આજે ઈન્ડિયાએ મોટા માર્જીનથી જીતવું જ પડશે:5 ફેક્ટરમાં સમજો કેવી રીતે અફઘાનિસ્તાનને મોટા માર્જીનથી હરાવી શકે છે ટીમ ઈન્ડિયા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ટી-20 વર્લ્ડકપમાં સતત બે હાર હાર્યા બાદ આજે ટીમ ઈન્ડિયાનો મુકાબલો અફઘાનિસ્તાન સામે થશે. પાકિસ્તાને પ્રથમ મેચમાં ભારતને હરાવ્યું હતું જ્યારે બીજી મેચમાં ન્યૂઝીલેન્ડે હરાવ્યું હતું. હવે ટીમને સેમિ ફાઈનલમાં પ્રવેશવા માટે આજની મેચ જીતવી પડશે. ટીમે એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે તેઓ મોટા અંતરથી જીતે. વિરાટની સેના જો આજની મેચ હારી જશે તો વર્લ્ડ કપમાંથી સંપૂર્ણપણે બહાર થઈ જશે.

જ્યારે અફઘાનિસ્તાનની વાત કરીએ તો આ મેચમાં તે જીતવાનો સંપૂર્ણ પ્રયત્ન કરશે. પાકિસ્તાન સામેની મેચમાં અફઘાન ખેલાડીઓએ બાબરની ટીમની હાલત ખરાબ કરી દીધી હતી. છેલ્લી ઓવરોમાં આસિફ અલીની શાનદાર બેટિંગના કારણે પાકિસ્તાન જીત્યું હતું બાકી પૂરી મેચ દરમિયાન અફઘાનિસ્તાન મેચમાં હતું. અમે તમને આજની મેચમાં એવા 5 પરિબળો વિશે જણાવીએ છીએ જે ટીમ ઈન્ડિયાને અફઘાનિસ્તાન સામે મોટી જીત અપાવી શકે છે.

રોહિત શર્માને ઓપનિંગ કરવા ઉતારો
ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે પોતાના બેટિંગ ક્રમમાં મોટો ફેરફાર કર્યો હતો. ઓપનર તરીકે રોહિત શર્માના સ્થાને ઇશાન કિશનને ઉતાર્યો હતો. તે મેચમાં રોહિત ત્રીજા નંબર અને કેપ્ટન વિરાટ કોહલીએ નંબર ચાર પર બેટિંગ કરી હતી. આ ફેરફારને કારણે ટીમને મોટું નુકસાન થયું હતું. ભારતીય ટીમનો ટોપ ઓર્ડર સંપૂર્ણપણે ફ્લોપ રહ્યો હતો. ભારતીય ટીમ આજની મેચમાં આ ભૂલ કરવા માંગશે નહીં. રોહિત પીચ પર રોકાયા પછી કોઈપણ બોલરનું ફોર્મ બગાડી શકે છે. જ્યારે પણ રોહિતે 2018થી અત્યાર સુધી 50થી વધુ રન બનાવ્યા છે ત્યારે ટીમ ઇન્ડિયાએ 198ની એવરેજ બનાવી છે. આજની મેચમાં રોહિતની બેટિંગ ખૂબ જ મહત્ત્વની છે. ટીમ ઇન્ડિયા ફરી બેટિંગ ઓર્ડર બદલવાનું જોખમ લેવા માંગશે નહીં.

અફઘાનિસ્તાનની ફિરકીથી બચવું પડશે
ટી-20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની ટીમની સૌથી મજબૂત પક્ષ તેમની સ્પિન બોલિંગ છે. 20 ઓવરમાં તેમની 12 ઓવર રાશિદ ખાન, મોહમ્મદ નબી અને મુજીબ ઉર રહેમાનની છે. આ 12 ઓવરોને રમવી ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો પડકાર રહેશે. છેલ્લા એક વર્ષમાં ભારતીય બેટ્સમેનોનું પ્રદર્શન સ્પિન બોલરો સામે ખૂબ જ નબળું રહ્યું છે. ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં અમે જોયું કે કેવી રીતે ઈશ સોઢીએ પોતાના સ્પિન પર ટીમ ઇન્ડિયાના બેટ્સમેનોને હંફાવ્યા હતાં. ભારતીય ટીમ આજની મેચમાં ફરી તે ભૂલનું પુનરાવર્તન કરવા માંગશે નહીં. ટીમમાં સૂર્યકુમાર યાદવ એવા બેટ્સમેન તરીકે છે જેણે છેલ્લા એક વર્ષમાં આઇપીએલ અને ટી-૨૦ ઈન્ટરનેશનલમાં સ્પિન બોલિંગ સારી રીતે રમી છે. આ એક વર્ષમાં સ્પિન સામેનો તેનો સ્ટ્રાઇક રેટ 143 રહ્યો છે. જો આ ખેલાડીને આજની મેચમાં તક મળશે તો તેની પાસેથી ઘણી અપેક્ષાઓ રહેશે.

