હિટમેન પણ વર્કલોડથી પરેશાન!:રોહિતે 2 મેચની હાર પાછળના કારણ મુદ્દે કહ્યું- અમે સતત મેચ રમીને આવ્યા છીએ; સારો ગેમ પ્લાન તૈયાર કરવા માઈન્ડ ફ્રેશ હોવું જોઈએ

23 દિવસ પહેલા

રોહિત શર્માએ ભારતની સતત 2 હાર અંગે ચુપ્પી તોડી છે. તેણે કારણ આપતા જણાવ્યું હતું કે અમારી હાર પાછળ સતત લાંબા સમય સુધી રમતા રહેવાનું કારણ જવાબદાર છે. જોકે રોહિતે અફઘાનિસ્તાન સામેની મેચમાં 74 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી, જેથી તેને મેન ઓફ ધ મેચ પણ પસંદ કરાયો હતો. તમને જણાવી દઈએ કે ભારતે સતત 2 મેચ હારી સેમિફાઇનલમાં પહોંચવાની આશા પર પાણી ફેરવી દીધું છે, હવે ટોપ-4માં પહોંચવાનો કોયડો ઉકેલવો ઘણો અઘરો જણાઈ રહ્યો છે.

હિટમેનનો ઘટસ્ફોટ, કહ્યું- સતત મેચ રમવી મુશ્કેલ
ઈન્ડિયન ટીમે બુધવારે રાત્રે અફઘાનિસ્તાનને 66 રનથી હરાવી આ વર્લ્ડ કપમાં પહેલી જીત મેળવી છે. આ મેચ પછી રોહિત શર્માએ કહ્યું હતું કે આજની મેચમાં અમારો અપ્રોચ અલગ હતો, કાશ અમે આવી રીતે જ પહેલી 2 મેચ રમી હોત, પરંતુ આ પ્લાન પ્રમાણે થયું નહીં. તમને જણાવી દઈએ કે અમે લાંબા સમયથી મેચ રમતા આવ્યા છીએ જેના કારણે પહેલી 2 મેચમાં આવું થયું. આના કારણે નિર્ણય લેવામાં પણ મુશ્કેલી આવે છે, જેની માઠી અસર 2 મેચમાં પડી હતી. આ વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા IPL-2021 રમી રહી હતી અને આની પહેલા ઇંગ્લેન્ડ ટૂર પર પણ ઘણા લાંબા સમયથી હતી.

ફ્રેશ માઈન્ડ સાથે જ સારી ગેમ રમાય- રોહિત
રોહિતે વધુમાં જણાવ્યું હતું કે ક્રિકેટમાં મેચ જીતવા માટે ફ્રેશ માઈન્ડ હોવું અનિવાર્ય છે. અમે જ્યારે મેદાનમાં ઉતરીએ છીએ ત્યારે અમારી પાસેથી સાચા અને મેચ વિનિંગ નિર્ણયોની જ આશા ફેન્સ રાખીને બેઠા હોય છે. તેવામાં જો માઈન્ડ ફ્રેશ નહીં હોય તો અમે કેવી રીતે સારા નિર્ણય લઈ શકીએ? તમે જ્યારે સતત ક્રિકેટ રમતા હોય ત્યારે આવી વસ્તુઓ થાય છે, તમારે પણ થોડો સમય ફ્રેશ થવા માટે આ ગેમથી દૂર જવું પડે છે. પરંતુ તમે જ્યારે વર્લ્ડ કપ રમો છો ત્યારે સંપૂર્ણ ધ્યાન તમારું વર્લ્ડ કપ પર હોવું જોઈએ. તેના માટે ફ્રેશ માઈન્ડ હોવુ જરૂરી છે.

રોહિતે પોતાના ફોર્મ અંગે કર્યો ઘટસ્ફોટ
રોહિત શર્મા સહિત મોટાભાગના ખેલાડી પહેલી 2 મેચમાં નિષ્ફળ રહ્યા હતા. આ મુદ્દે રોહિતે કહ્યું હતું કે પહેલી 2 મેચના આધારે અમે ખરાબ ખેલાડી બની ગયા એવું નથી. તમે ભૂલ સ્વીકારો છો અને મહેનત કરી ગેમમાં પરત ફરો છો. આવી સ્થિતિમાં ડર્યા વિના ગેમ અંગે વિચારવાની જરૂર હોય છે.

રોહિતે કહ્યું આ પિચમાં રન કરવા સરળ
મેચ પછી રોહિત શર્માએ વાત કરતા કહ્યું કે અમે પહેલા શોટ સિલેકશન અને ગેપ શોધવામાં ધ્યાન આપ્યું હતું. અમને પણ જાણ હતી કે પહેલી 2 મેચમાં હાર્યા પછી નેટ રન રેટ ટીમને સેમિફાઇનલ સુધી પહોંચાડી શકે છે. જેથી અમે પહેલી ઓવરથી જ આક્રમક પ્રદર્શન દાખવ્યું હતું.

T-20 ઈન્ટરનેશનલમાં આ રેકોર્ડ પાંચ ખેલાડીને નામ
અફઘાનિસ્તાન વિરૂદ્ધ મેચમાં રોહિત શર્માને પ્લેયર ઓફ ધ મેચનો અવોર્ડ મળ્યો હતો. T-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચ મેળવનારો પાંચમો ખેલાડી બની ગયો છે. રોહિતે અત્યારસુધી 11 વાર આ ફોર્મેટમાં આ અવોર્ડ મેળવ્યો છે. રોહિતથી વધારે પ્લેયર ઓફ ધ મેચ અવોર્ડ મેળવાનારા ખેલાડીમાં મોહમ્મદ નબી (13), વિરાટ કોહલી (12), મોહમ્મદ હફીઝ (11) અને શાહિદ આફ્રિદી (11) સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...