હિટમેન જ બનશે કેપ્ટન!:BCCI અધિકારીનો ઘટસ્ફોટઃ વર્લ્ડ કપ પછી રોહિતને જ T-20ની કેપ્ટનશિપ સોંપાશે; હેડ કોચ તરીકે દ્રવિડ અંગે પણ નિર્ણય લેવાઈ શકે છે

એક મહિનો પહેલા

T-20 વર્લ્ડ કપ 2021 પછી ઈન્ડિયન ટીમના કેપ્ટન તરીકે વિરાટ કોહલી રાજીનામું આપી રહ્યો છે. રોહિત શર્માને તેના સ્થાને ઈન્ડિયન ટીમનો કેપ્ટન પસંદ કરાશે, એની પુષ્ટિ હવે BCCI અધિકારીએ કરી દીધી છે. એવામાં આજે બુધવારે ઓસ્ટ્રેલિયા સામેની વોર્મ અપ મેચમાં પણ રોહિત શર્મા ટીમને કેપ્ટન તરીકે લીડ કરી રહ્યો છે. રોહિત શર્માએ પોતાની કેપ્ટનશિપમાં મુંબઈને પાંચવાર IPL ટાઈટલ સહિત નિદાહાસ કપમાં વિજેતા બનાવી હતી. આ સિરીઝમાં વિરાટ કોહલી આરામ કરી રહ્યો હોવાથી રોહિતને કેપ્ટન પસંદ કરાયો હતો.

રોહિત જ બનશે T-20નો કેપ્ટન
વિરાટ કોહલીએ જ્યારે કેપ્ટનશિપ છોડવાની વાત કરી હતી ત્યારે રોહિતને કેપ્ટન બનાવવાની માગ ઊઠી હતી. તેવામાં ઈન્સાઈડ સ્પોર્ટ્સના રિપોર્ટ પ્રમાણે, T-20 વર્લ્ડ કપ પછી રોહિતને સત્તાવાર ઈન્ડિયન T-20નો નવો કેપ્ટન નિયુક્ત કરાશે.

વર્કલોડ ઓછો કરવા વિરાટ કેપ્ટનશિપ છોડશે
વિરાટ કોહલી સતત ત્રણેય ફોર્મેટમાં ઈન્ડિયન ટીમનો કેપ્ટન રહેતો હોવાથી વર્કલોડ મેનેજમેન્ટનો મુદ્દો તેના સામે આવ્યો હતો, જેને પરિણામે તેને આ T-20 વર્લ્ડ કપ પછી આ ફોર્મેટમાંથી કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય લીધો હતો. એવામાં કોહલીએ જણાવ્યું હતું કે હું આ ફોર્મેટની કેપ્ટનશિપ છોડી રહ્યો છું અને માત્ર એક બેટરરૂપે રમતો રહીશ. ઉલ્લેખનીય છે કે પોતાની કેપ્ટનશિપમાં કોહલી એકપણ T-20 ટ્રોફી નહોતો જીતી શક્યો હોવાથી તેની કેપ્ટનશિપ સામે સવાલો ઊઠી રહ્યા હતા. વળી, ફેન્સને ધોનીની અછત પણ વર્તાઈ રહી હતી.

વર્ષો પછી ઈન્ડિયન ટીમમાં 2 કેપ્ટન હશે
2017 પછી પહેલીવાર ટીમ ઈન્ડિયામાં 2 કેપ્ટન હશે, જે એકબીજાની કેપ્ટનશિપ હેઠળ વિવિધ ફોર્મેટમાં રમશે. આની પહેલાં 2014થી 2017 સુધી ઈન્ડિયન ટીમમાં 2 કેપ્ટન હતા. ધોનીએ 2014માં ટેસ્ટ ક્રિકેટની કેપ્ટનશિપમાંથી નિવૃત્તિ લેતા કોહલીને કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી. વળી, ધોની એ સમયે વનડે અને T-20નો કેપ્ટન રહ્યો હતો.

ત્યાર પછી કોહલીએ 2017થી ત્રણેય ફોર્મેટમાં ઈન્ડિયાની કેપ્ટનશિપ સંભાળી લીધી હતી. હવે જ્યારે કોહલી T-20ના કેપ્ટન તરીકે કાર્યભાર નહીં સંભાળે, ત્યારે રોહિત અને કોહલી બંને ટીમ ઈન્ડિયાના કેપ્ટન રહેશે. વિરાટે 45 T-20 મેચમાં ઈન્ડિયાની કેપ્ટનશિપનો કાર્યભાર સંભાળ્યો છે અને 27 મેચ જીતી છે.

કેપ્ટન રોહિતનો શાનદાર રેકોર્ડ
રોહિત શર્માનો કેપ્ટન તરીકે શાનદાર રેકોર્ડ રહ્યો છે. તેણે 19 મેચમાં ઈન્ડિયાની કેપ્ટનશિપ કરી છે અને 15 મેચ જીતી છે. વળી, IPLમાં તેણે પોતાની ટીમ (MI)ને 59.68% મેચ જિતાડી છે. વળી, તે એકમાત્ર એવો કેપ્ટન છે, જેની પાસે 5 IPL ટ્રોફી છે. ઈન્ડિયન ટીમના કેપ્ટન તરીકે પણ રોહિત શર્માએ સારી બેટિંગ કરી છે, તેણે 41.88ની એવરેજથી 712 રન કર્યા છે અને આ દરમિયાન તેણે 2 સદી અને 5 ફિફ્ટી નોંધાવી છે. તેવામાં મીડિયાના અહેવાલો પ્રમાણે રોહિતને T-20ના કેપ્ટન તરીકે જાહેર કરવાની સાથે રાહુલ દ્રવિડને હેડ કોચ તરીકે પસંદ કરાયા હોવાની જાણ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...