ભારતીય ટીમને રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી ટી-20 વર્લ્ડ કપની મેચમાં ન્યૂઝીલેન્ડે 8 વિકેટે માત આપી હતી. ટીમ પોતાના ગ્રૂપ રાઉન્ડની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે 10 વિકેટથી હારી હતી. આ ટી-20 વર્લ્ડ કપ ઈતિહાસની પ્રથમ ઘટના છે જ્યારે ભારતીય ટીમે પ્રારંભિક બંને મેચમાં હારનો સામનો કર્યો હોય. આ પરિણામોને કારણે ભારતીય ટીમનું સેમિફાઈનલમાં પહોંચવું મુશ્કેલ બન્યું છે. હવે ભારતે બાકીની ત્રણેય મેચમાં ઘણું સારું પ્રદર્શન કરવું પડશે અને એ સાથે અન્ય ટીમના પરિણામ પર નિર્ભર રહેવું પડશે. એટલે કે, ટીમનું સેમિફાઈનલમાં પહોંચવું પરિણામ ઉપરાંત ભાગ્ય પર પણ નિર્ભર રહેશે. બંને મુકાબલામાં ભારતના બેટિંગ અને બોલિંગ બંને ફ્લોપ રહ્યા. મેદાન પર ખેલાડીઓનો અપ્રોચ અને બોડી લેંગ્વેજમાં પણ ખામી જોવા મળી રહી હતી. અંતે સવાલ એ છે કે વર્લ્ડ કપમાં ભારતના ખરાબ પ્રદર્શન માટે જવાબદાર કોણ? બેટિંગ ઓર્ડર, બોલિંગ, વ્યસ્ત શેડ્યૂલ અથવા ડ્રેસિંગ રૂમમાં રહેલા ઘણા પાવર ક્રિકેટર.
બેટિંગ ઓર્ડર ઃ પ્રારંભથી જ ગડબડ, રોહિતને કોહલી સાથે ઓપનિંગની જરૂર
બેટિંગ ક્રમમાં પ્રારંભથી જ ગડબડ જોવા મળી રહી છે. રોહિત સાથે કોહલીએ ઓપનિંગ કરવાની જરૂર હતી. 2 શ્રેષ્ઠ ખેલાડીઓએ વધુ બોલનો સામનો કરવો જોઈએ. જેથી ટીમને સારી શરૂઆત મળે. તે પછી આવતા હિટર્સે મોટા શૉટ્સ રમવા જોઈએ. જોકે ભારતીય ટીમ આમ કરી શકી નથી. ટી-20 ઈન્ટરનેશનલની ગત 7 ઈનિંગ્સમાં રાહુલ કંઈ ખાસ કરી શક્યો નથી. તેથી ટીમ મેનેજમેન્ટે મોટો નિર્ણય લેવો પડશે. પાકિસ્તાન વિરુદ્ધ રોહિત શૂન્ય અને રાહુલ માત્ર 3 રને આઉટ થયા. માત્ર કોહલીએ અડધી સદી ફટકારી પરંતુ 116 ના સ્ટ્રાઈક રેટથી. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બેટિંગ ઓર્ડર બદલાયો પરંતુ રોહિત 14, રાહુલ 18 અને કોહલી 9 રન જ કરી શક્યા હતા. કંઈપણ થાય ભારતીય ટીમે કોહલી અને રોહિત પાસે ઓપનિંગ કરાવવું જોઈએ. સૂર્યકુમાર યાદવ જેવા બિગ હિટરે મિડલ ઓર્ડરમાં જવાબદારી લેવી જોઈએ. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઓપન કરનાર કિશનને ચોથા ક્રમે મોકલવો જોઈએ.
