ટી-20 વર્લ્ડ કપ 2012ની 37મી મેચમાં ભારતીય ટીમ સાંજના 7.30 કલાકે સ્કૉટલેન્ડ સામે ટકરાશે. આ મેચ દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. અફઘાનિસ્તાનને 66 રને હરાવ્યા બાદ ભારતે સ્કૉટલેન્ડને પણ મોટા અંતરથી હરાવવું જરૂરી છે. અફઘાનિસ્તાન સામે ભારતીય ઓપનર બેટર્સ રોહિત શર્મા અને લોકેશ રાહુલે પ્રથમ વિકેટ માટે 140 રનની રેકોર્ડ ભાગીદારી કર્યા બાદ રિષભ પંત અને હાર્દિક પંડ્યાએ પણ વિસ્ફોટક ઈનિંગ્સ રમી હતી. બીજી તરફ બોલિંગમાં મોહમ્મદ શમીએ 2 વિકેટ જ્યારે ટીમમાં 4 વર્ષથી વધુના સમય બાદ કમબેક કરનાર અશ્વિને 2 વિકેટ ઝડપી હતી. સ્કૉટલેન્ડ વિરુદ્ધની મેચમાં ભારતીય ટીમમાં ફેરફારની શક્યતા નહિવત્ છે.
ભારતીય ટીમને સ્કૉટલેન્ડને હળવાશથી લેવું ભારે પડી શકે છે. સ્કૉટલેન્ડે ગત મેચમાં ન્યૂઝીલેન્ડને મજબૂત ટક્કર આપી હતી અને માત્ર 16 રનના અંતરથી જ મેચ હારી હતી. સ્કૉટલેન્ડે પોતાના પ્રદર્શનથી સૌને પ્રભાવિત કર્યા હતા. સ્કૉટલેન્ડ તરફથી માઈકલ લિસ્કે 20 બોલમાં અણનમ 42 રનની ઈનિંગ્સ રમી હતી. આ ઉપરાંત ટીમ પાસે મુન્સે, ક્રોસ અને બેરિંગ્ટન જેવા બેટર છે, જ્યારે કેપ્ટન કોએત્ઝરનું ફોર્મ ટીમ માટે ચિંતાનો વિષય છે. બીજી તરફ બોલિંગમાં શફિયાન શરીફ, વૉટ અને વ્હિલ પણ શાનદાર લયમાં છે.
નામિબિયા સામે સરળ જીત મેળવવા ઉતરશે કિવી ટીમ
શુક્રવારે પ્રથમ મુકાબલામાં ન્યૂઝીલેન્ડનો સામનો નામિબિયા સામે થશે. ગત મેચમાં 93 રનની ઈનિંગ્સ રમનાર ગુપ્ટિલ આ મેચમાં પણ મોટી ઈનિંગ્સ રમી શકે છે. જ્યારે બોલ્ટ, સોઢી સહિતના બોલર્સ પણ સારી લયમાં છે. બપોરે 3.30થી શરૂ શારજાહ ખાતે રમાનારી આ મેચમાં ન્યૂઝીલેન્ડ સરળ અને મોટી જીત મેળવવાના ઈરાદે મેદાને ઉતરશે. નામિબિયાએ અત્યારસુધીની 3 મેચમાંથી 2 માં હારનો સામનો કર્યો છે, જ્યારે 1 મેચમાં તેને જીત મળી છે. નામિબિયા સેમિફાઈનલની રેસમાં નથી. તેથી તે પોતાના પ્રદર્શનથી વર્લ્ડ કપમાંથી માનભેર વિદાય લેવા માગશે. નામિબિયા તરફથી વિસે, ફ્રાઈલિન્ક અને રૂબેન ટ્રમ્પેલમેનના પ્રદર્શન પર રહેશે નજર.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.