મેચ વિનર્સ અથડાયા:19મી ઓવરમાં હાર્દિકનો કેચ છૂટ્યો, પંડ્યા અને શહેઝાદ વચ્ચે જોરદાર ટક્કર; અફઘાની ખેલાડી ગલોટિયા ખાઈ પડી ગયો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

T-20 વર્લ્ડકપ 2021માં અફઘાનિસ્તાન વિરૂદ્ધ મેચની 19મી ઓવરમાં હાર્દિક પંડ્યા સાથે જોવાજેવી થઈ હતી. આ ઓવરના પહેલા બોલ પર જ હાર્દિકનો કેચ છૂટ્યો અને શહેઝાદ સાથે જોરદાર ટક્કર પણ થઈ હતી. ઉલ્લેખનીય છે કે ભારતે આ મેચમાં ટોસ હારી પહેલા બેટિંગ કરતા 210 રન કર્યા હતા. જેમાં બંને ઓપનર્સના આઉટ થયા પછી પંડ્યા અને પંતની જોડીએ મહત્ત્વપૂર્ણ રન સ્કોરબોર્ડમાં જોડ્યા હતા. તો ચલો આપણે આ રોમાંચક ઓવર પર એક નજર ફેરવીએ.....

19મી ઓવરમાં થઈ જોવાજેવી
18 ઓવર સુધી ટીમનો સ્કોર 175/2 હતો, આ દરમિયાન હાર્દિક પંડ્યાએ પહેલા બોલ પર લોફ્ટેડ શોટ માર્યો હતો. પરંતુ નવીન ઉલ હકના બેક ઓફ લેન્થ બોલ પર હાર્દિક બરાબર શોટ ટાઈમ ન કરી શકતા ટોપ એડ્જ વાગી હતી. જે કેચ લોન્ગ ઓફના ફિલ્ડર નજીબુલ્લાહે ડ્રોપ કરી દેતા પંડ્યાને જીવનદાન મળ્યું હતું.

જોકે આ દરમિયાન હાર્દિકે 2 રન ભાગી લીધા હતા. તેવામાં પંડ્યા જ્યારે બીજો રન પૂરો કરવા ક્રિઝમાં પહોંચ્યો ત્યારે અફઘાનિસ્તાનનો વિકેટકીપર તેની અડફેટે આવ્યો હતો. હાર્દિક ઝડપથી રન પૂરો કરવા ક્રિઝમાં ધસી આવતા અફઘાની ખેલાડી ટક્કરની સાથે જ ગલોટિયા ખાઈ પડી ગયો હતો.

શહેઝાદ સ્તબ્ધ થઈ ગયો, હાર્દિક હેલ્મેટ કાઢી હસતો રહ્યો
બંને વચ્ચે જોરદાર ટક્કર થતા શહેઝાદ બે ઘટી સ્તબ્ધ થઈ ગ્રાઉન્ડ પર જ બેસી રહ્યો હતો. વળી બીજી બાજુ હાર્દિક પંડ્યા પણ હેલ્મેટ કાઢી ઘૂંટણીયે બેસી જતા બંને ટીમના ખેલાડી ચિંતામાં મુકાઈ ગયા હતા. ખેલાડીઓને ઈજા પહોંચી છે કે નહીં એ ચકાસવા ટીમના ફિઝિયો પણ મેદાનમાં ધસી આવ્યા હતા. જોકે આ ટક્કર દરમિયાન બંનેમાંથી એકપણ ખેલાડીને ગંભીર ઈજા પહોંચી નહોતી.

ઈન્ડિયન ટીમ 200 પાર સ્કોર નોંધાવનારી આ વર્લ્ડ કપની પહેલી ટીમ

  • બંને ઓપનરના આઉટ થયા પછી હાર્દિક પંડ્યા અને પંતે બેટિંગની જવાબદારી સંભાળી હતી. આ દરમિયાન અબુધાબીમાં તેમણે વિસ્ફોટક બેટિંગ કરી ચોગ્ગા છગ્ગાનો વરસાદ કર્યો હતો.
  • હાર્દિક પંડ્યાએ 13 બોલમાં 35 રન તથા રિષભ પંતે 13 બોલમાં 27 રન કર્યા હતા.
  • પહેલી 2 મેચમાં ખરાબ પ્રદર્શન બાદ ઈન્ડિયન ટીમે આ મેચમાં 20 ઓવર દરમિયાન 2 વિકેટના નુકસાને 210 રન કર્યા હતા.
  • UAEમાં આયોજિત આ T-20 વર્લ્ડ કપમાં 200 રનના સ્કોરનો આંકડો પાર કરનારી પહેલી ટીમ બની વિરાટ સેના

બંને ઓપનર્સની વિસ્ફોટક ફિફ્ટી

  • કોહલી પછી રોહિત શર્મા T-20 ફોર્મેટમાં 9500+ રન કરનારો બીજો ભારતીય બન્યો.
  • રોહિતે T20iમાં 23મી અર્ધસદી અને રાહુલે 13મી અર્ઘસદી નોંધાવી.
  • 15મી ઓવરના ચોથા બોલ પર કવર્સમાં શોટ મારવા જતા રોહિત શર્મા આઉટ થયો હતો. અફઘાનિસ્તાની બોલર જનતે ફુલર લેન્થ બોલ પર હિટમેનને આઉટ કર્યો હતો.
  • રોહિતે 8 ચોગ્ગા અને 3 સિક્સ સાથે 47 બોલમાં 74 રન કર્યા હતા.
અન્ય સમાચારો પણ છે...