T-20 વર્લ્ડ ચેમ્પિયન્સની ગર્જના:આજે રવિવારથી શરૂ થશે ક્રિકેટનો મહાકુંભ, જાણો અત્યાર સુધી કઈ-કઈ ટીમે આ ટૂર્નામેન્ટ જીતી છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

T-20 વર્લ્ડ કપ આજથી શરૂ થવા જઈ રહ્યો છે. ક્રિકેટના આ મહાસંગ્રામમાં વિવિધ દેશના વિસ્ફોટક ખેલાડીઓ પોતાનું બેસ્ટ આપી ટ્રોફી જીતવા મેદાનમાં ઉતરશે. તમને જણાવી દઈએ કે ICCએ કુલ 6 વાર આ ટૂર્નામેન્ટનું આયોજન કર્યું છે, જેમાં વેસ્ટઈન્ડિઝે સૌથી વધુ 2 વાર આ ટાઈટલ પોતાને નામ કર્યું છે. ત્યારે ભારત, પાકિસ્તાન, ઇંગ્લેન્ડ અને શ્રીલંકાએ 1-1 વાર આ ટૂર્નામેન્ટ જીતી છે. આ વર્ષે T-20 વર્લ્ડ કપનું આયોજન પહેલા ભારતમાં કરવાનું હતું, પરંતુ કોરોના મહામારીના પડકાર વચ્ચે BCCIએ આને UAE અને ઓમાનમાં આયોજિત કરવાનો નિર્ણય લીધો છે. તેવામાં આની શરૂઆત પહેલા આપણે આ ટૂર્નામેન્ટને જીતી વર્લ્ડ ચેમ્પિયન થયેલી ટીમ વિશે માહિતી મેળવીએ........

T-20 વર્લ્ડ કપની પહેલી વિશ્વ વિજેતા ટીમ: ઈન્ડિયા
T-20 વર્લ્ડ કપની શરૂઆત વર્ષ 2007માં થઈ હતી. જેનું આયોજન દક્ષિણ આફ્રિકામાં કરાયું હતું. આ વર્લ્ડ કપમાં મહેન્દ્ર સિંહ ધોનીએ તદ્દન યુવા ટીમને લીડ કરીને ઈન્ડિયાને વિશ્વ વિજેતા બનાવ્યું હતું. આ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચમાં ભારતે પાકિસ્તાનને પાંચ રનથી હરાવી ટ્રોફી પોતાને નામ કરી હતી. જે મેચમાં ગૌતમ ગંભીરે 75 રનની મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. વળી ઈરફાન પઠાણે 16 રન આપી 3 વિકેટ લીધી હતી અને તેને પ્લેયર ઓફ ધ મેચનું ટાઈટલ પણ મળ્યું હતું. વળી આ વર્લ્ડ કપ દરમિયાન શાહિદ આફ્રિદીએ કુલ 91 રન કર્યા હતા અને કુલ 12 વિકેટ પણ લીધી હતી, જેથી તેને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ તરીકે પસંદ કરાયો હતો.

2009માં પાકિસ્તાન બન્યું વિશ્વ વિજેતા
પાકિસ્તાન 2007ની ફાઇનલ હારી જતા ઘણું નિરાશ થઈ ગયું હતું. જેના પગલે તેની ટીમે 2009મા આયોજિત વર્લ્ડ કપમાં આક્રમક પ્રદર્શન દાખવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. 2009મી ફાઇનલમાં પાકિસ્તાને 8 વિકેટથી શ્રીલંકાને હરાવી T-20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી લીધી હતી. ઇંગ્લેન્ડમાં આયોજિત આ ટૂર્નામેન્ટમાં શ્રીલંકાના તિલકરત્ને દિલશાને વિસ્ફોટક બેટિંગ કરી હતી. તેણે કુલ 317 રન કર્યા હોવાથી તેને પ્લેયર ઓફ ધ ટૂપ્નામેન્ટ પસંદ કરાયો હતો. વળી ફાઇનલમાં 54* રનની વિસ્ફોટક ઈનિંગ સાથે શાહિદ આફ્રિદીને પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. તેણે આ મેચમાં 1 વિકેટ પણ લીધી હતી.

2010માં ઇંગ્લેન્ડ બન્યું વર્લ્ડ ચેમ્પિયન
2010માં ઇંગ્લેન્ડની ટીમે T-20 વર્લ્ડ કપ જીત્યો હતો. ઇંગ્લેન્ડની ટીમે ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને 7 વિકેટથી હરાવીને ટાઇટલ પોતાને નામ કર્યું હતું. આ મેચમાં ઇંગ્લેન્ડના વિકેટકીપર ક્રેગ કીસવેટરે 63 રનની શાનદાર ઈનિંગ રમી હતી અને પ્લેયર ઓફ ધ મેચનું ટાઇટલ જીત્યું હતું. વળી ઇંગ્લેન્ડના કેવીન પીટરસને આ ટૂર્નામેન્ટમાં કુલ 248 રન કર્યા હોવાથી તેને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનું ટાઇટલ જીત્યું હતું.

