હાર બાદ દિગ્ગજોની પ્રતિક્રિયા:માઈકલ વોને કહ્યું વિદેશી લીગમાં રમો; સારો અનુભવ મળશે, ટીમ ઈન્ડિયા પાસે ટૂર્નામેન્ટમાં રમવાની માનસિક ક્ષમતા જ નથી- ગંભીર

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

વિરાટ સેનાની સતત બીજી હાર બાદ ગૌતમ ગંભીર સહિત ઇંગ્લિશ ખેલાડી પણ ટીમને સલાહ આપતા જોવા મળ્યા હતા. ગંભીરે ટીમ ઈન્ડિયા સામે નિશાન સાધતા કહ્યું હતું કે ટેલેન્ટ અને સ્કિલ હોવા છતા અત્યારના ભારતીય ટીમના ખેલાડી માનસિક રૂપે તૈયાર નથી. તેઓ મોટી ટૂર્નામેન્ટમાં નિષ્ફળ જ રહે છે. વળી ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર માઈકલ વોને તો વિરાટ એન્ડ ટીમને વિદેશી લીગ રમવાની સલાહ આપી દીધી હતી. તો ચલો આપણે આવા જ કેટલાક દિગ્ગજ ક્રિકેટર્સના નિવેદનો પર નજર ફેરવીએ.....

ટૂર્નામેન્ટમાં રમવાની માનસિકતા અલગ હોય છે- ગૌતમ ગંભીર
ગૌતમ ગંભીરે ESPNcricinfo સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે ઈન્ડિયન ટીમ પાસે ટેલેન્ટ પણ છે, માન્યું તેમની સ્કિલ્સ વર્લ્ડ ક્લાસ છે. ભલે તમે દ્વિપક્ષીય સિરીઝમાં સારુ પ્રદર્શન કરો છો. પરંતુ ટૂર્નામેન્ટમાં રમવાની માનસિકતા અલગ હોય છે. આવી પરિસ્થિતિમાં ટીમે એકસાથે આક્રમક પ્રદર્શન દાખવી પોતાની ગેમને અલગ લેવલે મેદાનમાં ઉતારવાની જરૂર હોય છે. મને નથી લાગતું કે ટીમ ઈન્ડિયા પાસે આવી ટૂર્નામેન્ટમાં સારુ પ્રદર્શન કરવાની માનસિક ક્ષમતા છે.

ટીમને સપોર્ટ કરો....સપોર્ટ કરો...ના નારા ક્યાં સુધી- ગંભીર
ટીમ ઈન્ડિયા એક વિસ્ફોટક ટીમ છે. તે કોઈપણ ટીમને એના ઘરમાં હરાવવા માટે સક્ષમ છે. પરંતુ મોટી ICCની ટૂર્નામેન્ટમાં આ ટીમની માનસિકતા એટલી સારી રહેતી નથી. તેઓ વારંવાર નિર્ણાયક મેચમાં ધબડકો કરે છે. આવી પરિસ્થિતિમાં ટીમને સપોર્ટ કરો...સપોર્ટ કરો...ના નારા ક્યાં સુધી લગાવશો. કોઈએ તો આની જવાબદારી લેવી પડશે.

વિદેશી લીગમાં રમવાનું શરૂ કરો, સારો અનુભવ મળશે- માઈકલ વોન
BCCI અત્યારે કોઈપણ ઈન્ડિયન પ્લેયરને વિદેશી લીગમાં રમવાની અનુમતિ આપી રહ્યું નથી. જેના પરિણામે માઈકલ વોને વિરાટ સેના પર નિશાન સાધતા કહ્યું હતું કે ઈન્ડિયાએ વિદેશી લીગમાં રમવા જવાની જરૂર છે. આવી લીગમાંથી તમને ઘણો સારો અનુભવ મળશે.

