વર્લ્ડ કપમાં સ્ટાર પ્લેયર્સ ફ્લોપ સાબિત થયા:T-20 વર્લ્ડ કપના એવા પ્લેયર્સ જેમના પર સારા પ્રદર્શનની ખૂબ જ આશા હતી પરંતુ તેમનું જ પ્રદર્શન નિરાશાજનક રહ્યું; જાણો તેવા પ્લેયર્સનું પ્રદર્શન

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

T-20 વર્લ્ડ કપ 2021 UAEમાં રમાયો જેમાં વિશ્વને નવા ચેમ્પિયનના રુપે ઓસ્ટ્રેલિયા મળ્યું. ન્યૂઝીલેન્ડ આ વર્લ્ડ કપમાં રનરઅપ રહ્યું. આ વર્લ્ડ કપમાં ઘણી બાબતો એવી જોવા મળી કે જે કોઈએ ધારી પણ નહોતી. સૌ પ્રથમ તો ટૂર્નામેન્ટની ફેવરિટ ગણાતી ટીમ ઈન્ડિયા સેમીફાઈનલ સુધી પણ પહોંચી ન શકી. ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન પણ આ ટૂર્નામેન્ટની ફેવરિટ ગણાતી હતી પરંતુ તે બંને ટીમો પણ સેમીફાઈનલ સુધી જ પહોંચી શકી હતીં. ટૂંકમાં કહીએ તો આ વર્લ્ડ કપમાં જે ધાર્યું નહોતું તે જ થયું. તે જ પ્રમાણે જે પ્લેયર્સ સાથે ટીમને સંપૂર્ણ આશાઓ હતી તેમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું.

માત્ર ભારત નહીં પણ દરેક ટીમોના પ્લેયર્સની વાત કરીએ તો વર્લ્ડ કપ અગાઉ અમુક પ્લેયર્સને લઈને મોટી હાઈપ ક્રિએટ કરવામાં આવી હતી. લોકોને આશા હતી કે આ પ્લેયર્સ અસાધારણ પ્રદર્શન કરશે અને પોતાના દેશને જીત અપાવશે. પરંતુ જે-જે પ્લેયર્સ પાસે આશા હતી અને જેમના પર હાઈપ ક્રિએટ કરવામાં આવી હતી તે પ્લેયર્સ આ વર્લ્ડ કપમાં લગભગ ફ્લોપ જ સાબિત થયા. ચાલો જાણીએ તેવા પ્લેયર્સ વિશે જે આશા પ્રમાણે પ્રદર્શન ન કરી શક્યા.

1. હાર્દિક પંડ્યા

ટી-20 વર્લ્ડ કપમાં ઈન્ડિયા ફેવરિટ્સના ટેગ સાથે મેદાનમાં ઉતર્યું હતું. પરંતુ તે સેમીફાઈનલ સુધી પણ ન પહોંચી શક્યું. તેના ઘણા બધા કારણો છે, પરંતુ એક મોટું કારણ રહ્યું હાર્દિક પંડ્યાનું ખરાબ ફોર્મ.

તેને તેના ભૂતકાળના પ્રદર્શનના કારણે ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું પરંતુ તે કોઈ ઓલરાઉન્ડર જેવું કામ દેશ માટે કરી ન શક્યો. બોલને ટાઈમ કરવામાં તેને સંઘર્ષ કરવો પડ્યો. શરુઆતની બંને મેચોમાં જ્યારે શરુઆતી ધબડકા બાદ ટીમને તેના મોટા શોટ્સની જરુરત હતી ત્યારે તે રન કરી જ ન શક્યો.

ટીમના સ્ટાર ઓલરાઉન્ડરે વર્લ્ડ કપની ત્રણ ઈનિંગ્સમા 69 રન કર્યા છે.

2. મિશેલ સ્ટાર્ક

ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક વર્તમાન સમયના સર્વશ્રેષ્ઠ બોલરમાં ગણાય છે. તેના જેવા બોલર ભાગ્યે જ હાલ મળી રહે છે.

તમામ હાઈપ હોવા છતાં, ઝડપી બોલર આ ટુર્નામેન્ટમાં તેના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી ન શક્યો. તેણે ફોર્મ માટે સંઘર્ષ કર્યો. તે કહેવું યોગ્ય છે કે તે ઓસ્ટ્રેલિયાની સૌથી નબળી કડીઓમાંનો એક હતો.

