ટી-20 વર્લ્ડ કપ 2021:ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ, બંને ટીમો ફેવરિટ નહોતી

મુંબઈ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આજે ટ્રાન્સ-તાસ્માન હરીફો વચ્ચે મુકાબલો, સાંજે 7.30 વાગ્યાથી રમાશે ફાઈનલ
 • ​​​​​​​વર્લ્ડ ચેમ્પિયન બનવા ઉતરશેઃ બંનેમાંથી જે જીતે, પ્રથમવાર ટી-20 વર્લ્ડ કપ ટાઈટલ જીતશે
 • ​​​​​​​ઓસ્ટ્રેલિયાના અનુભવ અને ન્યૂઝીલેન્ડના પરિશ્રમ વચ્ચે મુકાબલો ​​​​​​​

રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સાંજે 7.30 કલાકે ટ્રાન્સ-તાસ્માન હરીફાઈ જોવા મળશે. ટી-20 વર્લ્ડ કપ 2021ની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુકાબલો થશે. જે ટીમ જીતશે તે પ્રથમવાર ટી-20 વર્લ્ડ ચેમ્પિયન બનશે. રસપ્રદ વાત એ છે કે, વર્લ્ડ કપના પ્રારંભ અગાઉ બંને ટીમોને ટાઈટલની પ્રબળ દાવેદાર મનાતી નહોતી. જોકે છતાં બંને ટીમો ફાઈનલમાં પહોંચવામાં સફળ રહી. ઓસ્ટ્રેલિયન ટીમ બીજીવાર ફાઈનલ રમશે. જ્યારે ન્યૂઝીલેન્ડ પ્રથમવાર ટી-20 વર્લ્ડ કપની ફાઈનલ રમશે. વિલિયમ્સનની ટીમ 2015 વન-ડે વર્લ્ડ કપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે મળેલી હારનો બદલો લેવા માગશે. બંને ટીમો ટી-20 વર્લ્ડ કપમાં માત્ર બીજીવાર એકબીજા સામે રમશે. આ અગાઉની મેચ ન્યૂઝીલેન્ડ જીતી હતી. બંને ટીમો છેલ્લે 8 મહિના અગાઉ એકબીજા સામે ટી-20 મેચ રમી હતી. ઓસ્ટ્રેલિયન ટીમ 5 ટી-20 મેચની સીરિઝ માટે ન્યૂઝીલેન્ડ ગઈ હતી. આ સીરિઝ કિવી ટીમે 3-2 થી જીતી હતી.

જીત સાથે જ ટી-20માં પણ વર્લ્ડ નંબર-1 બનશે ન્યૂઝીલેન્ડ
કેન વિલિયમ્સન એન્ડ કંપની ટેસ્ટમાં વર્લ્ડ ચેમ્પિયન હોવાની સાથે વર્લ્ડ નંબર-1 છે. ટીમ વન-ડે રેન્કિંગમાં પણ ટોપ પર છે. જો ટીમ રવિવારે ટી-20 વર્લ્ડ ચેમ્પિયન બને તો તે ક્રિકેટના નાના ફોર્મેટમાં પણ નંબર-1 ટીમ બની જશે. જો આમ થાય તો ન્યૂઝીલેન્ડ ત્રણેય ફોર્મેટમાં ટોપ પર પહોંચનાર પ્રથમ ટીમ બનશે. ન્યૂઝીલેન્ડ હાલ ચોથા ક્રમે છે.

પ્લેયર્સ ટુ વૉચઃ માર્કસ સ્ટોઈનિસ અને ડેરિલ મિચેલ પર રહેશે નજર

 • ઓસ્ટ્રેલિયાઃ સ્ટોઈનિસ ઘણી સાવચેતી સાથે શરૂઆત કરે છે. તે ચિંતા કર્યા વગર પોતાને મળેલા ટાસ્કને પૂર્ણ કરવાનો પ્રયાસ કરે છે. તેની ટૂર્નામેન્ટમાં એવરેજ 80ની છે. તે એક બોલિંગ વિકલ્પ તરીકે પણ ટીમને મદદરૂપ થાય છે.
 • ન્યૂઝીલેન્ડઃ ડેરિલ મિચેલ ઓપનર નથી, ટી-20માં પણ નહીં. તેને ટૂર્નામેન્ટમાં પ્રમોટ કરવામાં આવ્યો હતો. તે કિવી ટીમ માટે હાઈએસ્ટ સ્કોરર (197) છે. તે કિવી ટીમ માટે એક બોલિંગ વિકલ્પ પણ છે.

