આજથી T-20 વર્લ્ડ કપ શરૂ:ક્વોલિફાયર રાઉન્ડની પહેલી મેચમાં ઓમાને 10 વિકેટથી પાપુઆ ન્યૂ ગિનીને હરાવ્યું, બીજી બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડ વચ્ચે રમાશે

2 મહિનો પહેલા
ઓમાનની ટીમે એક તરફી મેચને 10 વિકેટથી જીતી લીધી

સાતમા ICC T-20 વર્લ્ડ કપની શરૂઆત આજે રવિવારથી થવા જઈ રહી છે. જેમાં ક્વોલિફાયિંગ રાઉન્ડની પહેલી મેચ ઓમાન અને પાપુઆ ન્યૂ ગિની વચ્ચે રમાઈ હતી. જેમાં ઓમાને 10 વિકેટથી પાપુઆ ન્યૂ ગિની હરાવી વિજયી શરૂઆત કરી છે. ઓમાને ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેવામાં પેપુઆ ન્યૂ ગિનીએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 129 રન કર્યા હતા. જેના જવાબમાં ઓમાને એક તરફી મેચને 10 વિકેટથી જીતી વર્લ્ડ કપમાં આગવી છાપ છોડી હતી.

હવે બીજી મેચ બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડ વચ્ચે રમાશે. આ બંને ગ્રુપ-બીની મેચ છે. ક્વોલિફાઈંગ રાઉન્ડમાં 8 ટીમના 2 ગ્રુપ A અને Bમાં વિભાજિત કરાયા છે. બંને ગ્રુપની ટોપ-2 ટીમો સુપર-12 ગ્રુપ સ્ટેજ માટે ક્વોલિફાય કરશે.

મુંબઈ વિરૂદ્ધ જીત સાથે ઓમાનની પ્રેક્ટિસ થઈ
ઓમાનની ટીમ ક્વોલિફાઈંગ રાઉન્ડમાં સ્થાન નિશ્ચિત કરનારી છેલ્લી ટીમ હતી. તેને હોંગકોંગને હરાવી T-20 વર્લ્ડ કપની ટિકિટ મેળવી હતી. ઓમાને તાજેતરમાં ઈન્ડિયાની ડોમેસ્ટિક ટીમ મુંબઈને 3 મેચની T-20 સિરીઝમાં 2-1થી હરાવી હતી. મુંબઈ સાથે ઓમાને 3 વનડે મેચ પણ રમી હતી, જેમાં તેને 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો.

પાપુઆ ન્યૂ ગિની ટીમ સપ્ટેમ્બરમાં જ ઓમાન આવી પહોંચી
બીજી બાજુ પાપુઆ ન્યૂગિની ટીમ પણ આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે સારી તૈયારી કરી રહી છે. તે સપ્ટેમ્બરમાં જ ઓમાન આવી પહોંચી હતી અને અહીંના ગ્રાઉન્ડ્સ વિશે માહિતી મેળવી પ્રેક્ટિસ કરવા લાગી હતી.

બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડ બંને ક્વોલિફાઈ કરવાની દાવેદાર
રવિવારે બીજી મેચ બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડ વચ્ચે રમાશે. ગ્રુપ બીથી આ બંને ટીમને વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરવાની પ્રબળ દાવેદાર ગણાય છે. આ મેચની વિજેતા ટીમની આગળની સફર ઘણી સારી રહેશે.

બાંગ્લાદેશે છેલ્લા ઘણા સમયથી T-20 ક્રિકેટમાં સારુ પ્રદર્શન કર્યું છે. પોતાના હોમ ગ્રાઉન્ડમાં તેને ઓસ્ટ્રેલિયાને પાંચ મેચની સિરીઝમાં 4-1થી હરાવ્યું હતું. ત્યારપછી ન્યૂઝીલેન્ડને પણ 5 મેચની સિરીઝમાં 3-2થી હરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...