ઈન્ડિયા VS પાકિસ્તાન મેચ રદ કરવાની માગ:જો ટીમ ઈન્ડિયા પાકિસ્તાન વિરુદ્ધ ન રમી તો ICC ભારત પર પ્રતિબંધ મૂકી શકે છે; સાથે દંડ પણ ભરવો પડશે

એક મહિનો પહેલા

ટી-20 વર્લ્ડકપમાં ભારત પોતાની પહેલી મેચ પાકિસ્તાન વિરુદ્ધ 24 ઓક્ટોબરે રમવા જઈ રહ્યું છે પરંતુ તે મેચ અગાઉ મેચને રદ કરવાની માગ થઈ રહી છે. તેનું કારણ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા બિન-સ્થાનિકને ટાર્ગેટ કરીને તેમના પર હુમલો કરવાનું છે. પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ પોતાની રણનીતિ બદલવાના કારણે કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં વધારો થયો છે.

આતંકવાદીઓ બિન-સ્થાનિકોને ટાર્ગેટ કરીને તેમને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. જોકે સેનાના જવાન પણ તેમને જડબાતોડ જવાબ આપી રહ્યા છે. તેવામાં લોકો માગ કરી રહ્યા છે કે જ્યા સુધી પાકિસ્તાન ન સુધરે ત્યા સુધી ઈન્ડિયા-પાકિસ્તાન મેચ ન રમાય અને ટી-20 વર્લ્ડકપ મેચને પણ રદ કરવામાં આવે.

આ મેચને રદ કરવાથી ભારતને નુકસાન થશે કે ફાયદો ચાલો સમજીએ...

ભારતની મુશ્કેલીઓમાં વધારો થશે
જો આતંકી ઘટનાઓના કારણે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન વિરુદ્ધ મેચ રમવાની મનાઈ કરે તો તેનું બહુ મોટું નુકસાન ભારતને જ વેઠવુ પડે તેમ છે. પાકિસ્તાનને મેચ રમ્યા વગર 2 અંક મળી જશે, જ્યારે ભારતને એક પણ અંક આપવામાં નહી આવે. તેનાથી પાકિસ્તાનના સેમિફાઈનલમાં પહોંચવાના ચાન્સીસ વધી જશે અને ભારત માટે સેમિફાઈનલમાં પહોંચવું મુશ્કેલ બની રહેશે.

ભારતે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પણ રમવાની ના પાડી હતી
ભારતે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ-2021 દરમિયાન પાકિસ્તાન વિરુદ્ધ સીરીઝ રમવાની ના પાડી દીધી હતી. પાકિસ્તાને આ મુદ્દે ICCને ઘણીવખત ફરિયાદ પણ કરી હતી પરંતુ BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સીરીઝ ન થવા દીધી.

આ વખતે ICC ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ ન થાય તેવું કોઈ પણ રીતે બનવા નહી દે. તેનું સૌથી મોટું કારણ આર્થિક ફાયદો છે. પાકિસ્તાન સતત ટીમ ઈન્ડિયા ન રમવાની ફરિયાદ ICCથી કરતું આવ્યું છે. તેવામાં જો ટીમ ઈન્ડિયા ટી-20 વર્લ્ડકપ મેચ રમવાની મનાઈ કરે તો ICC ભારતીય ટીમ પર પ્રતિબંધ લગાવી શકે છે. તે સાથે જ ટીમ ઈન્ડિયાને ભારે દંડ પણ ભરવો પડી શકે છે.

જો ભારત-પાકિસ્તાન ફાઈનલમાં પહોંચી ગયુ તો શું કરીશું?
માની લઈએ કે 24 ઓક્ટોબરે રમાનારી મેચમાં આપણે રમવાની મનાઈ કરીએ. તેવામાં આપણને 2 અંક નહી મળે, પરંતુ જો આપણી ટીમ અન્ય મેચોમાં શાનદાર પ્રદર્શન કરીને ફાઈનલ સુધી પહોંચી જાય અને ત્યાં પાકિસ્તાન સામે જ મેચ રમવાની આવે તો આપણે શું કરીશું?

તો શું આપણે ફાઈનલ પણ નહીં રમીએ? જો આવું થયું તો પાકિસ્તાન ટ્રોફી જીતી જશે. ભારત વગર રમે પાકિસ્તાનને વિજેતા બનાવી દેશે. બધી જ રીતે પાકિસ્તાનનો જ ફાયદો છે.

2019 વર્લ્ડકપ દરમિયાન પણ માગ ઉઠી હતી
છેલ્લે વર્લ્ડકપ-2019માં ભારત-પાકિસ્તાનની મેચ રમાઇ હતી. તે સમયે પણ મેચ રદ કરવાની માગ ઉઠી હતી, પરંતુ ભારતના ભૂતપૂર્વ દિગ્ગજ સચિન તેંડુલકરે કહ્યું કે તેઓ આવું નથી ઈચ્છતા. તેઓ પાકિસ્તાનને મેદાન પર હરાવીને તેમના પાસેથી 2 અંક મેળવવા માગશે. આપણે ગિફ્ટમાં પાકિસ્તાનને 2 અંક ન આપી શકીએ.

જણાવી દઈએ કે 2008માં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. બંને ટીમો વચ્ચે છેલ્લી સીરીઝ 2012માં રમાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...