એક ભારતીયે PAK ખેલાડીને દોડતો કર્યો:ફેફસાંમાં દુ:ખાવો થતાં ICUમાં દાખલ હતો, ભારતીય ડોકટરે મેચ પહેલાં સ્વસ્થ કરી દીધો

18 દિવસ પહેલા

પાકિસ્તાની ટીમના વિકેટકીપર બેટર મોહમ્મદ રિઝવાન ફેફસાંમાં ઈન્ફેક્શનના કારણે હોસ્પિટલમાં દાખલ હતો. તે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ મેચની 2 રાત પહેલા ICUમાં સારવાર હેઠળ હતો. તેવામાં એક ભારતીય ડોકટર સાહીર સૈનાલબદીને આ વિસ્ફોટક ક્રિકેટરને સાજો કરી દીધો હતો. રિઝવાન જ્યારે સંપૂર્ણપણે સ્વસ્થ થયો ત્યારે તેણે ભારતીય ડોકટરને જર્સી ભેટમાં આપી હતી.

લોકો સામાન્ય રૂપે 5-7 દિવસમાં સાજા થાય છે
સાહિર સૈનલબાદીને ખલીજ ટાઈમ્સને કહ્યું, 'રિઝવાન કોઈપણ કિંમતે ઓસ્ટ્રેલિયા સામે મેચ રમવા માગતો હતો. આ મુદ્દે તે પહેલાથી ખૂબ જ દ્રઢ આત્મવિશ્વાસ ધરાવતો હતો. તે જે ઝડપે સ્વસ્થ થયો છે તેનાથી હું આશ્ચર્યચકિત છું. સેમીફાઇનલ પહેલા જે રીતે રીઝવાને રિકવરી અને ફિટનેસ હાંસલ કરી હતી, તે અપેક્ષાઓથી ઝડપી હતી. આ પ્રમાણે ચેપ લાગ્યો હોય તેવા દર્દીને સામાન્ય રીતે કોઈ વ્યક્તિને સાજા થવામાં 5-7 દિવસ લાગે છે.

સતત પીડા અને સમસ્યાના કારણે ICUમાં ખસેડાયો
સાહીરે વધુમાં જણાવ્યું હતું કે, 'રિઝવાન હોસ્પિટલમાં દાખલ થયો તે પહેલા 3-5 દિવસથી તૂટક તૂટક તાવ, સતત ઉધરસ અને છાતીમાં જકડનની સમસ્યાથી પીડિત હતો. અમે તાત્કાલિક તેની સારવાર શરૂ કરી અને પેઈન કિલર દવા આપી હતી. હોસ્પિટલમાં દાખલ થતા સમયે, તેની પીડા 10/10 હતી. તેણે વધુમાં કહ્યું કે, 'સતતના દુખાવા અને સમસ્યાઓના કારણે તેને ICUમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. તેઓ અહીં લગભગ 35 કલાક રોકાયા હતા. પરંતુ આ સમયે પણ તેના મગજમાં એક જ વાત હતી કે મારે સેમીફાઈનલ મેચ રમવી જ છે.

શોએબ અખ્તરે તેને હિરો કહ્યો
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે રિઝવાનની ICUમાં સારવાર દરમિયાનની તસવીર શેર કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે શું તમે વિચારી શકો છો કે આ ખેલાડી દેશ માટે રમ્યો અને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું? તે છેલ્લા 2 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતો. તે પ્રશંસાને પાત્ર છે. આ એક હિરો છે.

સેમીફાઇનલ મેચમાં રિઝવાનની વિસ્ફોટક બેટિંગ
મોહમ્મદ રિઝવાને સેમીફાઇનલ મેચમાં 52 બોલમાં 67 રન કર્યા હતા. આ દરમિયાન તેણે 4 છગ્ગા અને 3 ચોગ્ગા માર્યા હતા. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 176 રન કર્યા હતા. જેમાં રિઝવાને પહેલી વિકેટ માટે બાબર આઝમ સાથે 71 રન અને બીજી વિકેટ માટે રિઝવાને ફખર સાથે 72 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી. આ બંને પાર્ટનરશિપની સહાયથી ટીમ એક સન્માનજનક સ્કોર સુધી પહોંચી હતી.

એક કેલેન્ડર વર્ષમાં 1 હજાર રન કરનારો પહેલો ખેલાડી
મોહમ્મદ રિઝવાને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સેમીફાઇનલ મેચમાં એક મોટો રેકોર્ડ પોતાને નામ કર્યો હતો. તે T20i ફોર્મેટમાં એક કેલેન્ડર વર્ષમાં 1 હજાર રન કરનારો દુનિયાનો પહેલો ખેલાડી બની ગયો છે.

અન્ય સમાચારો પણ છે...