વર્તમાન સ્થિતિ માટે ટીમ ઈન્ડિયા નહીં, BCCI જવાબદાર:1 વર્ષમાં IPLની 120 મેચ + 76 દિવસ ઈન્ટરનેશનલ ક્રિકેટ રમ્યા આપણા પ્લેયર્સ, તન અને મન બંનેથી થાકેલા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ટીમ ઈન્ડિયાને ટી-20 વર્લ્ડકપમાં અત્યારસુધી માત્ર હાર જ મળી છે. પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ બંનેએ ભારતને કારમો પરાજય આપ્યો. સ્થિતિ હવે એવી થઈ છે કે સેમી-ફાઈનલમાં પહોંચવું પણ મુશ્કેલ બની ગયું છે. આ સ્થિતિ માટે જવાબદાર કોણ- પ્લેયર્સ કે BCCI? લોકો કેપ્ટન વિરાટ કોહલી સહિત ખેલાડીઓને ટ્રોલ કરી રહ્યા છે, પરંતુ હકીકતમાં જવાબદાર BCCI એટલે કે બોર્ડ છે.

બોર્ડે પાછલા વર્ષે એક વર્ષમાં ટીમ ઈન્ડિયાનું શિડ્યૂલ એવું રાખ્યું કે મોટા ભાગના ખેલાડી ટૂર્નામેન્ટ શરૂ થયા પહેલાં જ સંપૂર્ણ રીતે થાકી ગયા. તન અને મન બંનેથી. એને 7 ફેક્ટ્સથી સમજીએ..........

1. 13 મહિનામાં 1 IPL સીઝન અને સતત ઈન્ટરનેશનલ ક્રિકેટ
ગયા વર્ષે કોરોના મહામારીના કારણે માર્ચના અંતથી લઈને સપ્ટેમ્બરની શરૂઆત સુધી ઈન્ડિયન ટીમ કોઈ સિરીઝ રમી ન શકી. IPL પણ કેન્સલ થઈ હતી. એનાથી થયેલા નુકસાનની ભરપાઈ ઈન્ડિયન બોર્ડે સપ્ટેમ્બરથી સતત ક્રિકેટનો એવો કાર્યક્રમ શરૂ કર્યો કે જે હજી સુધી બંધ નથી થયો.

ભારતીય ખેલાડીઓ સપ્ટેમ્બર 2020થી સતત રમી રહ્યા છે. 2020ની યુએઈમાં IPL સિઝન. ત્યાર બાદ ભારતે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડ્યો હતો. ત્યાર બાદ ઈંગ્લેન્ડની યજમાની કરી. આ પછી આઇપીએલ-2021નો પ્રથમ તબક્કો રમ્યા, જેને કોરોનાને કારણે અડધી સીઝનથી મુલતવી રાખી હતી. ત્યાર બાદ ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવા ઈંગ્લેન્ડ ગઈ હતી. ત્યાર બાદ ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટની શ્રેણી. આ દરમિયાન બોર્ડે બી ટીમ બનાવી શ્રીલંકા મોકલી હતી.

કોરોનાને કારણે ઈંગ્લેન્ડમાં પાંચમી ટેસ્ટ રદ થતાં ભારતીય ક્રિકેટર UAEની આઇપીએલ ફેઝ-2 માં રમવા ગયા હતા. તેમણે ફ્રેન્ચાઇઝીઓની અત્યંત સ્પર્ધાત્મક અને ઊંડા દબાણવાળી IPLને સેટલ કર્યાના બે દિવસ બાદ વર્લ્ડ કપમાં કૂદી ગયા હતા.

એકસાથે આટલી સિરીઝનું શિડ્યૂલ વાંચીને જ થાક લાગી જાય છે. તો વિચારો એ સિરીઝમાં રમનારા પ્લેયર્સની શી હાલત થતી હશે. IPLની બે સીઝન અને 3 ફેઝના 120 મેચ સિવાય 76 દિવસનો ઈન્ટરનેશનલ ક્રિકેટનો પ્રવાસ ચાલ્યો, જેમાં ઈન્ડિયન ખેલાડી રમતા રહ્યા. ઘણા ખેલાડીઓએ આ સિવાય ડોમેસ્ટિક ક્રિકેટ પણ રમી હતી.