ફાસ્ટ બોલરે 7 મેચમાં માત્ર 9 વિકેટ ઝડપી હતી. તેની બોલિંગ એવરેજ 27.55 હતી. તદુપરાંત, તેની ઈકોનોમી પણ 9.18 હતી .

તેણે ટૂર્નામેન્ટની ફાઇનલમાં પણ રન આપ્યા હતા. અને ટીમ માટે ખૂબ જ ખર્ચાળ સાબિત થયો હતો. તેણે ફાઈનલમાં 4 ઓવરમાં 60 રન આપ્યા હતા.

3. ડેવોન કોનવે

ડેવોન કોનવે ન્યૂઝીલેન્ડનો આક્રમક બેટર છે. અને ટૂર્નામેન્ટ અગાઉ તેના સારા પ્રદર્શનની ખૂબ જ આશાઓ રાખવામાં આવી હતી. પરંતુ તે સારુ પ્રદર્શન કરી ન શક્યો.

તે ન્યૂઝીલેન્ડ ટીમમાં 4 નંબર જેવા મહત્વપૂર્ણ નંબર પર બેટિંગ કરવા આવે છે. તેને વિરોધી ટીમના સ્પિનર્સનો સામનો કરવાનો હોય છે. પાકિસ્તાન સામે 27 રન કર્યા બાદ એકદમ નબળી ટીમ નામીબિયા અને સ્કોટલેન્ડ સામે પણ કોનવે રન ન બનાવી શક્યો.

આક્રમક બેટરે ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલમાં 38 બોલમાં 46 રન ફરકાર્યા હતા. તે એક સારી ઈંનિગ્સ કહી શકાય પણ તે જે પ્રમાણેનો બેટર છે, તે પ્રમાણે આ હજી પણ ધીમી બેટિંગ કહી શકાય. ટૂંકમા કહી શકાય કે તેની પાસેથી આશાઓ પ્રમાણે કોનવે પ્રદર્શન કરી શક્યો નથી.

4. હસન અલી

હસન અલી માટે તો આ ટૂર્નામેન્ટમાં સારુ કહેવા માટે કશું જ નથી. તેની માટે આ ટૂર્નામેન્ટ ખૂબ જ ખરાબ રહી. પાકિસ્તાની પેસર દરેક મેચમાં સંઘર્ષ કરતો જોવા મળ્યો અને વિકેટ માટી તરસ્યો હતો.

તે વર્લ્ડ કપ દરમિયાન નબળી ટીમો સામે પણ રન આપી રહ્યો હતો. કેટલાક કમેન્ટર્સે તો તેને ઓન એર પાકિસ્તાનનું નબળુ પાસુ ગણાવ્યો હતો. હસન અલીએ ટીમની 6 મેચોમાં માત્ર 5 વિકેટો ઝડપી છે.

સેમીફાઈનલમાં પણ હસન અલીનું પ્રદર્શન તદ્દન નિરાશાજનક રહ્યું. પોતાની બોલિંગમાં ખૂબ રન આપ્યા અને મેચનો સૌથી મહત્વનો કેચ પણ છોડ્યો જેની કિંમત ટીમને ટૂર્નામેન્ટની બહાર થઈને ચૂકાવવી પડી. જેના લીધે તે ખૂબ જ ટ્રોલ થયો હતો.

5. જોની બેયરસ્ટો

ઈંગ્લેન્ડના આ વિસ્ફોટક ઓપનરને તેની આક્રમક બેટિંગ માટે ઓળખાય છે. અને તે ટૂર્નામેન્ટ અગાઉ સારા ફોર્મમા હતો. પરંતુ તેણે વર્લ્ડ કપમાં તેના ફેન્સને નિરાશ કર્યા.

જોની બેયરસ્ટો સ્પિન વિરુદ્ધ આક્રમક રમી શકે છે. પરંતુ 6 મેચમાં તે માત્ર 38 રન કરી શક્યો. અને તેનો હાઈએસ્ટ સ્કોર 16 રન રહ્યો.

હસારંગા અને શમ્સી જેવા સ્પિનર્સે આસાનીથી તેને આઉટ કર્યો હતો. ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઈનલમાં તેને તક આપવામાં આવી હતી પરંતુ તે 17 બોલમાં માત્ર 13 રન બનાવી શક્યો.

