આ તે કેવી ઉજવણી!:ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ જીતની ખુશીમાં ભાન ભૂલ્યા, બૂટમાં બિયર નાખીને પીધો; નાચતા રહ્યા, ગાતા રહ્યા, જુઓ VIDEO

નવી દિલ્હી15 દિવસ પહેલા
ઓસ્ટ્રેલિયન ટીમના ખેલાડી મેથ્યુ વેડેએ પોતાના જ બૂટમાં બિયર નાખીને પીધો હતો.
  • ઓસ્ટ્રેલિયન ટીમના ડ્રેસિંગ રૂમમાં જશ્નનો માહોલ જામ્યો હતો

ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વખત ટી-20 વર્લ્ડકપ ટાઇટલ પોતાને નામે કર્યો છે. ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે આઠ વિકેટે જીત મેળવ્યા બાદ ઓસ્ટ્રેલિયન ટીમના ડ્રેસિંગ રૂમમાં જશ્નનો માહોલ જામ્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમના ખેલાડીઓ જશ્નમાં તો એવા ડૂબી ગયા હતા કે પોતાના જ બૂટમાં બિયર નાખીને ગટગટાવી રહ્યા હતા. ઓસ્ટ્રેલિયાના ડ્રેસિંગ રૂમમાં મનાવવામાં આવેલા જશ્નનો એક વીડિયો ICCએ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં મેથ્યુ વેડે પોતાના બૂટ કાઢ્યા અને એમાં બિયર નાખીને ગટગટાવ્યો. ત્યાર બાદ માર્ક્સ સ્ટોયનિસે પણ બૂટ લીધું હતું અને એમાં બિયર નાખીને પીધો હતો.

આ T20 વર્લ્ડ કપ પહેલાં ઓસ્ટ્રેલિયાને ખિતાબના દાવેદારમાં સામેલ કરવામાં આવ્યું નહોતું. જ્યારે ટીમના ઓપનર ડેવિડ વોર્નરને ટૂર્નામેન્ટ પહેલાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) દરમિયાન સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં તેના ફોર્મને લઈને ચિંતા બનેલી હતી. વોર્નરે ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયાના તમામ ટીકાકારોને જડબાંતોડ જવાબ આપ્યો હતો અને સૌથી વધુ રન બનાવ્યા તથા મેન ઓફ ધ ટૂર્નામેન્ટ તરીકે જાહેર થયો.

સ્ટોઇનિસ અને વેડે એક-એક કેચ લીધો હતો
સ્ટોઇનિસે આ મેચમાં એડમ ઝમ્પાના બોલ પર માર્ટિન ગુપ્ટિલનો કેચ કરીને ઓસ્ટ્રેલિયાને પ્રથમ સફળતા અપાવી હતી. ગુપ્ટિલે 35 બોલમાં 28 રન બનાવ્યા હતા. જ્યારે મેથ્યુ વેડે પણ જોશ હેઝલવુડના બોલ પર ડેરિલ મિચેલનો કેચ ઝડપીને તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. મિશેલે 8 બોલમાં 11 રન બનાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયાએ શાનદાર પ્રદર્શન કરતાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું
ઓસ્ટ્રેલિયન ટીમને સુપર-12 રાઉન્ડમાં ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ બાકીની ચારેય મેચ જીતીને ટીમ સેમી-ફાઇનલમાં પહોંચી હતી, જ્યાં તેનો સામનો પાકિસ્તાન સામે થયો હતો. પાકિસ્તાનને ટી-20 વર્લ્ડ કપ જીતવાનું પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યું હતું, પરંતુ ઓસ્ટ્રેલિયાએ શાનદાર પ્રદર્શન કરતાં ફાઇનલમાં સ્થાન મેળવ્યું તેમજ ન્યૂઝીલેન્ડને આઠ વિકેટથી હરાવીને ટી-20 વર્લ્ડ કપ 2021નું ટાઇટલ પોતાને નામે કર્યું છે.

મેચ પહેલાં દુબઈમાં ભૂકંપ આવ્યો હતો
દુબઈમાં મેચ શરૂ થયા પહેલાં જ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, ત્યાર બાદ લોકો ઈમારતમાંથી બહાર આવી ગયા હતા. યુએઈમાં આવેલા ભૂકંપની તીવ્રતા 2.3 હતી. અરબ ન્યૂઝ અનુસાર, રવિવારે સાંજે દક્ષિણ ઈરાનમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, એ પછી યુએઈમાં આંચકા અનુભવાયા હતા અને દુબઈમાં પણ લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...