2. IPLના છેલ્લા સ્ટેજ સુધી રમ્યા 6 ઈન્ડિયન સ્ટાર્સ
IPL-2021ના છેલ્લા રાઉન્ડ એટલે કે પ્લે ઓફ મુકાબલાની શરૂઆત 10 ઓક્ટોબરથી થઈ. ટી-20 વર્લ્ડ કપના એક અઠવાડિયા પહેલાં જ. ભારતની વર્લ્ડ કપ ટીમના છ મુખ્ય ખેલાડી આ રાઉન્ડમાં રમ્યા હતા, જેમાં સુકાની વિરાટ કોહલી, રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, રિષભ પંત, વરુણ ચક્રવર્તી અને રવિચંદ્રન અશ્વિનનો સમાવેશ થાય છે. મુંબઈ ઈન્ડિયન્સે પોતાની છેલ્લી મેચ 8 ઓક્ટોબરે રમી હતી. આ ટીમમાં રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ સહિત ભારતીય ટીમના 6 ખેલાડી હતા, એટલે કે વર્લ્ડ કપ શરૂ થવાનો હતો અને આઇપીએલમાં લગભગ આખી ભારતીય ટીમે મહેનત કરી હતી.

3. ક્વોરન્ટીન અને બાયોબબલ સહન કર્યું, માત્ર ગ્રાઉન્ડ અને હોટલ જવાની પરવાનગી
છેલ્લા 1 વર્ષમાં ઈન્ડિયન પ્લેયર્સને ઘણી વખત ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે અને તેમને વિવિધ દેશોમાં ખૂબ જ કડક બાયો-બબલમાં સમય વિતાવવાની ફરજ પડી હતી. તેમને હોટલો અને મેદાનો સિવાય બીજે ક્યાંય જવાની મંજૂરી નહોતી. ઓસ્ટ્રેલિયામાં બાયો-બબલમાં રહેવું ખૂબ જ મુશ્કેલ હતું, એટલું કે કેટલાક ખેલાડીઓ શ્રેણી છોડીને પાછા ફરવા માગતા હતા. IPL દરમિયાન પણ આવું જ બન્યું હતું. એક બાજુ સતત ક્રિકેટ અને બીજી બાજુ બાયો-બબલ ગાર્ડ.

IPLની રદ થયેલી મેચો અને આંતરરાષ્ટ્રીય શ્રેણી વહેલી તકે યોજવાની બીસીસીઆઈની ઉતાવળને કારણે ભારતીય ખેલાડીઓને સર્કસનાં પ્રાણીઓ જેવાં બનાવ્યા હતા, જેઓ કાં તો પ્રદર્શન કરવાના હતા અથવા પાંજરામાં જ રહેવાના હતા. તેમણે આપણા ખેલાડીઓને શારીરિક અને માનસિક રીતે તોડી નાખ્યા હતા, જેનું પરિણામ હવે અમે વર્લ્ડ કપમાં સહન કરી રહ્યા છીએ.

4. ક્લાઈવ લોયડે ભાસ્કરને કહ્યું- 3 સપ્તાહ બ્રેક જરૂરી હતો
પોતાના સમયના લેજન્ડરી ક્રિકેટર અને વેસ્ટ ઈન્ડીઝને બે વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર કેપ્ટન ક્લાઇવ લોયડે પણ વધુપડતા ક્રિકેટ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેમણે દિવ્યભાસ્કર સાથેની ખાસ મુલાકાતમાં કહ્યું હતું કે ભારતીય ખેલાડીઓ સતત રમવાથી કંટાળી ગયા હતા. તેમણે કહ્યું હતું કે આઇપીએલ શરીર અને મન સાથે ખૂબ જ થકવી નાખે એવી ટૂર્નામેન્ટ છે. આઇપીએલ ફેઝ-2 બાદ ભારતીય ખેલાડીઓને ઓછામાં ઓછાં ત્રણ અઠવાડિયાંના આરામની જરૂર હતી. તેની ગેરહાજરીમાં ભારતીય ખેલાડીઓ ભાંગી પડ્યા છે.

5. બુમરાહે સ્વીકાર કર્યો- બ્રેક તો જોઈતો હતો
ટી-20 વર્લ્ડકપમાં સતત બે હાર બાદ ભારતીય પેસર જસપ્રિત બુમરાહને પણ સતત ક્રિકેટ અંગે સવાલ કરવામાં આવ્યો હતો. તેણે કહ્યું હતું કે તમામ ખેલાડીઓ સતત ક્રિકેટ રમી રહ્યા છે. આ દરમિયાન બાયો-બબલનું પાલન કરવું પડશે. તેથી મોટી ટૂર્નામેન્ટ અગાઉ ખેલાડીઓને બ્રેકની જરૂર હોય છે. તેમણે કહ્યું હતું કે કેટલીક વાર ખેલાડીઓને પરિવારથી દૂર રહેવું પડે છે. દેશ અને દુનિયામાં કપરા સમયમાં પરિવારથી દૂર સતત ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે. એનાથી શારીરિક અને માનસિક થાક લાગે છે, તેથી વિરામની ઘણી જરૂર છે.