2012- 2016માં વેસ્ટ ઈન્ડિઝનું વિસ્ફોટક પ્રદર્શન, વર્લ્ડ ચેમ્પિયન બની
T-20ના વિસ્ફોટક ખેલાડીઓ સાથે વેસ્ટ ઈન્ડિઝની ટીમે 2012માં આ ફોર્મેટનો વર્લ્ડ કપ પોતાને નામ કર્યો હતો. વેસ્ટ ઈન્ડિઝે શ્રીલંકા વિરૂદ્ધ ફાઇનલ મેચમાં 36 રનથી ભવ્ય જીત મેળવી હતી. કેરેબિયન ટીમ માટે માર્લન સેમ્યુઅલ્સે 78 રન કર્યા હતા અને 1 વિકેટ પણ લીધી હતી. તેના વિસ્ફોટક પ્રદર્શનની સહાયથી વેસ્ટ ઈન્ડિઝની ટીમ મેચ જીતી હતી. જેથી તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરાયો હતો. વળી ઓસ્ટ્રેલિયાના શેન વોટ્સને આ ટૂર્નામેન્ટમાં કુલ 249 રન કરવાની સાથે 11 વિકેટ લીધી હતી, જેથી તેને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ પસંદ કરાયો હતો.

2016માં વેસ્ટ ઈન્ડિઝે બીજી વાર T-20 વર્લ્ડ કપ જીત્યો
2016માં વેસ્ટ ઈન્ડિઝે બીજી વાર T-20 વર્લ્ડ કપ જીત્યો

2016માં વેસ્ટ ઈન્ડિઝે ઇંગ્લેન્ડને ફાઇનલ મેચમાં હરાવીને બીજી વાર આ ટાઈટલ જીત્યું હતું. આ પહેલીવાર થયું હતું જ્યારે કોઈ ટીમે T-20 વર્લ્ડ કપનું ટાઇટલ 2 વાર જીત્યું હોય. આ મેચમાં ફરી એકવાર માર્લન સેમ્યુઅલે વેસ્ટ ઈન્ડિઝ માટે 85* રન કર્યા હતા અને પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. વળી ભારતના વિરાટ કોહલીએ આ ટૂર્નામેન્ટમાં કુલ 273 રન કર્યા હતા અને 1 વિકેટ પણ લીધી હતી, જેથી તેને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ પસંદ કરાયો હતો. જોકે ફાઇનલ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના કાર્લોસ બ્રેથવેટે બેક ટુ બેક સિક્સ મારી ઇંગ્લેન્ડને હરાવ્યું હતું તથા ટાઇટલ જીતી લીધું હતું.

2014માં ઈન્ડિયન ટીમ ફાઇનલમાં હારી, શ્રીલંકાએ ટાઇટલ જીત્યું
2014માં વર્લ્ડ કપનું આયોજન બાંગ્લાદેશમાં કરાયું હતું. આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં શ્રીલંકન ટીમે ઈન્ડિયાને 6 વિકેટથી હરાવી ટ્રોફી પોતાને નામ કરી હતી. શ્રીલંકન ક્રિકેટર કુમાર સંગાકારાએ 35 બોલમાં 52 રન કર્યા હતા, જેથી તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરાયો હતો. વળી વિરાટ કોહલીએ આ ટૂર્નામેન્ટમાં કુલ 319 રન કર્યા હોવાથી તેને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ પસંદ કરાયો હતો. આ મેચમાં મલિંગા અને શ્રીલંકન બોલર્સે ડેથ ઓવર્સમાં શાનદાર બોલિંગ કરી હતી.

ક્વોલિફાયર રાઉન્ડની શરૂઆત
7મા ICC T-20 વર્લ્ડ કપની શરૂઆત આજે રવિવારથી થવા જઈ રહી છે. જેમાં ક્વોલિફાયિંગ રાઉન્ડની પહેલી મેચ ઓમાન અને પાપુઆ ન્યૂ ગિની તથા બીજી મેચ બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડ વચ્ચે રમાશે. આ બંને ગ્રુપ-બીની મેચ છે. ક્વોલિફાઈંગ રાઉન્ડમાં 8 ટીમના 2 ગ્રુપ A અને Bમાં વિભાજિત કરાયા છે. બંને ગ્રુપની ટોપ-2 ટીમો સુપર-12 ગ્રુપ સ્ટેજ માટે ક્વોલિફાય કરશે.

અન્ય સમાચારો પણ છે...