAK ક્રિકેટર્સ અને નિષ્ણાંતો અવાર-નવાર ઈન્ડિયન ટીમને હરાવી દેવાની વાત સોશિયલ મીડિયામાં કરી રહ્યા છે. આવા માહોલમાં ટીવી પર મૌકા-મૌકાની જાહેરાતનું નવું વર્ઝન વાઈરલ થઈ રહ્યું છે.

આ વર્ઝનમાં તે જ પાકિસ્તાની ફેનને દુબઈના એક મોલમાં ટીવીની ખરીદી કરતો બતાવ્યો છે. તે આ સમયે પાકિસ્તાનની જીતની ઉજવણી કરવા માટે હાથમાં ફટાકડાનું બોક્સ અને વર્લ્ડ કપનું રમકડું લઈને ફરતો જોવા મળી રહ્યો છે. તેવામાં આ ફેન મેચ જોવા માટે નવું ટીવી લેવા શો રૂમમાં પહોંચી જાય છે. વળી આ દુકાન એક ભારતીયની છે. ત્યારે આ પાકિસ્તાની ફેન તેને કહી રહ્યો છે કે બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન દુબઈમાં એવા છગ્ગા મારશે કે દિલ્હીમાં કાચ તૂટી જશે. આ વખતે તો અમે તક (મૌકો) ઝડપી લઈશું.

જાહેરાતમાં ભારતીય દુકાનદારનો વળતો જવાબ
આ જાહેરાતમાં ભારતીય દુકાનદાર પાકિસ્તાની ફેનને વળતો જવાબ આપે છે. પાકિસ્તાની ફેન હાથમાં ફટાકડા લઈને ટીવી જોવા માટે પહોંચી ગયો હોય છે ત્યારે દુકાનદાર તેને કેટલાક વર્ષો પહેલા તોડેલા ટીવીની યાદ અપાવે છે. જોકે ત્યારપછી દુકાનદાર કહે છે કે અમે T-20 વર્લ્ડ કપમાં પાંચ વાર તમને (પાકિસ્તાન) હરાવ્યા છે. હવે તારા ફટાકડા ફુટે કે ના ફુટે પરંતુ તારા માટે 'બાય વન બ્રેક વન' નામની મસ્ત સ્કીમ મારી પાસે છે. તું એક ટીવી ખરીદ, બીજુ મફત લઈ જા. કારણ કે ઈન્ડિયા સામે જીતવામાં તું સફળ નહીં રહે તો આ એક ટીવી ફોડવાની તક તારી પાસે જરૂર રહેશે.

IND v/s PAKની મોંઘેરી કિંમત, 10 સેકન્ડની કિંમત રૂ.30 લાખથી પણ વધુ
24 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન વચ્ચે આયોજિત T-20 વર્લ્ડ કપના મહાસંગ્રામને કારણે ક્રિકેટ ફેન્સના મનોરંજનની સાથે બ્રોડકાસ્ટર કંપનીઓને પણ ફાયદો થશે. આ મેચ દરમિયાન પોતાની બ્રાન્ડની માહિતી દર્શકો સુધી પહોંચાડવા માટે કંપનીઓ જાહેરાતની એક-એક સેકન્ડના 3થી સાડા ત્રણ લાખ રૂપિયા પણ ચૂકવવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષો કરતા તુલનામાં આ રકમમાં લગભગ 3 થી 4 ગણો ઉછાળો જોવા મળ્યો છે.

ઈન્ડિયન ટીમે 15 વર્ષથી UAEમાં એકપણ T-20 મેચ રમી નથી
17 ઓક્ટોબરથી T-20 વર્લ્ડ કપની શરૂઆત થવા જઇ રહી છે. આ ટૂર્નામેન્ટની હાઈવોલ્ટેજ એલ-ક્લાસિકો મેચ 24 ઓક્ટોબરના દિવસે દુબઈમાં રમાશે. પાકિસ્તાની ટીમ વર્લ્ડ કપમાં ઈન્ડિયાને ક્યારેય હરાવી શકી નથી. બંને ટીમ T-20 વર્લ્ડ કપમાં 5 વાર સામ-સામે આવી ચૂકી છે અને આ તમામ મેચમાં ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવ્યું હતું.

જોકે આ વખતે વર્લ્ડ કપ UAEમાં રમાશે. ઈન્ડિયન ટીમ છેલ્લા 15 વર્ષમાં અહીં એકપણ T-20 મેચ રમી નથી, જ્યારે પાકિસ્તાની ટીમ UAEમાં 36 મેચ રમી ચૂકી છે. પાકિસ્તાનના રેકોર્ડ્સની વાત કરીએ તો એણે 36માંથી 21 મેચ જીતી છે જ્યારે 13 મેચમાં પાકિસ્તાની ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. આ તમામ સ્ટેટ્સને વધુ વિગતવાર જોઇએ તો UAEમા છેલ્લા પાંચ વર્ષની અંદર પાકિસ્તાને 11 મેચ રમી છે અને તે તમામ મેચમાં એણે જીત પ્રાપ્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...