પાક. બોલર ભડક્યો:શોએબ અખ્તરે કહ્યું- મને ખબર જ હતી કે ઈન્ડિયન ટીમ આવો ધબડકો કરશે, આ ટીમને અફઘાનિસ્તાન પણ હરાવી દેશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

રવિવારે રમાયેલી ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચમાં વિરાટ સેનાનો 8 વિકેટથી કારમો પરાજય થયો છે. આ કારમી હાર પછી સોશિયલ મીડિયામાં ફેન્સ પણ IPL સહિત દિગ્ગજ ખેલાડીઓ સામે નિશાન સાધી રહ્યા છે. તેવામાં ભૂતપૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પણ ઈન્ડિયન ટીમને આડે હાથ લીધી હતી. તેણે પોતાની યૂટ્યૂબ ચેનલમાં ટીમ કોમ્બિનેશન સહિત અફઘાનિસ્થાન સામે પણ જો ટોસ હારશે વિરાટ તો મેચ ગુમાવશે એવી વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે હવે ઈન્ડિયન ટીમ ટોપ-4ની રેસમાંથી લગભગ બહાર ફેંકાઈ ગઈ છે. તો ચલો પાકિસ્તાની બોલર શોએબ અખ્તરની પ્રતિક્રિયા સામે આપણે નજર ફેરવીએ.....

ઈશાન હજુ બાળક છે, રોહિત જ ઓપનિંગ કરી શકે- શોએબ અખ્તર
ન્યૂઝીલેન્ડ સામે ધબડકા પછી ઈન્ડિયન ટીમના ખરાબ પ્રદર્શન બાદ પાકિસ્તાની બોલર શોએબ અખ્તર પણ ગુસ્સે થયો હતો. તેણે કહ્યું હતું કે UAEમાં પહેલી ઈનિંગ દરમિયાન બોલર્સને ઘણી સહાયતા મળે છે. બીજી ઈનિંગમાં ફ્લેટ પિચ થઈ જાય છે. પહેલા બેટિંગ કરતી ટીમ માટે ઘણી મુશ્કેલી ઊભી થઈ શકે છે પરંતુ એનો અર્થ એવો નથી કે ઈન્ડિયા આવી રીતે રમે. ટીમ સિલેકશન સામે મને ઘણા સવાલો છે. ઈશાન કિશન હજુ બાળક છે, તેને કેમ ઓપનિંગમાં મોકલ્યો. રોહિત શર્માને જ ઓપનર તરીકે પસંદ કરવો જોઈએ.

ઈન્ડિયન ટીમનો ગેમ પ્લાન હું સમજી જ ના શક્યો- અખ્તર
પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ઈન્ડિયન ટીમના ખરાબ પ્રદર્શન પછી કહ્યું હતું કે મને ખબર જ ના પડી કે વિરાટ સેના કેવા પ્રકારની માનસિકતાથી મેદાનમાં ઉતરી હતી. તેણે રોહિતને કેમ નંબર-3 પર બેટિંગ કરવા મોકલ્યો અને હાર્દિકને મોડો બોલિંગ કરવા મેદાનમાં ઉતાર્યો. આ ટૂર્નામેન્ટની શરૂઆતથી જ મને લાગી રહ્યું હતું કે આ ટીમ કંઈ ખાસ પ્રદર્શન દાખવી શકશે નહીં. આ બંને મેચમાં ઈન્ડિયન ટીમ જાણે ખોવાઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે.

ઈન્ડિયન મીડિયાએ વધારે પડતું જ વિજયી વાતાવરણ ઊભી કરી દીધું હતું- અખ્તર
શોએબ અખ્તરે વધુમાં જણાવ્યું હતું કે કીવી ટીમ વિરૂદ્ધ મેચમાં જે ધબડકો થયો એના એંધાણ મને પહેલેથી જ આવી ગયા હતા. ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા, જે પ્રમાણે ઈન્ડિયન મીડિયાએ વધારે પડતું વિજયી વાતાવરણ ઊભું કર્યું હતું એને જોતા મને લાગ્યું જ હતું કે આ ટીમ કંઈ ખાસ કરી શકશે નહીં. આ ટૂર્નામેન્ટમાં ફરી એકવાર સાબિત થઈ ગયું છે કે ઈન્ડિયન પેસ અટેક સૌથી નબળો છે.

વિરાટ સેનાને અફઘાનિસ્તાન પણ હરાવી દેશે- અખ્તર
શોએબ અખ્તરે કહ્યું- ટીમ ઈન્ડિયાએ જો પોતાની લાજ બચાવી રાખવી હોય તો કંઈપણ કરીને અફઘાનિસ્તાન સામે મેચ જીતવી જ પડશે. પરંતુ જો મારા ગણિત પ્રમાણે કહુ તો અઘાનિસ્તાને ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી તો ઈન્ડિયન ટીમ આ મેચ પણ હારી જશે. તેવામાં જો વિરાટ એન્ડ ટીમ ભલે પહેલા બેટિંગ કરતા 150થી 170નો સ્કોર ઊભો કરી દે, પરંતુ અફઘાનિસ્તાન આને પણ સરળતાથી ચેઝ કરી દેશે. અત્યારે જે થઈ રહ્યું છે તે ઈન્ડિયન ટીમ માટે સારુ નથી.

અન્ય સમાચારો પણ છે...