મેચ વિનર્સ ઈજાગ્રસ્ત!:હાર્દિક-સ્ટોઈનિસ અને રસેલ જેવા ઓલરાઉન્ડર પ્લેયર્સની ફિટનેસ સામે સવાલો; વિસ્ફોટક પ્રદર્શનથી મેચ પલટી શકવા સક્ષમ

એક મહિનો પહેલા

T-20 વર્લ્ડ કપનો સુપર-12 રાઉન્ડની શરૂઆત 23 ઓક્ટોબરથી થવા જઈ રહી છે. આ ટૂર્નામેન્ટ પહેલા ઘણી ટીમના ઓલરાઉન્ડર્સ સંપૂર્ણપણે ફિટ નથી. ઉલ્લેખનીય છે કે ઇંગ્લેન્ડનો સ્ટાર પ્લેયર બેન સ્ટોક્સ ફિંગર ઈન્જરી અને મેન્ટલ હેલ્થના કારણે આ વર્લ્ડ કપમાં ભાગ લેશે નહીં. ત્યારે બીજ બાજુ ઈન્ડિયન ટીમના હાર્દિક પંડ્યા, ઓસ્ટ્રેલિયાનો માર્કસ સ્ટોઈનિસ અને વેસ્ટ ઈન્ડિઝનો આંદ્રે રસેલ સંપૂર્ણપણે ફિટ જોવા મળી રહ્યો નથી. આ તમામ ખેલાડી એટલા વિસ્ફોટક છે કે તેઓ ગણતરીની ઓવર્સમાં પોતાની ટીમ માટે મેચ પલટી શકે છે. તેવામાં જો આવા ખેલાડી લયમાં નહીં આવે તો તેમની ટીમ સામે પ્લેઇંગ-11ની પસંદગી કરવાનો પ્રશ્ન ગંભીર બની જશે.

ઈન્ડિયન ટીમનો ફિનિશરઃ હાર્દિક પંડ્યા
મહેન્દ્ર સિંહ ધોનીની નિવૃત્તી પછી મેચમાં ફિનિશર તરીકે કામ કરવાની જવાબદારી માત્ર હાર્દિક પંડ્યા પાસે હતી. તેવામાં પીઠમાં ઈન્જરી પહોંચ્યા પછી હાર્દિક પંડ્યાના પ્રદર્શનમાં ઘણો તફાવત જોવા મળ્યો છે. તે પહેલાની જેમ બોલિંગ અને બેટિંગ એક જ મેચમાં કરી શકવા માટે સક્ષમ નથી. વળી IPL-ફેઝ 2માં પણ તેણે બોલિંગ કરી નથી. ઓછામાં પુરુ તેણે ઈન્ડિયન ટીમની વોર્મઅપ મેચમાં પણ બોલિંગ નહોતી કરી અને બેટિંગ દરમિયાન પણ તે સ્ટ્રગલ કરતો જોવા મળ્યો હતો.

હાર્દિક પંડ્યાએ બોલિંગ ન કરવાના નિર્ણયથી પ્લેઇંગ-11માં તેનું સ્થાન મુશ્કેલી થઈ શકે છે. વળી ઈન્ડિયન ટીમના કેપ્ટને અત્યારે તેને એક ફુલટાઈમ બેટર તરીકે પસંદ કરી લીધો છે, પરંતુ જો તે સારુ પ્રદર્શન નહીં કરે તો આગામી મેચમાં તેની પસંદગી થવી મુશ્કેલ જણાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યા જો આ વર્લ્ડ કપમાં જ સંપૂર્ણ ફિટ થઈ જશે તો સારું પ્રદર્શન દાખવી એક મેચ વિનર સાબિત થશે.

સ્ટોઈનિસની બોલિંગ ઓસ્ટ્રેલિયન ટીમ માટે જરૂરી
ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસ ટીમના સૌથી મહત્ત્વપૂર્ણ ખેલાડીઓમાંથી એક છે. સ્ટોઈનિસ વિસ્ફોટક બેટરની સાથે એક બોલિંગનો વિકલ્પ પણ ટીમને આપે છે. તેમના સિવાય ગ્લેન મેક્સવેલ અને મિશેલ માર્શ પણ બોલિંગ કરી શકે છે.

જોકે, આમાંથી સ્ટોઈનિસ એકમાત્ર ખેલાડી છે જે સતત બોલિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાએ પહેલી વોર્મ અપ મેચમાં માર્શનો પાંચમો બોલર તરીકે ઉપયોગ કર્યો હતો, પરંતુ તેણે તેની ચાર ઓવરમાં 53 રન આપ્યા હતા. બીજી બાજુ, મેક્સવેલ અત્યારે સારા ફોર્મમાં છે અને તેણે RCB માટે પણ સારી બોલિંગ કરી છે. ઓસ્ટ્રેલિયા માટે સારી વાત એ છે કે સ્ટોઈનિસ હવે બોલિંગ કરવા માટે તૈયાર છે અને તેણે ઈન્ડિયા સામેની વોર્મ અપ મેચમાં 2 ઓવરમાં 16 રન આપ્યા હતા.

આંદ્રે રસેલ વિના વેસ્ટ ઈન્ડિઝની ટીમ અધૂરી
વેસ્ટ ઈન્ડિઝનો સ્ટાર ઓલરાઉન્ડર આંદ્રે રસેલ પણ અત્યારે હેમ્સટ્રિંગની ઈજાથી પિડાઈ રહ્યો છે. રસેલે આ IPLમાં પણ કોલકાતા માટે ફાઇનલ મેચ પણ રમી નહોતી. તેવામાં હવે T-20 વર્લ્ડ કપ પહેલા તે કેટલો ફિટ છે એ જોવાજેવું રહેશે. રસેલ બોલિંગ અને બેટિંગ બંને ડિપાર્ટમેન્ટમાં પોતાનું સારુ યોગદાન આપીને મેચ પલટી શકે એવી ક્ષમતા ધરાવે છે. તેવામાં હવે UAEની લો સ્કોરિંગ પિચમાં રસેલ જેવા ખેલાડી ટીમ માટે મેચ વિનર સાબિત થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...