મેન્ટર તરીકે ધોની એક્શનમાં:વિરાટ કોહલી સાથેની તસવીર વાઇરલ; માહીએ ટીમના દરેક ખેલાડી સાથે વાતચીત કરી

એક મહિનો પહેલા
ફોટો- getty images
  • મેચ અગાઉ મેન્ટર ધોની ટીમને ટિપ્સ આપતો નજરે આવ્યો
  • ધોનીના મેન્ટર બન્યા પછી ટીમ ઉત્સાહિત છે

ICC T-20 વર્લ્ડકપની શરુઆત થઈ ગઈ છે. સોમવારે દુબઈમાં ICC એકેડમી ગ્રાઉન્ડ પર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રેક્ટિસ મેચ રમાઈ, જેમાં એક ઓવર બાકી રહેતાં અને ત્રણ વિકેટ ખોઈને ભારતે 189 રનનો ટાર્ગેટ સરળતાથી ચેઝ કરી લીધો. આ પ્રેક્ટિસ મેચ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોની ટીમ ઈન્ડિયાના મેન્ટરના રોલમાં નજરે આવ્યો અને મેચ દરમિયાન સતત કેપ્ટન વિરાટ કોહલી અને યુવા ક્રિકેટરો સાથે વાતચીત કરતો દેખાયો.

મેચ અગાઉ ધોની અને વિરાટની તસવીર વાઈરલ
કેપ્ટન વિરાટ કોહલી અને મેન્ટર ધોનીની એક તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહી છે. BCCIએ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર આ તસવીર શેર કરી હતી અને થોડા જ સમયમાં એ તસવીર સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગ બની ગઈ. એ તસવીરમાં જોઈ શકાય છે કે વિરાટ પ્રેમથી ધોનીના હાથને અડી રહ્યો છે. જાણે તે ચેક કરી રહ્યો છે કે ધોનીનું ટીમ સાથે જોડાવવું કોઈ સપનું તો નથી ને!

ધોની ઈશાન કિશનને કીપિંગની ટિપ્સ આપી રહ્યો છે.
ધોની ઈશાન કિશનને કીપિંગની ટિપ્સ આપી રહ્યો છે.

ધોની સતત ટીમના પ્લેયર્સને ટિપ્સ આપતો રહ્યો
ધોનીના મેન્ટર તરીકે ટીમમાં જોડાવાથી તેનો લાભ સૌથી વધુ યુવા ક્રિકેટરોને થવાનો છે. ધોની પાસે ક્રિકેટનો વધુ અનુભવ છે અને તેણે ICCની ઘણી ટ્રોફી ભારતને જીતીને આપી છે, જેમાં 2011નો વર્લ્ડકપ, 2007 T-20 વર્લ્ડકપ, 2013 ICC ચેમ્પિયન ટ્રોફીનો સમાવેશ થાય છે. વર્લ્ડકપ ધોની પોતાના મેન્ટરનો રોલ પહેલી જ મેચમાં નિભાવતો જોવા મળ્યો. ધોનીએ ઈશાન કિશનને વિકેટકીંપિંગની પ્રેકટિસ કરાવી, કેપ્ટન વિરાટ કોહલી સાથે પણ ઘણી વાતો કરી અને હાર્દિક પંડ્યા સાથે પણ અલગથી વાત કરતો નજરે આવ્યો હતો.

ધોની હાર્દિક પંડ્યાને ટિપ્સ આપી રહ્યો છે.
ધોની હાર્દિક પંડ્યાને ટિપ્સ આપી રહ્યો છે.

ઈન્ડિયન ટીમ સાથે ઈન્ટરનેશનલ ખેલાડીના પ્લેયર્સ પણ ધોનીને મળવા પહોંચ્યા
ધોની ટીમ ઈન્ડિયાના પ્લેયર્સની સાથે-સાથે વિદેશી પ્લેયર્સ સાથે પણ જોવા મળ્યો હતો, જેમાં IPLમાં પોતાની ટીમના સ્ટાર પ્લેયર અને વેસ્ટ ઈન્ડીઝના બોલર બ્રાવો અને પંજાબ તરફથી રમતો અને વેસ્ટ ઈન્ડીઝનો સ્ટાર બેટર ક્રિસ ગેલનો સમાવેશ થાય છે. ધોની સાથે તેમની પણ તસવીર ખૂબ વાઈરલ થઈ રહી છે.

મેચની સ્થિતિ
ભારતે ટોસ જીતીને ઈંગ્લેન્ડ સામે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઈંગ્લેન્ડે 20 ઓવરમાં પાંચ વિકેટે 188 રન કર્યા હતા. જોની બેરસ્ટોએ 49 અને મોઈન અલીએ અણનમ 43 રન ફટકાર્યા હતા, જ્યારે લિયામ લિવિંગસ્ટોને 30 રન ફટકાર્યા હતા. ભારત માટે મોહમ્મદ શમીએ ત્રણ જ્યારે જસપ્રિત બુમરાહ અને રાહુલ ચાહરે એક-એક વિકેટ ઝડપી હતી. જવાબમાં ભારતે 19 ઓવરમાં ત્રણ વિકેટે 192 રન કર્યા હતા. કેએલ રાહુલે 51 રન, જ્યારે ઇશાન કિશને શાનદાર 70 રન ફટકાર્યા હતા. સૂર્યકુમાર યાદવને બેટિંગ કરવાની તક આપવા ઈશાને મેદાનમાંથી પાછા ફરવાનો નિર્ણય કર્યો હતો. રિષભ પંતે અણનમ 29, સૂર્યકુમારે 8 રન, જ્યારે કેપ્ટન વિરાટ 11 રને આઉટ થયો હતો. હાર્દિક પંડ્યા 12 રને નોટઆઉટ પરત ફર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...