T-20 વર્લ્ડ કપની યાદો....:હાર્દિકનું 90 કિલોના શહેઝાદને ફંગોળવાથી લઈને ઓસ્ટ્રેલિયન પ્લેયર્સનું શૂઝ સેલિબ્રેશન, જાણો આ WCના રોમાંચક કિસ્સાઓ વિશે

14 દિવસ પહેલા

દુબઈમાં આયોજિત T-20 વર્લ્ડ કપ (WC)માં ઈન્ડિયન ટીમનું પ્રદર્શન ઘણુ નિરાશાજનક રહ્યું હતું, પરંતુ ઓસ્ટ્રેલિયાએ પહેલીવાર T-20 વર્લ્ડ કપ જીતવાનો સ્વાદ ચાખ્યો હતો. તેવામાં આ WC દરમિયાન ડિકોકનો વિવાદ, રિઝવાનના ડેડિકેશનથી લઈને કોનવેની સેલ્ફ ઈન્જરીના કિસ્સાઓ ચર્ચામાં રહ્યા હતા. તો ચલો જ્યાં સુધી 2022નો T20 વર્લ્ડ કપ આવતો નથી ત્યાં સુધી આપણે આ WCના આવાજ કેટલાક રસપ્રદ કિસ્સા પર નજર ફેરવીએ....

રોહિતનો રમૂજી અવતાર
મેદાનમાં આક્રમક બેટિંગ કરવાની વાત હોય કે પછી હળવા મજાકિયા મૂડમાં મસ્તી કરવાની, આ દરેક પાસામાં રોહિત શર્માનું નામ સૌથી પહેલા સામે આવે છે. કાલે પણ પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માએ જીતની ખુશીમાં પત્રકારો સાથે મસ્તી કરી હતી. તે જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લેવા આવ્યો ત્યારે કેટલા પત્રકાર બેઠા છે તે ગણવા લાગ્યો હતો.

પંડ્યા અને શહેઝાદ વચ્ચે જોરદાર ટક્કર
T-20 વર્લ્ડકપ 2021માં અફઘાનિસ્તાન વિરૂદ્ધ મેચની 19મી ઓવરમાં હાર્દિક પંડ્યા સાથે જોવાજેવી થઈ હતી. આ ઓવરના પહેલા બોલ પર જ હાર્દિકનો કેચ છૂટ્યો અને શહેઝાદ સાથે જોરદાર ટક્કર પણ થઈ હતી.

ઓસ્ટ્રેલિયન્સનું વિચિત્ર સેલિબ્રેશન
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વખત ટી-20 વર્લ્ડકપ ટાઇટલ પોતાને નામે કર્યો છે. ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે આઠ વિકેટે જીત મેળવ્યા બાદ ઓસ્ટ્રેલિયન ટીમના ડ્રેસિંગ રૂમમાં જશ્નનો માહોલ જામ્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમના ખેલાડીઓ જશ્નમાં તો એવા ડૂબી ગયા હતા કે પોતાના જ શૂઝમાં બિયર નાખીને ગટગટાવી રહ્યા હતા. ઓસ્ટ્રેલિયાના ડ્રેસિંગ રૂમમાં મનાવવામાં આવેલા જશ્નનો એક વીડિયો ICCએ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં મેથ્યુ વેડે પોતાના શૂઝ કાઢ્યા અને એમાં બિયર નાખીને ગટગટાવ્યો. ત્યાર બાદ માર્ક્સ સ્ટોયનિસે પણ શૂઝ લીધું હતું અને એમાં બિયર નાખીને પીધો હતો.

કર્ટિસ કેમ્ફરની બેક ટુ બેક 4 વિકેટ
T-20 વર્લ્ડ કપની ત્રીજી મેચ આયરલેન્ડ અને નેધરલેન્ડ વચ્ચે રમાઈ હતી. 9 ઓવર સુધી પહેલા બેટિંગ કરી રહેલી નેધરલેન્ડનો સ્કોર 50/2 હતો. તેવામાં આયરલેન્ડના બોલર કર્ટિસ કેમ્ફરે ઈનિંગની 10મી ઓવરમાં T-20 વર્લ્ડ કપ 2021ની ઐતિહાસિક ઓવર ફેંકી હતી. તેણે આ ઓવરનો પહેલો બોલ વાઈડ ફેક્યો હતો, જ્યારે ત્યારપછીનો (9.1) ડોટ બોલ રહ્યો હતો.

