આજે અફઘાનિસ્તાન પણ આપણી પોતાની ટીમ:ટી-20 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુકાબલો, કીવી ટીમ જીતી તો આપણે થઈ જશું બહાર

અબુધાબીએક મહિનો પહેલા
  • ટીમ ઈન્ડિયા માટે આ મેચ ઘણી મહત્વની છે

T20 વર્લ્ડ કપની મેચમાં રવિવારે અફઘાનિસ્તાન ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. ટીમ ઈન્ડિયા માટે આ મેચ ઘણી મહત્વની છે. જો અફઘાનિસ્તાન આ મેચ જીતે તો ભારત સેમીફાઈનલમાં પહોંચવાના દરવાજા ખુલશે. બીજી તરફ જો ન્યુઝીલેન્ડની ટીમ જીતશે તો ભારતનો રસ્તો બંધ થઈ જશે. આ મેચમાં ભારતીય સમર્થકો પણ અફઘાનિસ્તાનની સાથે છે. સોશિયલ મીડિયા પર આ સમર્થન પહેલાથી જ જોવા મળી રહ્યું છે.

બંને ટીમો માટે મુકાબલો ખુબ જ મહત્વનો
ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન બંને ટીમો હજી પણ સેમી ફાઈનલની રેસમાં છે. ન્યુઝીલેન્ડ માટે સમીકરણ સીધા જ છે. તે મેચ જીતશે તો સેમિફાઇનલમાં એન્ટ્રી મેળવશે. જ્યારે અફઘાનિસ્તાનને સેમીફાઇનલમાં પ્રવેશવા માટે આ મેચ મોટા અંતરેથી જીતવી પડશે. અફઘાનિસ્તાનની જીતથી ભારતને પણ ફાયદો થશે. ભારતની છેલ્લી મેચ સોમવારે નામીબિયા સામે છે. જો અફઘાન ટીમ આજે જીતે છે તો ભારતની ટીમને નામીબિયા સામેની મેચ પહેલા જ ખબર પડશે કે તેણે કેટલા અંતરેથી મેચ જીતવાની છે.

આ ખેલાડીઓ ખતરનાક બની શકે છે
અફઘાનિસ્તાનના ઓપનર હઝરતુલ્લાહ ઝઝઈની કારકિર્દીની સ્ટ્રાઈક રેટ 148.64 રહી છે, પરંતુ આ ટૂર્નામેન્ટમાં તેણે માત્ર 116.88ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. આ વર્ષે ચારમાંથી ત્રણ મોટા સ્કોર અબુધાબીના મેદાનમાં બનેલ છે અને અફઘાનિસ્તાને પણ જો મોટો સ્કોર બનાવવો હોય તો ઝઝઈએ શાનદાર ઈનિંગ્સ રમવી પડશે. જ્યારે ન્યુઝીલેન્ડ તરફથી ટ્રેન્ટ બોલ્ટ ઘાતક બની શકે છે. બોલ્ટે ટુર્નામેન્ટમાં 8 વિકેટ લીધી છે, પરંતુ પાવરપ્લેમાં તેના નામે માત્ર બે વિકેટ છે. અબુધાબીમાં ફાસ્ટર બોલરોએ શરૂઆતમાં મદદ મળી છે અને બોલ્ટ જો બોલથી સ્વિંગ કરે છે તો તે ન્યુઝીલેન્ડનું કામ સરળ બનાવી શકે છે.

મુઝિબની ફિટનેસ અંગે સ્થિતિ સ્પષ્ટ નથી
અફઘાનિસ્તાનના સ્પિનર મુઝિબ ઉર રહેમાનની ફિટનેસ અંગેની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી. જો તે ફિટ થશે તો નવીન-ઉલ-હક અથવા ડાબોડી સ્પિનર શરાફુદ્દીન અશરફનું સ્થાન લેશે. કિવી ટીમમાં ફેરફારની કોઈ શક્યતા નથી. નામિબિયા સામેની છેલ્લી મેચમાં ઈશ સોઢીને ડેવિડ વિજાના બોલ પર માથામાં ઈજા થઈ હતી, પરંતુ તે હવે ફિટ છે.

આ મેદાન પર કેટલીક હાઈ-સ્કોરિંગ મેચો થઈ છે, પરંતુ પાવરપ્લેમાં ઓછો સ્કોર પણ આ મેદાનનું સત્ય છે. અહીં ઝડપી બોલરોને શરૂઆતમાં મદદ મળે છે. પરંતુ જેમ જેમ મેચ આગળ વધતી જશે તેમ તેમ પિચ ફ્લેટ થતી જશે.

અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ ક્યારેય T20 ઇન્ટરનેશનલ મેચમાં સામ-સામે આવ્યા નથી. 2015 અને 2019 વન-ડે વર્લ્ડ કપમાં આ બંને ટીમો વચ્ચે બે મેચ રમાઈ છે અને બંનેમાં કીવી ટીમે મેચ જીતી છે.

અન્ય સમાચારો પણ છે...