પાવરપ્લેમાં સારી બોલિંગ જરુરી
ટીમ ઇન્ડિયાના બોલરોએ તેમની બે ટી-20 વર્લ્ડ કપ મેચમાં માત્ર 2 વિકેટ ઝડપી છે. ઓપનિંગ ઓવરમાં ભારતીય બોલરોનું પ્રદર્શન છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ નબળું રહ્યું છે. છેલ્લી 17 મેચમાં ટીમ ઈન્ડિયાએ પાવરપ્લેમાં એક થી વધુ વિકેટ માત્ર એક જ વખત લીધી છે. જસપ્રિત બુમરાહને બાદ કરતાં આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી કોઈ બોલરે પોતાની છાપ છોડી નથી. ભારતીય ટીમના સ્પિન બોલરોએ હજુ વિકેટનું ખાતું ખોલ્યું નથી. આવી સ્થિતિમાં અફઘાનિસ્તાન સામેની મેચમાં બોલરોએ સારો દેખાવ કરવો પડશે.

ટોપ ઓર્ડરને સારુ પ્રદર્શન કરવું પડશે
ટી-20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાનો ટોપ ઓર્ડર સંપૂર્ણ રીતે ફ્લોપ રહ્યો છે. શાહીન શાહ આફ્રિદીએ રાહુલ અને રોહિતને પાકિસ્તાન સામે આઉટ કર્યા તે કોણ ભૂલી શકે? ન્યૂઝીલેન્ડ સામે પણ ટીમ ઈન્ડિયાનો ટોપ ઓર્ડર ખાસ કંઈ કરી શક્યો નથી. વર્લ્ડ કપ પહેલા શાનદાર ફોર્મમાં રહેલો કે.એલ.રાહુલ બીજી મેચમાં પણ સંપૂર્ણ રીતે ફ્લોપ રહ્યો હતા. રોહિત શર્માને લાઈફલાઈન મળી હતી પરંતુ તેનો ફાયદો ઉઠાવી શક્યો ન હતો.

પાકિસ્તાન સામે શાનદાર અડધી સદી ફટકારનાર વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડ સામે બેટિંગ કરી શક્યો નથી. રોહિત શર્માના સ્થાને ઓપનર તરીકે મોકલવામાં આવેલા ઇશાન કિશને પણ નિરાશ કર્યા હતા. આજની મેચમાં ટોપ ઓર્ડરને ગમે તે સંજોગોમાં પોતાનું ખોવાયેલું ફોર્મ મેળવવું પડશે.

મિડલ ઓર્ડરને પણ સારુ પ્રદર્શન કરવું પડશે
ટોપ ઓર્ડરની સાથે-સાથે ટીમ ઈન્ડિયાનું મિડલ ઓર્ડર પણ ખાસ કઈ કરી શક્યું નથી. ટીમની સૌથી મોટી સમસ્યા હાર્દિક પંડ્યાનું ફોર્મ અને ફિટનેસ છે. રિષભ પંતને પાકિસ્તાન સામે સારી શરૂઆત મળી હતી પરંતુ તે મોટી ઈનિંગ રમી શક્યો ન હતો. ન્યૂઝીલેન્ડ સામે તે સંપૂર્ણપણે ફ્લોપ રહ્યો હતો. સૂર્યકુમાર યાદવ આજે મિડલ ઓર્ડરમાં પાછો ફરે તેવી શક્યતા છે. તે સ્પિન સારી રીતે રમે છે. તેના માટે આજે કરો યા મરો મુકાબલામાં ચાલવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

અન્ય સમાચારો પણ છે...