ભારત-પાકિસ્તાન ક્રિકેટમાં મિત્રમાંથી શત્રુ કેવી રીતે બન્યાં?:બંને ટીમો વચ્ચે 25 વર્ષ મિત્રતા રહી, BCCIએ શોએબ અખ્તરનું કરિયર બચાવ્યું, પછી શું થયું?

એક મહિનો પહેલા

ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન 5 વર્ષ બાદ આજે ટી-20 વર્લ્ડકપમાં ટકરાવાના છે. બંને ટીમો છેલ્લે 2016માં T-20 મેચ રમી હતી. બંને દેશો વચ્ચે મેચનું નામ સાંભળીને તમે શું વિચારો છો-મૌકા-મૌકા? તૂટતા ટીવી? ખેલાડીઓના ઘરે પત્થરમારો? જો તમારો જવાબ હામા હોય તો તમે એકદમ સાચા છો.

એ પણ હકીકત છે કે બંને દેશોના ક્રિકેટ બોર્ડમાં આશરે 25 વર્ષ સુધી નંબર-1 મિત્રતા રહી છે. મિત્રતા એવી હતી કે શોએબ અખ્તરનું કરિયર જોખમમાં મુકાયું તો ભારતે તેમને બચાવ્યા. આ પૂરી કહાનીને શરુથી જાણીએ.

તે માણસે દોસ્તી માટે પ્રયાસ કર્યો જે ભારત વિરુદ્ધ જંગ લડી ચૂક્યો હતો
ક્રિકેટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મિત્રતાની શરૂઆત 26 જૂન, 1983ના રોજ લંડનમાં થઈ હતી. ભારત પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યાના એક દિવસ બાદ જ. BCCIના પ્રમુખ એનકેપી સાલ્વે અને PCBના પ્રમુખ નૂર ખાન લોર્ડ્સમાં લંચ પર મળ્યા હતા.

તે સમયે સાલ્વે કેન્દ્રીય મંત્રી હતા. નૂર ખાન પાકિસ્તાનના નિવૃત્ત એર ચીફ માર્શલ હતા. તેઓ 1965ના યુદ્ધમાં ભારત સામે લડ્યા પણ હતા, પરંતુ બંનેએ જૂની દુશ્મનાવટ ભૂલીને ક્રિકેટમાં સાથે આવવાનું નક્કી કર્યું હતું. તેમનો ઉદ્દેશ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના પ્રભુત્વને તોડવાનો હતો.

ભારત-પાકિસ્તાને મળીને પહેલી વખત ઈંગ્લેન્ડથી બહાર કરાવ્યો વર્લ્ડકપ
ઈન્ડિયા-પાકિસ્તાન સાથે આવતાની સાથે જ ઈન્ટરનેશનલ ક્રિકેટના રાજકારણમાં સત્તાનું સમીકરણ બદલાવા લાગ્યું. 1987માં થનારા વર્લ્ડકપની સંયુક્ત યજમાની ઈન્ડિયા અને પાકિસ્તાનને મળી.

પહેલી વખત વર્લ્ડકપ ઈંગ્લેન્ડની બહાર યોજાયો. આ બધુ જ્યારે બંને દેશોના સંબંધો વધુ બગડી રહ્યા હતા ત્યારે બની રહ્યું હતું, તેમ છતા ઈન્ટરનેશનલ ક્રિકેટમાં જરુરતના સમયે ઈન્ડિયા અને પાકિસ્તાને એકબીજાને સહકાર આપ્યો.

PCBએ લગભગ તમામ સમયે BCCIના પક્ષમાં વોટ આપ્યો. પછી શ્રીલંકા, વેસ્ટઈન્ડિઝ, ઝિમ્બાબ્વે પણ ભારતના પક્ષમાં આવ્યાં. અહીંથી ICCમાં ભારતનો દબદબો વધવા લાગ્યો. ભારત અને પાકિસ્તાને 1996 વર્લ્ડકપની યજમાની પણ હાંસલ કરી.