બોલિંગઃ વિકેટ-ટેકિંગ બોલિંગ વિકલ્પ ના હોવાથી ચિંતિત છે ટીમ
બોલર્સની પસંદગીમાં ખામી પ્રારંભથી જોવા મળી હતી. શમી ટી-20માં 10ની ઈકોનોમી ધરાવે છે. તેને પ્રતિષ્ઠાના આધારે પસંદ કરાયો. ભુવનેશ્વરની પસંદગી પણ ખોટી હતી. તે પોતાની છબિમાંથી બહાર નથી નીકળી શક્યો. તે મેદાન પર અનફિટ જોવા મળે છે, આ સાથે તેની બોલિંગમાં ઝડપ નથી. દીપક ચાહરને ટીમમાં સામેલ કરવાની જરૂર હતી. આવેશ ખાન અને હર્ષલ પટેલના નામ પર પણ વિચાર કરી શકાતો હતો. સ્પિનર એટલા પ્રભાવી નથી જોવા મળ્યા. વરુણ ચક્રવર્તીની મિસ્ટ્રીમાં ડ્યૂ ફેક્ટરને કારણે કોઈ અસર જોવા મળી નથી. અશ્વિન અને રાહુલ ચહરની અવગણના કરવામા આવી રહી છે. પરિણામે બુમરાહ જ એકમાત્ર વિકેટટેકિંગ બોલર તરીકે જોવા મળી રહ્યો છે. એકમાત્ર બુમરાહે જ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 4 ઓવરમાં 19 રન આપી 2 વિકેટ ઝડપી હતી. ભારત પાસે વિકેટટેકિંગ બોલર્સ ના હોવાથી સમસ્યા વધી છે. ટોસ પણ ભારતની તરફેણમાં રહ્યો નહોતો.
ડ્રેસિંગ રૂમમાં સમસ્યાઃ ઘણા લોકો મળીને બનાવી રહ્યાં છે યોજનાઓ, ધોનીની હાજરીની જરૂર ને તેના કારણે થનાર લાભ મુદ્દે હવે સવાલો
હાલ ભારતીય ડ્રેસિંગ રૂમમાં ઘણા લોકો હાજર છે. હેડ કોચ રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરુણ, ફિલ્ડિંગ કોચ આર. શ્રીધર અને બેટિંગ કોચ વિક્રમ રાઠોડ છે. આ સાથે જ મેન્ટર તરીકે મહેન્દ્રસિંહ ધોની પણ છે. ઘણા લોકો મળીને યોજના બનાવી રહ્યાં છે. જેના કારણે સ્થિતિ બગડી રહી છે. તમામ લોકો પોતપોતાના વિભાગ પ્રમાણે સ્ટ્રેટેજી બનાવી રહ્યાં છે, જેનાથી સ્ટ્રેટેજી લાગુ કરવામા ખેલાડીઓને મુશ્કેલી થઈ શકે છે. ડ્રેસિંગ રૂમમાં ઘણા પાવર સેન્ટર બની ગયા છે, જેના પરિણામે ખેલાડીઓ કન્ફ્યૂઝ થાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ડ્રેસિંગ રૂમમાં ધોનીની હાજરીની જરૂર અને તેના કારણે થનાર લાભ મુદ્દે પણ હવે સવાલો થઈ રહ્યાં છે.
શેડ્યૂલિંગઃ એક ટીમ તરીકે વર્લ્ડ કપની તૈયારી કરવાની તક મળી નહીં, ટોચના ખેલાડીઓ સાથે માર્ચમાં રમ્યા હતા ટી-20 મેચો
આ વર્ષે સંપૂર્ણ શેડ્યૂલ જ ઘણો વ્યસ્ત રહ્યો છે. મહામારી સમગ્ર વિશ્વમાં ફેલાઈ છે પરંતુ આ કોઈ બહાનું નથી. ભારતે એક ટીમ તરીકે છેલ્લા માર્ચમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી-20 સીરિઝ રમી હતી. તે પછી શ્રીલંકા સામે એવા ખેલાડીઓ ટી-20 રમ્યા જેમાંથી અમુક જ ખેલાડીઓ વર્તમાન વર્લ્ડ કપની ટીમમાં સામેલ છે. આઈપીએલના શેડ્યૂલમાં પણ ખામી હતી. તે વર્લ્ડ કપના 2 દિવસ અગાઉ પૂર્ણ થઈ. વર્લ્ડ કપમાં ભારતે પ્રથમ મેચના 6 દિવસ બાદ બીજી ટી-20 મેચ રમી અને હવે અન્ય મેચ એક સ્પતાહના સમયગાળામાં યોજાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ અને ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરિઝ વચ્ચે મળેલા એક મહિનાના ગેપ અંગે વિચાર કરાયો નહીં.