કેમ્ફરે બીજા બોલથી નેધરલેન્ડના બેટિંગ ઓર્ડરની કમર તોડી નાંખી હતી.

  • ઓવર 9.2- કેમ્ફરે નેધરલેન્ડના એકરમેનને પેવેલિયન ભેગો કર્યો. તેણે 16 બોલમાં 11 રન કર્યા હતા.
  • ઓવર 9.3- કેમ્ફરે નેધરલેન્ડના ટેન ડેસ્કાટાને (LBW) આઉટ કરી પેવેલિયન ભેગો કર્યો હતો.
  • ઓવર 9.4- કેમ્ફરે નેધરલેન્ડના સ્કોટ એડવર્ડ્સને (LBW) પેવેલિયન ભેગો કર્યો.
  • ઓવર 9.5 કેમ્ફરે નેધરલેન્ડના વેન ડર મર્વને આઉટ કરી સતત 4 બોલમાં 4 વિકેટ ઝડપી હતી.
  • જોકે આ ઓવરનો છેલ્લો બોલ તેણે નેધરલેન્ડના સિલાર ફેંક્યો હતો, જેમાં સિલારે સિંગલ લીધો હતો.

ક્વિંટન ડિકોક વિવાદ
ટી-20 વર્લ્ડકપમાં વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ સાઉથ આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડિકોક નહોતો રમ્યો. સાઉથ આફ્રિકી ક્રિકેટ બોર્ડે પોતાના પ્લેયર્સને મેચ અગાઉ રંગભેદ વિરુદ્ધના આંદોલનમાં સામેલ થવાનું કહ્યું હતું, પરંતુ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ડિકોકે અંગત નિર્ણય લઈને આવું કરવાની મનાઈ કરી હતી. આ બાબત પર તે ટ્રોલ થયો હતો અને હવે તેને માફી માગવી પડી છે. ડિકોકે કહ્યું હતું કે આવનારી મેચોમાં તે ઘૂંટણ પર બેસવા તૈયાર છે.

ડિકોકે કહ્યું હતું, હું મારા સાથીઓ અને પ્રશંસકોને સોરી કહીને શરૂઆત કરવા માગીશ. હું ક્યારેય આને મુદ્દો બનાવવા નહોતો માગતો. હું રંગભેદ વિરુદ્ધની લડાઈના મહત્ત્વને સમજુ છું. હું એક ખેલાડી તરીકે મારી જવાબદારીને સમજુ છું. જો હું ઘૂંટણ પર બેસીને રંગભેદની વિરુદ્ધ બીજાને શિક્ષિત કરી શકતો હોઉં અને એનાથી કોઈનું જીવન સારું થઈ શકતું હોય તો મને આવું કરવામાં ખૂબ ખુશી થશે.

સેમીફાઇનલમાં કોનવેએ બેટ પર મુક્કો માર્યો, હાથ તૂટી ગયો
ન્યૂઝીલેન્ડનો વિકેટ કીપર બેટર ડેવોન કોનવે T-20 વર્લ્ડ કપ ફાઇનલમાંથી બહાર થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે ડેવોન કોનવેએ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ સેમીફાઈનલમાં આઉટ થયા બાદ બેટ પર જોરદાર મુક્કો માર્યા હતો. તેની આવી ઊગ્ર પ્રતિક્રિયા કોનવેને ઘણી મોંઘી પડી હતી અને જેથી તેને મહત્ત્વપૂર્ણ મેચથી બહાર ફેંકાઈ ગયો છે. એટલું જ નહીં ડેવોન કોનવે ઈન્ડિયન ટૂરમાંથી પણ બહાર થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે ડેવોન કોનવે જેવા બેટર વિના ફાઇનલ રમવા ઉતરેલી કીવી ટીમને મોટો ફટકો પડ્યો હતો. જેના પરિણામે NZને ઓસ્ટ્રેલિયા સામે 8 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.

