શું ટીમ ઈન્ડિયા T-20 વર્લ્ડ કપ જીતશે?:વિરાટની કેપ્ટનશિપમાં આપણે ICCની દરેક ઈવેન્ટ્સ હાર્યા, શરૂઆત પાકિસ્તાને હરાવીને કરી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

2017 ચેમ્પિયન્સ ટ્રોફી ઈન્ડિયન ટીમના કેપ્ટન તરીકે વિરાટની પહેલી ICC ટૂર્નામેન્ટ હતી. જેની પહેલી મેચમાં ઈન્ડિયાએ પાકિસ્તાનને 124 રનથી હરાવી હતી. આ જીત પછી ઈન્ડિયાએ સેમિફાઇનલ સુધી વિસ્ફોટક પ્રદર્શન કર્યું હતું અને ફાઇનલમાં જગ્યા મેળવી લીધી હતી. સેમિફાઇનલમાં કોહલી સેનાએ બાંગ્લાદેશને 9 વિકેટથી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, જેમાં તેની ટક્કર પાકિસ્તાન સામે હતી.

પાકિસ્તાની ટીમે આ મેચમાં પહેલા બેટિંગ કરતા 338 રનનો ટાર્ગેટ ઈન્ડિયાને જીતવા માટે આપ્યો હતો. ઈન્ડિયન ટીમ ટાર્ગેટ ચેઝ કરતા 158 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં 180 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે વિરાટ કોહલીની પણ ભારે નિંદા થઈ હતી. ત્યારપછી વિરાટ અને ઈન્ડિયન ટીમના કોચ કુંબલે વચ્ચે વિવાદ એટલો વકર્યો હતો કે તેમને આ પદ છોડવું પડ્યું હતું.

2019 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામે હાર
વર્ષ 2019માં ઈન્ડિયન ટીમના કેપ્ટન તરીકે કોહલીનો પહેલો વર્લ્ડ કપ હતો. જેમાં વિરાટ એન્ડ કંપની વિસ્ફોટક પ્રદર્શન સાથે 9 મેચમાંથી 8 જીતી પોઇન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ હતી. આ ટૂર્નામેન્ટની સેમિફાઇનલ સુધી ઈન્ડિયન ટીમ ફેવરિટ્સ હતી, પરંતુ તે ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઇનલ મેચમાં પ્રેશર સહન ના કરી શકી અને હારનો સામનો કર્યો હતો.

વરસાદના વિઘ્ને મેચ ફરીથી રમાતા ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરતા 239/8નો સ્કોર કર્યો હતો. ઈન્ડિયાએ આ રન ચેઝમાં ખરાબ શરૂઆત કરી હતી, તેણે શરૂઆતમાં જ 5 રન કરવામાં 3 વિકેટ ગુમાવી હતી. મહેન્દ્ર સિંહ ધોની (50 રન) અને રવીંદ્ર જાડેજા (77 રન) ઈન્ડિયાને જીત તરફ દોરીને લઈ જતા હતા, પરંતુ ધોનીનો રનઆઉટ ગેમ ચેન્જિંગ સાબિત થયો હતો. જેના પરિણામે 18 રનથી મેચ હારી ગઈ અને વર્લ્ડ કપની બહાર ફેંકાઈ ગઈ હતી. આ ઈન્ડિયન જર્સીમાં મહેન્દ્ર સિંહ ધોનીની છેલ્લી મેચ હતી, તેણે 1 વર્ષ પછી 15 ઓગસ્ટે નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં વિરાટ સેના ઢેર
ઈન્ડિયન ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પણ વિસ્ફોટક શરૂઆત કરી હતી. જેમાં ઈન્ડિયન ટીમે 6માંથી 5 સિરીઝ જીતીને આ ફાઇનલ જીતવાની પ્રબળ દાવેદારી રજૂ કરી દીધી હતી. આ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચમાં વિરાટ એન્ડ ટીમનો સામનો ન્યૂઝીલેન્ડ સામે હતો. મેચ પૂર્વે પણ તમામ નિષ્ણાંતોના મત મુજબ વિરાટ એન્ડ કંપની આને જીતવાની ફેવરિટ્સ હતી.

વિરાટ કોહલી માટે ટેસ્ટ ક્રિકેટમાં ઈન્ડિયાના પ્રભાવ અને ICC ટ્રોફી જીતવાના સપના હેઠળ આ મેચ અલગ ચરમસિમાએ હતી. ન્યૂઝીલેન્ડ રોમાંચક ફાઇનલમાં ઈન્ડિયાને હરાવી પહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન બની ગઈ હતી. ન્યૂઝીલેન્ડે વરસાદના વિઘ્ને ફાઇનલને 8 વિકેટથી જીતી લીધી હતી.

વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ઈન્ડિયાએ એકપણ ICC ઈવેન્ટ જીતી નથી. T-20 વર્લ્ડ કપ પછી વિરાટ આ ફોર્મેટની કેપ્ટનશિપ છોડી રહ્યો છે. તેવામાં વિરાટ એન્ડ ટીમનું ધ્યાન આ ટૂર્નામેન્ટને જીતવા પર રહેશે.

અન્ય સમાચારો પણ છે...