6. ક્વિન્ટન ડિ કોક

સાઉથ આફ્રિકાના વિકેટ કિપર માટે આ ટૂર્નામેન્ટ સહેજપણ સારી ન રહી. તેની પર જે આશાઓ હતી તેમાં તે ખરો ન ઉતરી શક્યો.

ડિ કોકે ચાર મેચોમાં માત્ર 69 રન બનાવ્યા છે, તેની એવરેજ 17.25 રહી જે તેના ફોર્મ પ્રમાણે યોગ્ય ન કહી શકાય. ટૂર્નામેન્ટ દરમિયાન તે બ્લેક લાઈવ્સ મેટર્સ મૂવમેન્ટમાં ઘૂંટણિયે બેસવાનો ઈનકાર કરતા વિવાદોમાં ઘેરાયો હતો અને એક મેચ માટે તેને ટીમમાં સ્થાન પણ નહોતું આપવામાં આવ્યું. તે સ્ટાર્ટ્સને મોટી ઈંનિગ્સમાં કનવર્ટ કરવામાં નિષ્ફળ રહ્યો.

7. કુશલ પરેરા​​​​​​​​​​​​​​

કુશલ પરેરા શ્રીલંકાના હાલના શ્રેષ્ઠ બેટરમાં ગણાય છે. છેલ્લા ઘણા સમયથી તેનુ ફોર્મ આક્રમક હતું અને ટી-20માં તો તે વધુ આક્રમક થતો હતો. પરંતુ વર્લ્ડ કપમાં તેનાથી વિપરીત દ્રશ્યો જોવા મળ્યા હતાં.

તે વર્લ્ડ કપમાં જવાબદારી પૂર્વક રમી જ ન શક્યો, જ્યારે તેની ટીમે ટૂર્નામેન્ટમાં આશા કરતા સારુ પ્રદર્શન કર્યું. ઓપનર સારા ફોર્મમાં ન જોવા મળ્યો.

શ્રીલંકાના આ ઓપનરે તેના આંકડાઓ છે તે પ્રમાણે પ્રદર્શન ન કરી શક્યો. આ ટૂર્નામેન્ટમાં તેનો હાઈએસ્ટ સ્કોર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 35 રનનો છે.

8. મોહમ્મદ શહેઝાદ​​​​​​​​​​​​​​

અફઘાનિસ્તાનની ટીમમાં ગણ્યાગાઠ્યા સારા બેટ્સમેન જોવા મળે છે. મોહમ્મદ શહેઝાદ અફઘાનિસ્તાનનો આક્રમક બેટર છે. અને નાના ફોર્મેટમાં તો તે વધુ વિસ્ફોટક બની જાય છે અને મોટા શોર્ટ્સ રમીને સારો સ્કોર ઉભો કરે છે.

આંકડા પ્રમાણે જોવા જઈએ તો મોહમ્મદ શહેઝાદ અફઘાનિસ્તાનનો બેસ્ટ ટી-20 પ્લેયર છે. પરંતુ વર્લ્ડ કપમાં તેનું ફોર્મ તદ્દન નબળું રહ્યું અને તે નબળી ટીમો સામે પણ સંઘર્ષ કરતો જોવા મળ્યો.

અફઘાનિસ્તાન સેમીફાઈનલમાં પ્રવેશી શકે તેમ હતું પરંતુ મહત્વપૂર્ણ મેચોમાં તે રન બનાવી ન શક્યો. તેનો આ ટૂર્નામેન્ટનો હાઈએસ્ટ સ્કોર 45 નાબીબિયા વિરુદ્ધ રહ્યો. તેના ખરાબ શોટ સિલેક્શનના કારણે તે આઉટ થતો હતો.

9. ક્રિસ ગેલ

વેસ્ટઈન્ડિઝના આ તોફાની બેટરને ટી-20 ક્રિકેટનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન કહેવાય છે. તેના રેકોર્ડ્સ હાલ ટોપ પર છે. અને તેને યૂનિવર્સલ બોસ પણ કહેવામાં આવે છે.

આટલી બધી ઉપલબ્ધીઓ હોવા છતા આ લિજેન્ડે વર્લ્ડ કપમાં કોઈ પણ સારી ઈનિંગ્સ ન રમી. ગેલ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ફક્ત 45 રન બનાવી શક્યો છે.

ટીમ દ્વારા વારંવાર તેનો બેટિંગ ક્રમ બદલવાના કારણે તેના પ્રદર્શન પર અસર પડી તેમ જણાવાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...