IND v/s ENG વોર્મ અપ મેચ:પંતે સિક્સ મારી ઈન્ડિયાને મેચ જિતાડી,ઈશાન કિશનના 46 બોલમાં 70 રન, ઈંગ્લેન્ડનો લિયમ લિવિંગસ્ટોન ઈજાગ્રસ્ત

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈંગ્લેન્ડ 7 વિકેટે હાર્યું; ઈંગ્લેન્ડ-188/5, ભારત-192/3

ઈન્ડિયન ટીમે પહેલી વોર્મ અપ મેચને 1 ઓવર પહેલા 7 વિકેટથી જીતી લીધી છે. ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા ઇંગ્લેન્ડે 5 વિકેટના નુકસાને 188 રન કર્યા હતા. ટીમ માટે જોની બેયરસ્ટો 49 રન સાથે ટોપ સ્કોરર રહ્યો હતો, જ્યારે ભારત માટે મોહમ્મદ શમીએ 3 વિકેટ લીધી હતી. 189 રનનો ટાર્ગેટ ઈન્ડિયન ટીમે 3 વિકેટ ગુમાવીને 19 ઓવરમાં ચેઝ કરી લીધો હતો. ઈન્ડિયન ટીમની જીતમાં ઈશાન કિશને વિસ્ફોટક ઈનિંગ રમતા 70 રન તથા કે.એલ.રાહુલે 51 રન કર્યા હતા.

ઈન્ડિયાની આક્રમક શરૂઆત
ટાર્ગેટ ચેઝ કરતા ટીમ ઇન્ડિયાએ સારી શરૂઆત કરી હતી. કેએલ રાહુલ અને ઇશાન કિશને પ્રથમ વિકેટ માટે 50 બોલમાં 82 રન જોડ્યા હતા. શાનદાર લયમાં જોવા મળતા રાહુલે 23 બોલમાં પોતાની અર્ધસદી પૂરી કરી હતી, પરંતુ તેના બીજા જ બોલ પર તે આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. તેની વિકેટ માર્ક વુડે લીધી હતી. કેપ્ટન કોહલીએ આ મેચમાં (11) નિરાશ કર્યા હતા અને તેની વિકેટ લિવિંગસ્ટોને લીધી હતી. સૂર્યકુમાર યાદવ 8 રન કરી આઉટ થયો હતો.

ઈશાને સારી છાપ છોડી
ઈંગ્લેન્ડ સામે ઈશાન કિશનને રોહિત શર્માના સ્થાને ઓપનિંગ કરવાની તક મળી અને તેણે શાનદાર બેટિંગ કરી માત્ર 46 બોલમાં 70 રનની અણનમ ઈનિંગ રમી હતી. ઈશાન રિટાયર્ડ હર્ટ થઈને પેવેલિયન ભેગો થયો હતો. ઈશાન અત્યારે ખૂબ સારા ફોર્મમાં છે અને તેણે પાકિસ્તાન સામેની પ્રથમ મેચ માટે પસંદગીનો મજબૂત દાવો રજૂ કર્યો છે.

ઈશાન કિશનનો કેચ પકડવા જતાં લિયમ લિવિંગસ્ટોનની ફિંગર ઈન્જરી થઈ ગઈ હતી.
ઈશાન કિશનનો કેચ પકડવા જતાં લિયમ લિવિંગસ્ટોનની ફિંગર ઈન્જરી થઈ ગઈ હતી.

ઇંગ્લેન્ડે સારી બેટિંગ કરી
ટોસ હાર્યા બાદ ઇંગ્લેન્ડે સારી બેટિંગ કરી હતી. જેસન રોય અને કેપ્ટન જોસ બટલરે પહેલી વિકેટ માટે 36 રન જોડ્યા હતા. આ પાર્ટનરશિપને મોહમ્મદ શમીએ બટલર (18) ને આઉટ કરીને તોડી હતી. મોહમ્મદ શમીએ જેસન રોય (17)ની વિકેટ લઈને ઈંગ્લેન્ડની બીજી વિકેટ લીધી હતી.

  • રાહુલ ચાહરે ઇંગ્લેન્ડના ડેવિડ માલન (18)ને બોલ્ડ કરીને ઈન્ડિયાને ત્રીજી વિકેટ અપાવી હતી.
  • ત્યારપછી જોની બેયરસ્ટો અને લિયામ લિવિંગસ્ટોને ઇંગ્લેન્ડની ઇનિંગ્સ સંભાળવાનું કામ કર્યું. બંનેએ ચોથી વિકેટ માટે 52 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી. આ પાર્ટનરશિપને શમીએ લિવિંગસ્ટોન (30)ને આઉટ કરીને તોડી નાખી હતી.
  • જોની બેયરસ્ટો (49)ને જસપ્રિત બુમરાહે પેવેલિયન ભેગો કર્યો હતો. ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 188 રન કર્યા હતા.

મોર્ગને આ મેચમાંથી આરામ લીધો
ઇંગ્લેન્ડના કેપ્ટન ઓઈન મોર્ગને આ મેચમાં આરામ લીધો હતો. IPL-14માં કેપ્ટન તરીકે મોર્ગન હિટ રહ્યો હતો, પરંતુ બેટિંગમાં તેનું પ્રદર્શન સારુ રહ્યું નહોતું. ટૂર્નામેન્ટમાં તેણે 11.08ની સાધારણ એવરેજ સાથે તેણે માત્ર 133 રન કર્યા હતા. તેવામાં મોર્ગન કુલ 4 વાર 0 પર આઉટ થયો હતો.