રોહિતનું ડિમોશન દર્શાવે છે કે બોલ્ટ વિરુદ્ધ ટીમને તેની પર ભરોસો નહોતોઃ ગાવસ્કર
સુનીલ ગાવસ્કરે ભારતીય ટીમ મેનેજમેન્ટની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. ટી-20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રોહિત શર્માને ત્રીજા ક્રમે મોકલવાના નિર્ણય પર ગાવસ્કર સહમત નહોતા. તેમણે કહ્યું કે,‘બોલ્ટની ઈન સ્વિંગનો રોહિત સામનો કરી લેશે તે અંગે ટીમ મેનેજમેન્ટને પોતાના ઓપનર પર ભરોસો નહોતો. રોહિતને વ્હાઈટ બોલ ક્રિકેટ ફોર્મેટના દિગ્ગજ ખેલાડીઓમાં સ્થાન આપવામા આવે છે. ટીમ મેનેજમેન્ટનો બેટિંગ ઓર્ડરમાં ફેરફારનો નિર્ણય ખોટો સાબિત થયો.’ તેમણે આગળ કહ્યું કે,‘ઈશાન હિટ કે મિસ એ પ્રકારનો ખેલાડી છે. આવા ખેલાડી ચોથા કે પાંચમા ક્રમે આવે તો સારું રહે છે. ત્યારે તે રમતની સ્થિતિ અનુસાર રમી શકે છે. હવે થયું એમ કે, રોહિત શર્માને કહી દેવાયું કે ડાબોડી ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટની બોલિંગનો સામનો કરવા મુદ્દે અમને તમારી પર ભરોસો નથી. જો તમે કોઈ ખેલાડી સાથે આમ કરો છો જે વર્ષો સુધી એક બેટિંગ પોઝિશન પર રમતો રહ્યો છે, એવામાં તે વિચારશે કે શું તેમાં કંઈક કરવાની ક્ષમતા નથી. જો ઈશાને 70 રન કર્યા હોત તો આપણે પ્રશંસા કરતા, તમારા પ્લાન નહીં ચાલે તો ટીકાઓનો સામનો તો કરવો જ પડશે.’
બાયો-બબલના થાકને ગણાવ્યું કારણ, કહ્યું- ઘણીવાર તેમને બ્રેકની જરૂર હોય છે કોરોનાને કારણે તૈયાર કરવામા આવી રહેલા બાયો-બબલને કારણે થતી થાકની અસર ટીમ ઈન્ડિયા પર દેખાવવા લાગી છે. ખેલાડીઓ 6 મહિનાથી બહાર છે અને સતત રમી રહ્યાં છે. તેના કારણે ટીમ પર થાકની અસર જોવા મળી રહી છે. ટીમના ઝડપી બોલર જસપ્રિત બુમરાહે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 8 વિકેટથી મળેલી હાર બાદ આ વાતનો સ્વીકાર કર્યો હતો. ખેલાડીઓને આઈપીએલ અને ટી-20 વર્લ્ડ કપ વચ્ચે બ્રેક મળ્યો નથી. બુમરાહે કહ્યું કે,‘એ વાત સાચી છે કે ઘણીવાર તમને બ્રેકની જરૂર હોય છે. તમે પરિવાર સાથે સમય પસાર કરવા માગતા હોવ છો. તમે 6 મહિનાથી બહાર હોવ તો આ બધું તમારા મગજમાં ફરતું હોય છે. જોકે મેદાન પર ઉતરતા સમયે આ વાત અંગે વિચારતા નથી. બબલમાં રહેવું અને લાંબા સમય સુધી પરિવારથી દૂર રહેવું એ વાતની અસર તો જોવા મળતી હોય છે.’ બુમરાહે આગળ કહ્યું કે,‘બીસીસીઆઈએ અમને માનસિક રીતે સામાન્ય બનાવવા પ્રયાસ કર્યો. આ મુશ્કેલ સમય છે. અમે બબલના થાક સાથે તાલમેલ જાળવવાનો પ્રયાસ કરીએ છીએ. આ દરમિયાન માનસિક થાક પણ લાગે છે. તેનો સામનો કરવું સરળ નથી હોતું.’
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.