વેસ્ટ ઈન્ડીઝની ટીમે ટી-20 વર્લ્ડ કપની મેચમાં શુક્રવારે બાંગ્લાદેશને છેલ્લા બોલ પર 3 રનથી હરાવ્યું હતું. બાંગ્લાદેશને સતત ત્રીજી વખત હારનો સામનો કરવો પડ્યો, જ્યારે વિન્ડીઝ ટીમને પ્રથમ જીત મળી છે. શારજાહમાં આ મુકાબલામાં વેસ્ટ ઈન્ડીઝે 20 ઓવરમાં 7 વિકેટ પર 142 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશની ટીમે 5 વિકેટ ગુમાવીને 139 રન જ બનાવી શકી હતી અને 3 રનથી મેચ હારી ગયું હતું. આ મેચમાં ડ્વેન બ્રાવોએ 1 જ માન્ય બોલમાં 10રન લૂંટાવી દીધા હતા.
વેસ્ટ ઈન્ડીઝનો કેપ્ટન કાયરન પોલાર્ડે ઈનિંગ્સની 12મી ઓવર માટે ડ્વેન બ્રાવોને બોલ આપ્યો હતો. આ ઓવરના પહેલા વાઈડ બોલ પર ચોગ્ગો આવ્યો, જેને 5 રન મળ્યા. ત્યાર બાદ લિટન દાસે પુલ શોટ ફટકારતાં ચોગ્ગો માર્યો. આગળનો બોલ ફરી વાઈડ થયો હતો, આ રીતે બાંગ્લાદેશી ટીમના ખાતામાં 1 માન્ય બોલ પર કુલ 10 રન ઉમેરાયા હતા.
મેચની વાત કરીએ તો વિન્ડીઝ ટીમ એક સમયે નબળી પડી રહી હતી, પરંતુ છેલ્લી 2 ઓવરમાં મેચ પલટાઈ ગઈ હતી. બાંગ્લાદેશની ટીમને છેલ્લી 2 ઓવરમાં જીત માટે 22 રનની જરૂર હતી. કેપ્ટન મહમુદુલ્લાહ અને લિટન દાસ રમી રહ્યા હતા, પરંતુ ડ્વેન બ્રાવોએ 19મી ઓવરના છેલ્લા બોલ પર લિટન દાસ (44)ને જેસન હોલ્ડરે લોંગ ઓલ પર ઝડપ્યો હતો. આન્દ્રે રસેલની છેલ્લી ઓવરમાં જીત માટે 13 રનની જરૂર હતી, પરંતુ 9 જ રન બનાવી શક્યા હતા.
બાંગ્લાદેશ માટે સુકાની મહમુદુલ્લાહ 24 બોલમાં 31 રન બનાવીને અણનમ પાછો ફર્યો હતો. ટીમ તરફથી લિટન દાસે સૌથી વધુ 44 રન બનાવ્યા, જેણે 43 બોલમાં 4 ચોગ્ગા ફટકાર્યા. વિન્ડીઝ ટીમના વિકેટકીપર બેટ્સમેન નિકોલસ પૂરને 22 બોલમાં 4 સિક્સ અને 1 ચોગ્ગાની મદદથી 40 રન બનાવ્યા હતા. તેને મેન ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.