રિઝવાનની ICUથી મેદાન સુધીની સફર
પાકિસ્તાની ટીમના વિકેટકીપર બેટર મોહમ્મદ રિઝવાન ફેફસાંમાં ઈન્ફેક્શનના કારણે હોસ્પિટલમાં દાખલ હતો. તે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સેમીફાઇનલ મેચની 2 રાત પહેલા ICUમાં સારવાર હેઠળ હતો. તેવામાં એક ભારતીય ડોકટર સાહીર સૈનાલબદીને આ વિસ્ફોટક ક્રિકેટરને સાજો કરી દીધો હતો. રિઝવાન જ્યારે સંપૂર્ણપણે સ્વસ્થ થયો ત્યારે તેણે ભારતીય ડોકટરને જર્સી ભેટમાં આપી હતી.

લોકો સામાન્ય રૂપે 5-7 દિવસમાં સાજા થાય છે
સાહિર સૈનલબાદીને ખલીજ ટાઈમ્સને કહ્યું, 'રિઝવાન કોઈપણ કિંમતે ઓસ્ટ્રેલિયા સામે મેચ રમવા માગતો હતો. આ મુદ્દે તે પહેલાથી ખૂબ જ દ્રઢ આત્મવિશ્વાસ ધરાવતો હતો. તે જે ઝડપે સ્વસ્થ થયો છે તેનાથી હું આશ્ચર્યચકિત છું. સેમીફાઇનલ પહેલા જે રીતે રીઝવાને રિકવરી અને ફિટનેસ હાંસલ કરી હતી, તે અપેક્ષાઓથી ઝડપી હતી. આ પ્રમાણે ચેપ લાગ્યો હોય તેવા દર્દીને સામાન્ય રીતે કોઈ વ્યક્તિને સાજા થવામાં 5-7 દિવસ લાગે છે.

સેમી-ફાઈનલનો જોશ: NZનો ફિલિપ્સ એડવર્ટાઈઝમેન્ટ બોર્ડ સાથે અથડાયો
T-20 વર્લ્ડ કપની પહેલી સેમી-ફાઈનલ મેચ દરમિયાન કીવી ટીમનો ખેલાડી એડવર્ટાઈઝમેન્ટ બોર્ડ સાથે અથડાયો હતો. ઉલ્લેખનીય છે કે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ન્યૂઝીલેન્ડના ખેલાડી પહેલી ઓવરથી જ આક્રમક બોલિંગ પ્રદર્શન દાખવ્યું હતું. આ દરમિયાન બાઉન્ડરી બચાવવા જતા ગ્લેન ફિલિપ્સ પોતાની ગતિ પર કાબૂ મેળવી શક્યો નહીં. જેના કારણે તે સીધો એડવર્ટાઈઝમેન્ટ બોર્ડ સાથે અથડાઈને બીજી બાજુ ઊંધા માથે પડ્યો હતો. આ દરમિયાન તેને આંગળીમાં ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર લેવાની ફરજ પડી હતી. જોકે ફિલિપ્સ ચોગ્ગો રોકી ન શક્યો હોવા છતા તેના પ્રયત્નને જોતા ICCએ પણ સોશિયલ મીડિયામાં વીડિયો શેર કર્યો છે.

જેસન રોય ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યો
T-20 વર્લ્ડ કપની સેમી-ફાઇનલમાં પહોંચી ગયેલી ઈંગ્લેન્ડની ટીમની મુશ્કેલીમાં વધારો થયો છે. શનિવારે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ રમાયેલી મેચમાં ઇંગ્લિશ બેટર જેસન રોય ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. બેટિંગ દરમિયાન તેની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તે મેદાન પર ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યો હતો. તેવામાં સેમી-ફાઇનલ જેવી નિર્ણયાક મેચમાં પણ જેસન રોય રમી શક્યો નહોતો. આની સાથે તેની એશિઝ સિરીઝમાં પણ રમવા અંગે પ્રશ્ન ઊભો થયો છે.

