પ્રેસ-કોન્ફરન્સમાં થઈ જોવાજેવી:પત્રકારે NZના ઈશ સોઢીને હિંદીમાં જવાબ આપવા કહ્યું, સોઢી બોલ્યો- મમ્મી TV જોતી હશે; ભૂલ થશે તો ઘરે જવું પણ મુશ્કેલ બનશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂઝીલેન્ડે 8 વિકેટથી ભારતને હરાવી સેમી-ફાઇનલ સુધી પોતાની સફર યથાવત્ રાખી છે. આ મેચ પછી પ્રેસ-કોન્ફરન્સ દરમિયાન ઈશ સોઢીને એક પત્રકારે પિચ કંડિશન અને બોલિંગ વિશે સવાલ પૂછ્યા હતા, જેનો જવાબ પત્રકારે હિંદીમાં માગતાં સોઢી વિચારમાં પડી ગયો હતો, પરંતુ ત્યાર પછી તેણે જે જવાબ આપ્યો એ સાંભળીને હાસ્યાસ્પદ વાતાવરણ ઊભું થયું હતું.

ઈશ સોઢીએ કહ્યું, મમ્મી વઢી નાખશે મને
ન્યૂઝીલેન્ડનો સ્પિનર ઈશ સોઢી મૂળ પંજાબ લુધિયાણાનો રહેવાસી છે. તેજે 4 વર્ષનો હતો ત્યારથી પરિવાર સાથે ન્યૂઝીલેન્ડ શિફ્ટ થઈ ગયો હતો. આ પ્રેસ-કોન્ફરન્સ દરમિયાન પત્રકારે ઈશ સોઢીને વિવિધ પિચ પ્રમાણે બોલિંગમાં કેવા પ્રકારે ફેરફાર કરવા જોઈએ એને લગતો સવાલ પૂછ્યો હતો.

પત્રકારે સોઢીને હિંદીમાં જવાબ આપવા ટકોર કરી હતી. આ દરમિયાન સોઢીએ હિંદી પર પોતાની પકડ અંગે કહ્યું હતું કે હું હિંદીમાં જે કંઈપણ જવાબ આપીશ એના પર બધાની નજર રહેશે. મને લાગે છે કે જો TV પર હિંદી ભાષામાં જવાબ આપતાં મારાથી કંઈપણ ભૂલ થશે તો મારી મમ્મી ગુસ્સે થઈ જશે. (મજાક કરતાં કહ્યું) મને વઢ પણ પડશે અને મારે ઘરે જવું પણ મુશ્કેલ થઈ જશે. જોકે ત્યાર પછી ઈશ સોઢીએ એમ પણ કહ્યું હતું કે હું ટૂંક સમયમાં મારી હિંદી ભાષા પર પકડ વધુ મજબૂત પણ કરી લઈશ. ત્યાં સુધી આપણે ઈંગ્લિશમાં જ વાત કરીએ.

બોલિંગનો ગેમ પ્લાન છતો કર્યો
ઈશ સોઢીએ કહ્યું હતું કે મને લાગે છે કે પરિસ્થિતિ પ્રમાણે પ્રદર્શન કરવા મુદ્દે ઘણી ચર્ચાઓ થતી રહે છે. અમે દુબઈમાં રમાયેલી આની પહેલાંની મેચ પર પણ ધ્યાન આપ્યું હતું. આ તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અમે ગેમ પ્લાન બનાવ્યો હતો.

સોઢીની શાનદાર બોલિંગ
ઈશ સોઢીએ ભારત વિરુદ્ધ મેચમાં આક્રમક બોલિંગ કરી હતી. તેણે પોતાની ચાર ઓવરમાં 17 રન આપી 2 વિકેટ લીધી હતી. 29 વર્ષીય આ લેગ સ્પિનરને મેન ઓફ ધ મેચ પસંદ કરાયો હતો. સોઢીએ વિરાટ કોહલી અને રોહિત શર્માની કીમતી વિકેટ પણ પોતાને નામ કરી હતી. સોઢીની ઓવરમાં મોટા ભાગે ઈન્ડિયન ટીમના દિગ્ગજ ખેલાડીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.

ઈન્ડિયન ટીમનો ધબડકો
T-20 વર્લ્ડ કપની 28મી મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતીય ટીમને 8 વિકેટથી હરાવી દીધી છે. ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 110/7નો સ્કોર નોંધાવ્યો હતો. રવીન્દ્ર જાડેજા ઈન્ડિયન ટીમનો ટોપ સ્કોરર રહ્યો હતો, તેણે 26 રન કર્યા હતા. વળી, કિવી ટીમ માટે ટ્રેંટ બોલ્ટે 3 વિકેટ લીધી હતી. 111 રનનો ટાર્ગેટ ન્યૂઝીલેન્ડની ટીમે 14.3 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર ચેઝ કરી લીધો છે.

અન્ય સમાચારો પણ છે...