ટીમે ટેલેન્ટ પ્રમાણે ઘણી ઓછી ઉપલબ્ધી મેળવી છે- માઈકલ વોન
માઈકલ વોને વધુમાં જણાવ્યું હતું કે આજે હું પ્રામાણિકતાથી કહી રહ્યો છું કે ઈન્ડિયન ટીમમાં ઘણાં ટેલેન્ટેડ પ્લેયર્સ હોવા છતા વ્હાઈટ બોલ ક્રિકેટમાં ઓછી ઉપલબ્ધી મેળવી છે. ટૂર્નામેન્ટની શરૂઆતમાં અને વોર્મઅપ મેચમાં જેવી રીતે ઈન્ડિયન ટીમે પ્રદર્શન દાખવ્યું હતું એને જોતા આ ટીમ વર્લ્ડ કપ જીતવાની પ્રબળ દાવેદાર ગણાતી હતી. પરંતુ જેવી રીતે તેને સુપર-12ની મેચ રમી એને જોતા ટીમ સામે ઘણા સવાલ ઉઠવા વ્યાજબી છે.

કેવિન પીટરસને હિંદીમાં ટ્વીટ કરી સંદેશ આપ્યો
ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર કેવિન પીટરસને હિંદી ભાષામાં ટ્વિટ કરીને લખ્યું હતું કે ગેમમાં એક વિજેતા ટીમ હોય છે અને એક હારી જનારી ટીમ હોય છે. કોઈપણ ખેલાડી હારવા માટે મેદાનમાં નથી ઉતરતો. આવી ટૂર્નામેન્ટમાં વિશ્વસ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરવું ઘણા ગર્વની વાત છે. મહેરબાની કરી તમે પણ એ વાતને જાણો અને અનુભવો કે ખેલાડીઓ રોબોટ નથી, તેમને સતત સમર્થનની આવશ્યકતા છે.

તમે શું જણાવા માગો છો કે રોહિત લેફ્ટ આર્મ બોલિંગ નથી રમી શકતો?- સુનીલ ગાવસ્કર
ઈન્ડિયન ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર ગાવસ્કરે કહ્યું કે મને એ જાણવું છે કે ટીમને નિષ્ફળતાનો ભય હતો કે શું? રોહિતને ઓપન કરવા કેમ ના મોકલ્યો? ઈશાન કિશન જેવા યુવા ખેલાડીથી ઈનિંગ શરૂ કરવાનો નિર્ણય મારા સમજણની બહાર છે. ઈશાન હિટ અથવા મિસ જેવો ખેલાડી છે. તેવામાં રોહિતને ઓપનિંગ કરવા ના ઉતારી તમે શું એવુ જણાવા માગો છો કે તે બોલ્ટ વિરૂદ્ધ સારી બેટિંગ નહીં કરી શકે.

રોહિત વર્ષોથી ઓપનિંગ કરે છે અને વિસ્ફોટક પ્રદર્શન દાખવે છે. તમે એના બેટિંગ ઓર્ડરમાં ફેરફાર ન કરી શકો. તેવામાં ઉલ્લેખનીય છે કે જો ઈશાન કિશન 70 રન કરીને આઉટ થયો હોત તો બધા એની પ્રશંસા કરતા હોત પરંતુ રોહિતના સ્થાને એને રમાડ્યો એ વાત તદ્દન વ્યાજબી જણાતી નથી.

સહેવાગે ટીમ ઈન્ડિયાની બોડી લેન્ગ્વેજ સામે સવાલ ઉઠાવ્યા
વીરેન્દ્ર સહેવા કહ્યું કે ટીમ ઈન્ડિયાથી હું ઘણો નિરાશ થયો છું. ન્યૂઝીલેન્ડનું પ્રદર્શન ઘણું સારુ રહ્યું હતું. ઈન્ડિયન ટીમના ખેલાડીની બોડી લેન્ગ્વેજને જોઈને હું ઘણો અચંબિત છું. ઈન્ડિયન ટીમના ખેલાડીએ ખરાબ શોટ રમ્યા અને ભૂતકાળમાં જે ઈતિહાસ રહ્યો એ ફરીથી આ મેદાનમાં પરિણમ્યો. ન્યૂઝીલેન્ડે ફરી એકવાર ભારતને નિર્ણાયક મેચમાં હારનો સ્વાદ ચખાડ્યો હતો. આ હાર ભારતને ઘણી ઈજા પહોંચાડશે અને હવે અત્મમંથન કરવાનો સમય આવી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...