6. ECBએ સમજદારીથી કામ કર્યું, પાકિસ્તાન પ્રવાસ પણ કેન્સલ કર્યો, ઓસ્ટ્રેલિયા પણ ઓછું રમ્યું
આજની તારીખમાં BCCI, ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB) અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)ને ક્રિકેટજગતમાં બિગ થ્રી કહેવામાં આવે છે. એમાં BCCIને છોડીને બે બોર્ડે સમજદારીપૂર્વક કામ કર્યું. ભારતની તેમજ આ બંને દેશોની શ્રેણીઓ રદ કરવામાં આવી હતી, પરંતુ તેમના ખેલાડીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને બંને બોર્ડે પાછળથી ઘણી વધુ મહત્ત્વપૂર્ણ શ્રેણી રદ કરી હતી. ઈંગ્લેન્ડે તાજેતરમાં પાકિસ્તાનની મુલાકાત રદ કરી ત્યારે તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે સુરક્ષા ઉપરાંત ખેલાડીઓનું માનસિક સ્વાસ્થ્ય પણ તેમના માટે એક મહત્ત્વપૂર્ણ મુદ્દો છે. તેથી, તેમને પાકિસ્તાન મોકલી શકાય નહીં. ઓસ્ટ્રેલિયાએ પણ સાઉથ આફ્રિકા સામેની પ્રથમ શ્રેણી રદ કરી હતી અને બાદમાં તેઓ ખાસ ક્રિકેટ રમ્યા નથી. ઓસ્ટ્રેલિયા એપ્રિલ 2021થી કોઈ ટેસ્ટ મેચ રમ્યું નથી.

7. પ્લાનિંગમાં પણ ભૂલ: દુનિયા ટી-20 ઈન્ટરનેશનલ પર ફોકસ કરતી હતી, આપણે ટેસ્ટ અને IPLમાં ફસાઈ ગયા
બધા જાણતા હતા કે આ વર્ષે ટી-20 વર્લ્ડ કપ યોજાવાનો છે. તમામ ક્રિકેટ બોર્ડે વર્ષના બીજા ભાગમાં ટી-20 ઈન્ટરનેશનલ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, પરંતુ આપણું બોર્ડ પ્રથમ રદ થયેલી આઇપીએલ અને ટેસ્ટ મેચો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું હતું. એપ્રિલ 2021થી સાઉથ આફ્રિકા 15, પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડીઝ 14-14, ઓસ્ટ્રેલિયા 10, શ્રીલંકા 9 અને ઈંગ્લેન્ડ 6 ટી-20 ઈન્ટરનેશનલ રમ્યા છે. ઊલટું ભારતીય ટીમ માત્ર 3 ટી-20 ઈન્ટરનેશનલ રમી હતી. ભારતની મુખ્ય ટીમ ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણીની તૈયારી કરી રહી હતી ત્યારે શ્રીલંકા સામેની 3 મેચ પણ યોજાઈ હતી. વર્લ્ડ કપમાં ભાગ લેનારા અમારા મોટા ભાગના ખેલાડીઓ શ્રીલંકા જઈ શક્યા નહોતા.

BCCIને આશા હતી કે IPLની મેચ રમીને ઈન્ડિયન પ્લેયર વર્લ્ડકપ તૈયારી કરી લેશે, પરંતુ ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં લાબા સમય સુધી એક સાથે ન રમી શકવાની અસર ઈન્ડિયન ટીમ પર વર્લ્ડકપમાં દેખાઈ રહી છે. તે એક યુનિટની રીતે નજર આવી રહ્યા નથી.

શું BCCI માટે પૈસા જ બધું જ, નુકસાનની ભરપાઈ માટે ખેલાડીઓને વાપરી રહી છે
મેમાં કોરોનાને કારણે જ્યારે IPL-2021 પર બ્રેક લાગ્યો ત્યારે અનુમાન લગાવવામાં આવ્યું કે જો બાકીની મેચ ન રમાઈ તો BCCIને આશરે 2000 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. તેની ભરપાઈ માટે BCCIએ તાત્કાલિક IPLને UAEમાં શિફ્ટ કરવાનો નિર્ણય કર્યો, સાથે જ પોતાની યજમાનીમાં થનારા ટી-20 વર્લ્ડકપ પણ UAEમાં શિફ્ટ કરી દીધો. પૈસાના નુકસાનને લઈને BCCI હંમેશાં ચોક્કસ હોય છે. પોતાના પ્લેયર્સની ચિંતા BCCIને હોતી નથી.

અન્ય સમાચારો પણ છે...