સરળ નહોતી ફાઈનલ સુધીની સફર:ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા પહેલીવાર ટી-20 WCના ફાઈનલમાં ટકરાશે, આજે મળશે નવો ચેમ્પિયન

23 દિવસ પહેલા

T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ આજે દુબઈના મેદાન પર ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. કીવી જ્યાં પ્રથમ વખત વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે ત્યાં કાંગારૂ ટીમ બીજી વખત ફાઇનલ રમતી જોવા મળશે. બંને ટીમોમાં T20 સ્પેશ્યાલિસ્ટ હાજર છે અને બંનેને ટાઈટલ જીતવા માટે ફેવરિટ માનવામાં આવી રહ્યા છે. જોકે, NZ અને AUS માટે ફાઇનલમાં પહોંચવાની સફર સરળ ન હતી.

T20 વર્લ્ડ કપ માટે ન્યુઝીલેન્ડની ટીમને ભારત-પાકિસ્તાન જેવા મજબૂત અને પ્રબળ દાવેદાર સાથે રાખવામાં આવી હતી. આ ગ્રુપમાં અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામિબિયા જેવી ટીમો પણ હતી. વિલિયમસન એન્ડ કંપનીએ સુપર-12માં પાંચ મેચ રમી અને ચાર જીતવામાં સફળ રહી. PAK સામેની પહેલી જ મેચમાં ટીમને 5 વિકેટે હાર મળી હતી.

સેમિફાઇનલમાં ટીમે રોમાંચક મેચમાં વિજયના રથ પર સવાર ઇંગ્લેન્ડને 5 વિકેટથી હરાવ્યું અને 2019 ODI વર્લ્ડ કપની ફાઇનલની હારનો બદલો લીધો. 2007 અને 2016 વચ્ચે રમાયેલા T20 વર્લ્ડ કપમાં કિવી ટીમ માત્ર બે વખત (2007 અને 2016) સેમીફાઈનલમાં પ્રવેશ કરી શકી હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં ન્યૂઝીલેન્ડે દરેક ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને આ વર્ષે ટીમે ICC ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતીને ઈતિહાસ રચ્યો છે. હવે ટીમની નજર T20 વર્લ્ડ કપ જીતવા પર રહેશે.

ગ્રુપ ઓફ ડેથમાં હતું ઓસ્ટ્રેલિયા
આ ટુર્નામેન્ટમાં કાંગારૂ ટીમને ડિફેન્ડિંગ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશના ગ્રુપ સાથે હતી, જેઓ મોટા ઉલટફેરમાં માહેર છે. ટીમ સુપર-12ની પાંચમાંથી ચાર મેચ જીતવામાં સફળ રહી. એકમાત્ર હાર ENG સામે 8 વિકેટે થઈ હતી. UAEમાં સતત 16 મેચ જીતેલી પાકિસ્તાનની ટીમને સેમિફાઇનલમાં પાંચ વિકેટે હરાવ્યું,

2007 થી 2016 વચ્ચે કુલ 6 T20 વર્લ્ડ કપ રમાયા હતા અને ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર એક જ વાર ફાઇનલમાં પહોંચી હતી. ટીમને કોઈપણ T20 WCમાં પણ ફેવરિટ માનવામાં આવતી ન હતી. જોકે 2010માં ટીમ ખિતાબ જીતશે તેવી આશા હતી, પરંતુ ઈંગ્લેન્ડે ટીમનું સપનું સાકાર થવા દીધું ન હતું. હવે ફરી એકવાર ઓસ્ટ્રેલિયન ટીમ ફાઈનલ રમવા માટે તૈયાર છે ત્યારે ટીમને પણ જીતની ફેવરિટ માનવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...