ફેરવેલ મેચમાં બ્રાવો ઈજાગ્રસ્ત
ડ્વેન બ્રાવો પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ દુર્ધટનાનો શિકાર થયો હતો. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સુપર-12ની છેલ્લી મેચમાં બેટિંગ દરમિયાન પોલાર્ડનો બોલ સીધો બ્રાવોને વાગ્યો હતો. ત્યારપછી બ્રાવો પિચ પર જ ઢળી પડ્યો હતો અને બેટ પણ હવામાં ફંગોળાઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે આ મેચ દરમિયાન તેને ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરાયો હતો. એટલું જ નહીં ક્રિસ ગેલ પણ જાણે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની અંતિમ મેચ રમતો હોય તેવું જણાયું હતું.

વિંડિઝના બ્રાવોની વિદાય
વેસ્ટ ઈન્ડિઝ અને T20 ક્રિકેટના સૌથી વિસ્ફોટક બેટર ક્રિસ ગેલ અને ડ્વેન બ્રાવોએ પોતાનો છેલ્લો વર્લ્ડ કપ રમ્યો હતો. વળી મીડિયા રિપોર્ટ્સ આધારે ક્રિસ ગેલ વિંડિઝ ટીમમાંથી પોતાની છેલ્લી મેચ રમશે એવી માહિતી સામે આવી હતી. તેવામાં અનુમાન લગાવાઈ રહ્યું છે કે ક્રિસ ગેલનો પણ આ છેલ્લો વર્લ્ડ કપ હોઈ શકે છે.

ડિફેન્ડિંગ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝનો ફ્લોપ શો
T20 ક્રિકેટમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમને હંમેશા મહત્વની માનવામાં આવે છે. આ ટીમનો કોઈપણ ખેલાડી પોતાના દમ પર મેચ જીતવાની ક્ષમતા ધરાવે છે. આ કારણોસર, કેરેબિયન ટીમ એકમાત્ર એવી છે જેણે બે વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. આ વખતે પણ પોલાર્ડની આગેવાની હેઠળની ટીમ અનુભવીઓથી ભરેલી હતી. જોકે, આ દિગ્ગજ ખેલાડીઓ કોઈપણ મેચમાં નામ પ્રમાણે પ્રદર્શન કરી શક્યા નહોતા. મોટાભાગની મેચોમાં ટીમ ઓછા સ્કોરમાં ઓલઆઉટ થઈ ગઈ અને સેમીફાઈનલમાં પણ પહોંચી શકી નહોતી.

ચિઠ્ઠીમાં શું હતું?
એવું માનવામાં આવે છે કે એ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે ટીમ ઈન્ડિયાએ સ્કોટલેન્ડ સામે કેટલા બોલમાં લક્ષ્યનો પીછો કરવાનો છે. દરેક જણ આ વિશે ચર્ચા કરી રહ્યા હતા. આ સમયે ટીમ ઈન્ડિયા માટે નેટ રન રેટ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સ્કોટલેન્ડ સામે ભારતીય ટીમને 7.1 ઓવરમાં ટાર્ગેટનો પીછો કરવો પડ્યો હતો. આ સાથે ટીમ ઈન્ડિયા અફઘાનિસ્તાનના નેટ રન રેટથી આગળ નીકળી જશે. ભારતીય ટીમ હવે છેલ્લી આશા અફઘાનિસ્તાન જ છે. જો તે ન્યૂઝીલેન્ડને હરાવશે તો જ ટીમ માટે સેમી-ફાઇનલમાં પહોંચવાની તક રહેશે.

ફેવરિટ ઈન્ડિયન ટીમ પણ ફેલ
આ વર્લ્ડ કપની શરૂઆત પહેલા ઈન્ડિયન ટીમને ટાઈટલ જીતવાની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી હતી. ટીમ ઈન્ડિયા યુવા અને અનુભવી ખેલાડીથી સજ્જ હતી. વનડે અને T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારત પહેલીવાર પાકિસ્તાન સામે હાર્યું અને ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ હારપછી સેમીફાઇનલ રેસમાંથી બહાર ફેંકાઈ ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...