14 વર્ષનો ઈતિહાસ સાક્ષી છે...:વર્લ્ડ કપમાં જ્યારે જ્યારે ઈન્ડિયાની ટક્કર પાકિસ્તાન સાથે થઈ ત્યારે ત્યારે PAKએ કારમી હારનો સામનો કર્યો છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

T-20 વર્લ્ડ કપમાં બે કટ્ટર પ્રતિદ્વંદ્વી ઈન્ડિયા અને પાકિસ્તાન છેલ્લાં 9 વર્ષમાં 5 વાર સામસામે આવ્યા છે. આ પાંચેય મેચમાં ઈન્ડિયન ટીમે વિસ્ફોટક પ્રદર્શન દાખવી પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી છે. એવામાં 24 ઓક્ટોબરે ફરીથી આ બંને દેશ વચ્ચે મહાસંગ્રામ રમાવા જઈ રહ્યો છે. તો ચલો, આપણે આ મેચ પહેલાં T-20 વર્લ્ડ કપની એ પાંચ મેચ પર નજર ફેરવીએ, જેમાં ઈન્ડિયન ટીમનું પલડું ભારે રહ્યું હતું.

પહેલી મેચ- ઈન્ડિયા v/s પાકિસ્તાન 14 સપ્ટેમ્બર 2007 ડરબન
T-20 વર્લ્ડ કપની પહેલી ટૂર્નામેન્ટ 2007માં રમાઈ હતી. આ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં હતા. આ બંને ટીમ વચ્ચેની મેચ રસાકસીભરી રહી હતી, જેમાં પહેલા બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ 141 રન કર્યા હતા. એવામાં ટાર્ગેટ ચેઝ કરતા પાકિસ્તાને પણ એટલા જ રન કર્યા હતા અને મેચ ટાઈ રહી હતી.

ત્યાર પછી મેચનું પરિણામ બોલ-આઉટ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું, જેમાં ઈન્ડિયન ટીમ તરફથી વિરેન્દ્ર સેહવાગ, હરભજન સિંહ અને રોબિન ઉથપ્પાએ ત્રણ થ્રો કર્યા હતા. એમાં ત્રણેય થ્રો વિકેટ હિટ કરી ગયા હતા. પાકિસ્તાન તરફથી ત્રણ થ્રો પણ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમનો એકપણ થ્રો વિકેટને હિટ કરી શક્યો નહોતો અને ટીમ ઇન્ડિયાએ મેચ જીતી લીધી હતી.

બીજી મેચ- ઈન્ડિયા v/s પાકિસ્તાન, 24 સપ્ટેમ્બર 2007- જોહાનિસબર્ગ
ગ્રુપ મેચ પછી આ બંને ટીમની ટક્કર પહેલું વર્લ્ડ કપ ટાઈટલ જીતવા માટે ફાઇનલમાં થઈ હતી, જેમાં ઈન્ડિયન ટીમે ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી હતી. આ ઈનિંગમાં ગૌતમ ગંભીરે 54 બોલમાં 75 રનની આક્રમક ઈનિંગ રમીને સારી શરૂઆત આપી હતી. વળી, ઈન્ડિયન સ્કોરને ફિનિશિંગ ટચ આપવા માટે રોહિત શર્માએ 8 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 16 બોલમાં 30 રનની મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. આ બંને બેટર્સની વિસ્ફોટક ઈનિંગને પરિણામે ઈન્ડિયન ટીમે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 157 રન કર્યા હતા.

ઈન્ડિયાએ સેટ કરેલો ટાર્ગેટ ચેઝ કરવા માટે પાકિસ્તાનની ટીમે 77 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ મિસ્બાહ ઉલ હકે એક એન્ડ સંભાળી રાખી પાકિસ્તાનને જીત સુધી દોરી જતી મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. એવામાં મિસ્બાહ 43 રન કરી આઉટ થઈ ગયો હતો અને ઈન્ડિયન ટીમે આ મેચ 5 રનથી જીતી લીધી હતી. આની સાથે ઈન્ડિયાએ પહેલો T-20 વર્લ્ડ કપ પણ પોતાને નામ કર્યો હતો.

ત્રીજી ઈન્ડિયા v/s પાકિસ્તાન, 30 સપ્ટેમ્બર 2012- કોલંબો
2012ના T-20 વર્લ્ડ કપનું આયોજન શ્રીલંકામાં થયું હતું. ત્યારે ઈન્ડિયાએ પાકિસ્તાન સામેની એકતરફી મેચને 8 વિકેટથી જીતી પોતાની આગવી છાપ છોડી હતી. આ મેચમાં પાકિસ્તાને પહેલા બેટિંગ કરતાં માત્ર 128 રન કર્યા હતા. ઈન્ડિનય ટીમના પેસર લક્ષ્મીપતિ બાલાજીએ 3 વિકેટ ઝડપીને પાકિસ્તાનના બેટિંગ ઓર્ડરની કમર તોડી નાખી હતી. ત્યાર પછી સ્કોર ચેઝ કરવા ઊતરેલી ઈન્ડિયન ટીમના બેટર વિરાટ કોહલીએ 61 બોલમાં 78 રન કરી મેન ઓફ ધ મેચના અવોર્ડ સાથે મેચ જિતાડવામાં ટીમમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

ચોથી મેચ- ઈન્ડિયા v/s પાકિસ્તાન, ઢાકા 21 માર્ચ 2014
ઈન્ડિયન ટીમ માટે આ મેચ પણ એકતરફી સાબિત થઈ હતી. પાકિસ્તાને પહેલા બેટિંગ કરતાં આ મેચમાં 20 ઓવરમાં માત્ર 130 રન કર્યા હતા, જેમાં અમિત મિશ્રાએ શાનદાર બોલિંગ કરીને 1 મેડન ઓવર સાથે 22 રન આપી 2 વિકેટ લઈને પાકિસ્તાનના બેટર્સને મુશ્કેલીમાં મૂક્યા હતા. કોહલી આ રનચેઝમાં ફરી એકવાર 36 રનની ઈનિંગ રમી ઈન્ડિયન ટીમને જીત સુધી દોરી ગયો હતો.

5મી મેચ ઈન્ડિયા v/s પાકિસ્તાન, 19 માર્ચ 2016 કોલકાતા
2016 વર્લ્ડ કપમાં ઈન્ડિયન ટીમની ટક્કર કોલકાતામાં પાકિસ્તાન સામે થઈ હતી. જોકે આ મેચમાં પણ પાકિસ્તાનનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું, તેમણે 20 ઓવરમાં 118 રન કર્યા હતા. જોકે ટીમ ઈન્ડિયાને પણ શરૂઆતમાં રન ચેઝ કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

મોહમ્મદ આમિર અને મોહમ્મદ સામીએ બેક ટુ બેક ઈન્ડિયન ટીમની 3 વિકેટ ઝડપી લીધી હતી, પરંતુ વિરાટ કોહલીએ આ મેચમાં પણ 37 બોલમાં 55 રન કરી ઈન્ડિયન ટીમની જીતમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેણે પોતાની વિસ્ફોટક ઈનિંગ દરમિયાન 7 ચોગ્ગા અને 1 છગ્ગા મારીને પાકિસ્તાની બોલર્સનો લય બગાડી દીધો હતો. ઈન્ડિયન ટીમે આ મેચ 6 વિકેટથી જીતી લીધી હતી અને આ મેચમાં પણ કોહલીને મેન ઓફ ધ મેચનો અવોર્ડ મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...