રોહિતના પપ્પાનો ઈન્ટરવ્યુ:આઉટ થયા બાદ પણ રોહિત ભાઈને નહોતો આપતો બેટિંગ, વર્લ્ડ કપ જીત્યા પછી મમ્મી પૌંઆ બનાવીને ખવડાવશે

એક મહિનો પહેલા

ભારત આ વખતે વર્લ્ડ કપ ચોક્કસ જીતશે અને પાકિસ્તાનને ખરાબ રીતે હરાવશે. રોહિતની સાથે આખી ટીમ બહુ જ સારી રીતે રમશે. આખી ટીમ સાથે કરોડો ભારતીયોના આશીર્વાદ છે. આ કહે છે મુંબઈના બોરીવલી વિસ્તારના પ્રથમેશ ટાવરમાં રહેતા રોહિત શર્માના પિતા ગુરુનાથ શર્મા. ભાસ્કરના કોરસપોન્ડન્ટ રાજેશ ગાબાએ તેમના ઘરે જઈને તેમની સાથે એક્સક્લૂઝિવ વાતચીત કરી છે. તેમણે રોહિતની બાળપણની ગલી ક્રિકેટ રમીને લોકોના ઘરના કાચ તોડવાથી લઈને ઈન્ડિયન ટીમ સુધી પહોંચવાના ઘણા રસપ્રદ કિસ્સા શેર કર્યા છે.

રોહિતના પિતાએ જણાવ્યું હતું કે તે બાળપણથી જ ગલી ક્રિકેટ રમતો હતો. તેની ક્રિકેટ માટે દીવાનગી એવી હતી કે તેને ક્રિકેટ સિવાય કઈ સૂઝતું જ નહોતું. મને ઘણી વખત વિચાર આવતો હતો કે આને કોઈ ક્લબમાં મૂકું, પરંતુ આર્થિક સ્થિતિ સારી ના હોવાના કારણે પીછેહટ કરી લેતો. જોકે ટેલન્ટ તેનો રસ્તો શોધી જ લે છે.

કોચે સ્કોલરશિપ અપાવી ત્યારે રોહિત ટ્રેનિંગ લઈ શક્યો
એક કેમ્પમાં રોહિતને રમતો જોઈને કોચ દિનેશ લાડે અમને અપ્રોચ કરીને દીકરાને તેમની પાસે કોચિંગ અપાવવા અને વિવેકાનંદ ઈન્ટરનેશનલ સ્કૂલમાં એડમિશન અપાવવા કહ્યું. ત્યારે અમે કહ્યું હતું કે અમે ત્યાંની મોંઘી ફીને પહોંચી નહીં વળીએ. ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓ રોહિતને સ્કોલરશિપ અપાવીને તેની ફી માફી કરાવી દેશે. આ રીતે રોહિતે કોચ દિનેશ લાડના ગાઈડન્સમાં જે જર્ની સ્કૂલથી શરૂ કરી એ હજી સુધી ચાલુ છે.

કોલોની વાળાના કાચ તોડી દેતો, આઉટ થાય તોપણ ભાઈની વાત નહોતો માનતો
રોહિત બાળપણમાં ટેનિસ બોલથી કોલોનીનાં ઘણાં ઘરોના કાચ તોડી દેતો હતો. એવો કોઈ દિવસ નહોતો કે તેની ફરિયાદ ના આવે. રોહિતને ઘણીવાર વઢતો. ઘણી વખત તેણે કરેલું નુકસાન ભરપાઈ કરવા અમારી પાસે પૈસા ના હોય તો અમારે બીજા લોકોની ખરી-ખોટી વાતો પણ સાંભળવી પડતી. આજે એ જ લોકો કહે છે કે અમને તેના પર ગર્વ છે કે જેણે અમારાં ઘરની બારીઓના કાચ તોડ્યા એ આજે ભારતની ટીમમાં મજબૂત રીતે રમે છે. એ લોકો જ્યારે ગલી ક્રિકેટ રમતા ત્યારે તેનો નાનો ભાઈ વિશાલ તેને આઉટ કરી દેતો તોપણ એ તેની વાત માનતો નહોતો. વિશાલ પણ ઘણી વાર રોહિતની ફરિયાદ કરતો હતો છતાં તે માનતો નહોતો.

ક્રિકેટ કિટ ખોઈ નાખતાં મળી હતી આ સજા
પહેલા મારો પરિવાર ડોંબિવલીના એક નાનકડા રૂમમાં રહેતો હતો. રોહિત ક્રિકેટ માટે અમારાથી દૂર કાકાના ઘરે બોરીવલીમાં રહેતો હતો. ઘરેથી ક્રિકેટ ગ્રાઉન્ડ જતી વખતે આ છોકરો ખભા પર ભારે બેગ ભરાવીને તેનાં દાદા-દાદી, કે કાકાના ઘરેથી ચર્ચગેટ સુધી લોકલ ટ્રેનમાં જતો હતો. લોકલ ટ્રેનમાં એક વખત ભીડ હોવાને કારણે રોહિતની કિટ બેગ ટ્રેનમાંથી બહાર પડી ગઈ હતી. રોહિત પછીના સ્ટેશન પર ઊતરીને તેની કિટ બેગ શોધવા ટ્રેક પર પાછો દોડ્યો, પરંતુ તેની બેગ ના મળી.
રોહિતની બેગ પડી ગઈ એ વાત પર કોઈને વિશ્વાસ નહોતો. એ દિવસે રોહિત ક્રિકેટ એકેડમી મોડો પહોંચ્યો હતો અને એને કારણે તેના કોચ દિનેશ લાડે તેને ગ્રાઉન્ડના ચક્કર મારવાની સજા આપી હતી. એ દિવસે તેને માત્ર ફિલ્ડિંગ કરાવી અને બેટિંગ ના કરવા દીધી.

અમને મેચ પહેલાં ફોન કરે છે
રોહિત અમને દરેક મેચ પહેલાં ફોન કરે છે અને કહે છે, મમ્મી-પાપા આશીર્વાદ આપો કે હું કરોડો ભારતીયોના આશીર્વાદ પર ખરો ઊતરું. મેચ પત્યા પછી પણ ફોન કરીને પૂછે છે કે પપ્પા મેચ જોઈ હતી, મારી બેટિંગ કેવી હતી? ત્યારે હું કહું છું કે, ઈમ્પ્રૂવિંગ છે, દીકરા દેશ માટે આ રીતે જ રમજે અને દેશનું નામ આગળ વધારજે.

જૂનથી દીકરાને નથી મળ્યો
રોહિતના પિતાએ ભાવુક થઈને જણાવ્યું હતું કે હું અને રોહિતની માતા તેને જૂનથી નથી મળ્યાં. તેની માતાને તેની હંમેશાં ચિંતા રહે છે. હું કહું છું કે દીકરો હવે મોટો થઈ ગયો છે, તો તે કહે છે, મારા માટે તો એ હજી નાનો જ છે. રોહિત જૂનથી ઘરેથી ગયો છે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ, પછી ઈંગ્લેન્ડ ટૂર, IPL અને હવે ટી-20 વર્લ્ડ કપ. ફોન પર વાત કરે છે.

વિનિંગ ટ્રોફી હશે દિવાળી ગિફ્ટ
રોહિતના પિતાએ કહ્યું હતું કે વર્લ્ડ કપની વિનિંગ ટ્રોફી ટીમ ઈન્ડિયા સહિત કરોડો ભારતીયો માટે દિવાળીની સૌથી મોટી ગિફ્ટ હશે. દિવાળી યાદગાર બને એવી અમે બધા પ્રાર્થના કરીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...