IND v/s AFG મેચ ફિક્સિંગ વિવાદ:ભારતની 'વિરાટ' જીત બાદ સો.મીડિયામાં મેચ ફિક્સ હોવાની ચર્ચા, PAK ફેન્સને અકરમ-યૂનિસે આડે હાથ લીધા; કહ્યું- આવું વિચારતા પણ નહીં

25 દિવસ પહેલા

સોશિયલ મીડિયામાં ભારતની જીત બાદ મેચ ફિક્સ હોવાની ચર્ચાએ વેગ પકડ્યું હતું. મોટાભાગે પાકિસ્તાની ફેન્સ ફિક્સ્ડ મેચ, ફિક્સિંગ જેવા હેશટેગ વાપરી પોસ્ટ કરતા નજરે પડ્યા હતા. જેના પરિણામે પૂર્વ પાક. ક્રિકેટર વસીમ અકરમ અને વકાર યૂનિસે આવા ફેન્સની બોલતી બંધ કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે આની પહેલા પાકિસ્તાન સામે કારમી હાર બાદ મોહમ્મદ શમી પણ ટ્રોલ થયો હતો. લોકે તેને પાકિસ્તાની કહીને ચીડવતા હતા. તેવામાં આ મેચમાં ભારતને મળેલી 66 રનની જીત પણ પાક. ફેન્સ પચાવી શક્યા નહોતા અને મનફાવે તેમ પોસ્ટ કરવા લાગ્યા હતા.

પાકિસ્તાની ફેન્સે હેશટેગ ફિક્સ્ડનો ઉપયોગ કર્યો
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ બાદ ટ્વિટર પર ફિક્સ હેશટેગનો ઉપયોગ કરનારા ક્રિકેટ ફેન્સ પાકિસ્તાનના હતા. આ મેચ બાદ ભારતના નેટ રન રેટમાં નોંધપાત્ર સુધારો થયો છે. વસીમ અકરમ અને વકાર યૂનિસે આ મેચને ફિક્સ ગણાવતા પાકિસ્તાની ક્રિકેટ પ્રશંસકોને ઠપકો આપતા કહ્યું કે આ બકવાસ છે. આવું વિચારવું પણ ના જોઈએ.

જુઓ કેટલાક ફેન્સની પ્રતિક્રિયા....

ભારત એક વિસ્ફોટક ટીમ છે- વસીમ અકરમ
આ દરમિયાન વસીમ અકરમે કહ્યું કે ભારત એક સારી ટીમ છે અને તેના શાનદાર પુનરાગમનથી કોઈને આશ્ચર્ય ન થવું જોઈએ. A-સ્પોર્ટ્સ સાથે વાતચીત દરમિયાન અકરમે કહ્યું હતું કે મને ખબર નથી કે આપણે આવી ષડયંત્રની થિયરી કેમ ઘડવાનું પસંદ કરીએ છીએ? ભારત ઘણી સારી ટીમ છે, ટૂર્નામેન્ટની શરૂઆતમાં તેના કેટલાક ખરાબ દિવસો હતા. બીજી તરફ વકાર યુનિસે આ થિયરીઓને પાયાવિહોણી ગણાવી હતી. તેણે કહ્યું કે મેચને ફિક્સ કહેવું અર્થહીન છે અને લોકોએ તેના પર વધુ ધ્યાન ન આપવું જોઈએ.

ભારતનું 'વિરાટ' પ્રદર્શન
સતત 2 મેચમાં મળેલી હાર પછી છેવટે ટીમ ઈન્ડિયાએ T-20 વર્લ્ડ કપમાં પહેલી મેચ જીતી છે. ટૂર્નામેન્ટની 33મી મેચમાં ભારતને અફઘાનિસ્તાનને 66 રનથી હરાવ્યું છે. ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા ઈન્ડિયન ટીમે 20 ઓવરમાં 2 વિકેટના નુકસાને 210 રન કર્યા હતા. જેમાં રોહિત શર્મા (74) અને કે.એલ.રાહુલે (69) મેચ વિનિંગ પાર્ટનરશિપ નોંધાવી હતી. આ હાઈસ્કોરને ચેઝ કરતા અફઘાનિસ્તાને 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 144 રન કર્યા હતા, જેથી ઈન્ડિયાએ આ મેચ જીતી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...