વોર્મ અપ મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે?
ઈન્ડિયન ટીમ બંને વોર્મ અપ મેચ અલગ-અલગ ટાઈમ પર રમશે. જેની પહેલી વોર્મ અપ મેચ આજે સાંજે સોમવારે 7:30 વાગ્યે શરૂ થશે અને બીજી મેચ 20 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે 3:30 વાગ્યે બપોરે શરૂ થશે. આ મેચનું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ 1 પર થશે. આની સાથે દર્શકોને ડિઝ્ની+ હોટસ્ટારમાં પણ આ મેચ જોવાની તક મળશે.

પંડ્યાએ બોલિંગ ના કરી
હાર્દિક પંડ્યાની ફિટનેસ સામે અવાર-નવાર સવાલો ઉઠી રહ્યા છે. તેવામાં આજની મેચમાં પણ તેને બોલિંગ ન કરતા વિવિધ સવાલો ઉઠી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી એવી ચર્ચા ચાલી રહી છે કે હાર્દિક પંડ્યા ઈન્ડિયન ટીમમાં એક પ્રોપર બેટર તરીકે જ વર્લ્ડ કપમાં રમશે. વળી તેણે IPL ફેઝ-2ની એકપણ મેચમાં બોલિંગ કરી નહોતી. જેના પરિણામે જો હાર્દિક બોલિંગ નહીં કરે તો શું તેનું સ્થાન પાકિસ્તાન સામેની પ્લેઇંગ-11માં રહેશે કે કેમ એ સવાલ ઉઠી રહ્યો છે.

હાર્દિકનું બેટિંગમાં પણ નિરાશાજનક પ્રદર્શન
વોર્મઅપ મેચમાં પણ હાર્દિક પંડ્યા વિસ્ફોટક શોટ્સ રમવામાં હાર્દિક ફેલ રહ્યો હતો. તેની IPL ફેઝ-2માં 1 ઈનિંગ બાદ કરતા હાર્દિક ખાસ લયમાં જોવા મળ્યો નથી. જો તેની એક ઈનિંગને ના ગણીએ તો તેણે UAE સીઝનમાં 25ની એવરેજથી માત્ર 75 રન જ કર્યા છે.

હિટમેન પણ ફેઝ-2થી લયમાં નથી
ઈન્ડિયન ટીમના વાઈસ કેપ્ટન અને સ્ટાર ઓપનર રોહિત શર્મા પણ છેલ્લા ઘણા સમયથી સારા ફોર્મમાં નથી. વળી તેણે IPL ફેઝ-2માં કોઈ ખાસ મેચ વિનિંગ સ્કોર કર્યો નહોતો. તેવામાં હિટમેને વોર્મઅપ મેચમાં પણ આરામ લીધો હતો. જો આપણે તેની IPLની 6 ઈનિંગ પર નજર ફેરવીએ તો તેણે માત્ર 131 રન જ કર્યા હતા. તેવામાં રોહિત શર્માનું ફોર્મ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખતા એક ચિંતાનો વિષય બની જવા પામ્યું છે.

ઈન્ડિયન ટીમનું કોમ્બિનેશન કેવું રહેવું જોઈએ
કેપ્ટન કોહલી સુપર-12ની મેચ પૂર્વે એક મેચ વિનિંગ કોમ્બિનેશન સાથે મેદાનમાં ઉતરશે. આર.અશ્વિને 4 વર્ષ પછી T-20 ફોર્મેટમાં વાપસી કરી છે, પરંતુ IPL ફેઝ-2માં પણ તે ખાસ લયમાં જોવા નહોતો મળ્યો. વળી ઓછામાં પુરૂ રાહુલ ચાહર પણ લય ગુમાવી બેઠો હોવાથી તેને છેલ્લી કેટલીક મેચમાં પ્લેઇંગ-11માંથી બહાર કરી દેવાયો હતો. હવે રવીંન્દ્ર જાડેજા સાથે કોને ટીમમાં લેવાશે એ સવાલનો જવાબ શોધવા માટે વિરાટ કોહલી આ 2 વોર્મઅપ મેચનો સહારો લેશે.

ઇંગ્લેન્ડના મોટા ભાગના ખેલાડી આઉટ ઓફ ફોર્મ
ઇંગ્લેન્ડના જોસ બટલરની સાથે વિસ્ફોટક બેટિંગ કરનારા જેસન રોય અને જોની બેયરસ્ટો પાસે ટીમને ઘણી આશાઓ રહેશે. IPLના પ્રદર્શનને ધ્યાનમાં રાખીએ તો લિયામ લિવિંગસ્ટોન અને ડેવિડ મલાન ખાસ ફોર્મમાં જણાયા નથી. વળી કેપ્ટન મોર્ગન પણ IPLમાં કેપ્ટન તરીકે હિટ રહ્યો હોય પરંતુ બેટર તરીકે ફેલ જ સાબિત થયો છે. તેણે ટૂર્નામેન્ટની 16 ઈનિંગમાં 11.08ની એવરેજથી માત્ર 133 રન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...