તાકાતઃ ઓસ્ટ્રેલિયન ટીમની બોલિંગ મજબૂત

 • ઓસ્ટ્રેલિયાની તાકાત તેની બોલિંગ છે. પાક.ની મોટી ઓપનિંગ ભાગીદારી બાદ પણ ટીમે જે રીતે કમબેક કર્યું હતું તે પ્રશંસનીય હતું. મિચેલ સ્ટાર્ક, હેઝલવુડ ટોપ ફોર્મમાં છે. ઝમ્પા ટૂર્નામેન્ટમાં સૌથી સારું પ્રદર્શન કરનાર ખેલાડી છે.
 • ન્યૂઝીલેન્ડ પાસે બોલિંગ અને બેટિંગમાં ઘણા વિકલ્પ છે. મિચેલનો બેટિંગ ક્રમ બદલવાથી ફાયદો થયો. તે 197 રન સાથે ટીમનો ટોપ સ્કોરર છે. સાઉથી, બોલ્ટ, ઈશ સોઢી અને સેન્ટનર સમયાંતરે વિકેટ ઝડપી રન ગતિ પર બ્રેક લગાવે છે.

જોખમઃ ઓસ્ટ્રેલિયા સ્પિનર્સ સામે એલર્ટ રહે

 • ઓસ્ટ્રેલિયા માટે મોટું જોખમ સોઢી અને સેન્ટનરની સ્પિન જોડી રહેશે. તેઓ બેટરને આક્રમક શૉટ્સ રમતા અટકાવે છે. તેમની સામે ઓસ્ટ્રેલિયાએ વેડને ઉપલા ક્રમે મોકલવો જોઈએ.
 • ન્યૂઝીલેન્ડે હેઝલવુડ અને સ્ટાર્કની જોડીથી એલર્ટ રહેવું પડશે. જેમની સામે પાવરપ્લેમાં મોટા શૉટ્સ ફટકારવા સરળ નહીં હોય. સ્ટાર્કના યોર્કરની ગતિ મેચમાં અંતર ઉભું કરવા સક્ષમ છે. ઝમ્પાનું લેગ-સ્પિન પણ લાઈનઅપને નુકસાન પહોંચાડી શકે છે.

નબળાઈઃ મિડલ ઓર્ડર માટે બંને ટીમો ચિંતિત

 • ​​​​​​​ઓસ્ટ્રેલિયાનું મિડલ ઓર્ડર સૌથી નબળું છે. સેમિફાઈનલમાં પાકિસ્તાન વિરુદ્ધ પણ આ જોવા મળ્યું હતું. ઓસ્ટ્રેલિયન મિડલ ઓર્ડર દ.આફ્રિકા અને ઈંગ્લેન્ડ સામે પણ સંઘર્ષ કરતા જોવા મળ્યું હતું. માર્શ, સ્ટોઈનિસ અને વેડે સારું પ્રદર્શન કર્યું હતું.
 • ન્યૂઝીલેન્ડ માટે કૉન્વેનું ના રમવું ચિંતાનો વિષય છે. તે મિડલ ઓર્ડરને મજબૂત કરતો. કિવી મિડલ ઓર્ડર પણ પાકિસ્તાન, સ્કોટલેન્ડ અને નામીબિયા સામે સંઘર્ષ કરતા જોવા મળ્યું હતું.

44 મેચમાંથી 28 ચેઝ કરનાર ટીમ જીતી છે
ટોસ જીતનાર ટીમ રનચેઝ કરવાનું પસંદ કરશે. તેનું કારણ એ છે કે, વર્લ્ડ કપમાં 44 મેચમાંથી 28 માં રનચેઝ કરનાર ટીમ જીતી છે. દુબઈમાં 12 મેચમાંથી 10 મેચ રનચેઝ કરનાર ટીમ જીતી હતી.
અન્ય સમાચારો પણ છે...