AUS v/s BAN:બાંગ્લાદેશની 8 વિકેટથી કારમી હાર, ઓસ્ટ્રેલિયાએ 82 બોલ પહેલા મેચ જીતી લીધી; AUSની નેટ રન રેટમાં ધરખમ વધારો

25 દિવસ પહેલા
  • કૉપી લિંક

T-20 વર્લ્ડ કપ 2021ની 34મી મેચ ગ્રુપ-1ની બંને ટીમ ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી. જેથી પહેલા બેટિંગ કરતા બાંગ્લાદેશની ટીમ 73 રનના સ્કોરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના પરિણામે ઓસ્ટ્રેલિયન બેટરે 6.2 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરી 8 વિકેટથી મેચ જીતી લીધી છે. આ ચેઝ દરમિયાન ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિંચે 20 બોલમાં 40 રન કર્યા હતા, જ્યારે એડમ ઝેમ્પાએ 19 રન આપી 5 વિકેટ લીધી હતી.

બોલિંગમાં એડમ ઝેમ્પાનું આક્રમક પ્રદર્શન
ઈનિંગની પહેલી 3 ઓવરમાં ઓસ્ટ્રેલિયન બોલર્સે બાંગ્લાદેશની 4 મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી. જેના પરિણામે શરૂઆતથી જ બાંગ્લાદેશના ખેલાડી દબાણમાં આવી ગયા હતા. ઓસ્ટ્રેલિયન ટીમના સ્પિનર એડમ ઝેમ્પાએ પણ આનો ફાયદો ઉઠાવી 4 ઓવરમાં 19 રન આપી 5 વિકેટ ઝડપી બાંગ્લાદેશના બેટિંગ ઓર્ડરની કમર તોડી નાખી હતી. બાંગ્લાદેશના ખેલાડીએ 15 ઓવરમાં 10 વિકેટના નુકસાન પર 73 રન કર્યા હતા.

કેપ્ટન ફિંચની વિસ્ફોટક બેટિંગ
બાંગ્લાદેશે આપેલા 74 રનના લો સ્કોરિંગ ટાર્ગેટને ચેઝ કરતા સમયે ઓસ્ટ્રેલિયન કેપ્ટને વિસ્ફોટક બેટિંગ કરી હતી. તેણે શરૂઆતથી જ ચોગ્ગા-છગ્ગા મારી પાવરપ્લેસુધીમાં મેચ પૂરી કરવા પર ભાર મુક્યો હોય તેમ લાગી રહ્યું હતું. ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિંચે 20 બોલમાં 4 છગ્ગા અને 2 ચોગ્ગાની સહાયથી 40 રન કર્યા હતા. તેની સાથે ડેવિડ વોર્નર ધીમી બેટિંગ કરતો જોવા મળ્યો હતો. તેણે 14 બોલમાં 3 ચોગ્ગાની સહાયથી 18 રન કર્યા હતા.

બાંગ્લાદેશે બંને ઓસ્ટ્રેલિયન ઓપનરની વિકેટ લીધી
બાંગ્લાદેશના શોરિફુલ અને તસ્કીને બંને ઓપનરને પેવેલિયન ભેગા કરી ઓસ્ટ્રેલિયાની 2 વિકેટ ઝડપી હતી. પરંતુ ત્યારપછી મિચેલ માર્શે 5 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની સહાયથી 16 રન કરી ઓસ્ટ્રેલિયન ટીમને જીત સુધી દોરી હતી. ઓસ્ટ્રેલિયન ટીમે 6.2 ઓવરમાં 2 વિકેટના નુકસાને 78 રન કરી 8 વિકેટથી મેચ જીતી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...