વર્લ્ડકપ અગાઉ ઈન્ડિયા-પાકિસ્તાને જોઈન્ટ ટીમ બનાવી હતી
1996 વર્લ્ડકપની યજમાની ભારત, પાકિસ્તાન અને શ્રીલંકાએ મળને કરી હતી. ઓસ્ટ્રેલિયા અને વેસ્ટઈન્ડિઝની ટીમોએ સુરક્ષાનો હવાલો આપીને શ્રીલંકા જવાની મનાઈ કરી દીધી. ત્યારે દુનિયાને ભરોસો અપાવા કે શ્રીલંકા સુરક્ષિત જગ્યા છે તેના માટે એક અનોખું પગલું ભર્યું. ઈન્ડિયા અને પાકિસ્તાનની જોઈન્ટ ટીમ બનાવામાં આવી અને તેણે શ્રીલંકાનો પ્રવાસ કર્યો. આ મેચમાં ઈન્ડિયા-પાકિસ્તાનની જોઈન્ટ ટીમે શ્રીલંકાને હરાવ્યું પણ ખરી. શ્રીલંકા તે વર્લ્ડકપમાં ચેમ્પિયન બન્યું હતું.

બંનેએ મળીને બાંગ્લાદેશને ટેસ્ટ પ્લેઈંગ નેશનનો દરજ્જો અપાવ્યો
વર્ષ 2000માં બાંગ્લાદેશને ટેસ્ટ પ્લેઈંગ નેશનનો દરજ્જો અપાવ્યો. જ્યારે પણ બંને દેશોના ખેલાડીઓના એક્શન પર સવાલ ઉઠ્યા તો બંને દેશોના બોર્ડે એકબીજાનો સાથ આપ્યો.

શોએબ અખ્તરના કરિયર બચાવવાની વાતને પાકિસ્તાને સ્વિકાર કરી હતી
PCBના પૂર્વ પ્રેસિડન્ટ લેફ્ટિનેન્ટ જનરલ (નિવૃત) તૌકીર જિયાએ જાહેરમાં સ્વિકાર કર્યું હતું કે શોએબ અખ્તરનું કરિયર જગમોહન ડાલમિયાએ બચાવ્યું હતું. 1999માં અખ્તરની એક્શન પર સવાલ ઉઠ્યા હતાં. ત્યારે ડાલમિયા ICCના પ્રેસિડન્ટ હતાં. તેમણે અખ્તરને ડિફેન્ડ કરવામાં PCBની મદદ કરી હતી.

આ મિત્રો 2008માં દુશ્મન બન્યા
ઈન્ડિયા અને પાકિસ્તાનની ICCમાં મિત્રતા પર બ્રેક 2008માં લાગી. પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ મુંબઈમાં 26/11નો હુમલો કર્યો. ત્યાર બાદ ભારતે પાકિસ્તાન સાથે બાઈલેટરલ ક્રિકેટ રિલેશન તોડી દીધા. થોડા સમય બાદ ICCમાં પણ બંને દેશોનો સાથ ધીમે-ધીમે છૂટતો ગયો.

આનું નુકસાન પાકિસ્તાનને જ થયું. 2009માં લાહોરમાં શ્રીલંકાની ટીમ પર થયેલા આતંકવાદી હુમલા બાદ તમામ ઈન્ટરનેશનલ ટીમોએ પાકિસ્તાનનો પ્રવાસ બંધ કરી દીધો. પાકિસ્તાનને 2011ની વર્લ્ડકપની યજમાની પણ છોડવી પડી. હવે જ્યારે ફરી વખત પાકિસ્તાન પોતાના દેશમાં ક્રિકેટનું આયોજન કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ત્યારે ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ જેવી ટીમોએ પાકિસ્તાનમાં રમવાની મનાઈ કરી છે.

પાકિસ્તાન આતંક બંધ કરે, ક્રિકેટમાં આગળ વધો
ફરી એકવાર પાકિસ્તાનના ક્રિકેટને ભારતના સાથની જરુર છે. ભારતનો એક જ મત છે. આતંકવાદ અને ક્રિકેટ એક સાથે ન હોય શકે. હવે પાકિસ્તાનને જ નક્કી કરવાનું છે કે ક્રિકેટમાં ઈન્ડિયા સાથે મિત્રતા ફરી શરુ કેવી રીતે કરે? સમાધાન એક જ છે? આતંક બંધ કરો, ક્રિકેટમાં આગળ વધો.

અન્ય સમાચારો પણ છે...