તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Cricket
 • When 19 year old Ishant Was Scared To Sleep Alone, Munaf Lay Down On His Bed And Slept On The Ground Himself; Gujarati's Invaluable Contribution In The Long 100 Test Journey

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુન્ના-ઈશુનો બ્રોમાન્સ:19 વર્ષીય ઇશાંતને એકલા સૂતા બીક લાગતી ત્યારે મુનાફ પોતાના બેડ પર સુવડાવી પોતે જમીન પર સૂતો; લંબુની 100 ટેસ્ટની જર્નીમાં ગુજરાતીનું અમૂલ્ય યોગદાન

અમદાવાદ5 દિવસ પહેલાલેખક: મનન વાયા
 • કૉપી લિંક

ભારતીય ફાસ્ટ બોલર ઇશાંત શર્મા આજે અમદાવાદના નવનિર્મિત મોટેરા સ્ટેડિયમ ખાતે પોતાના કરિયરની 100મી ટેસ્ટ રમી રહ્યો છે. તે આ સિદ્ધિ મેળવનાર કપિલ દેવ પછી ભારતનો બીજો ફાસ્ટ બોલર છે. ઇશાંતે 19 વર્ષની વયે ડેબ્યુ કર્યું હતું, ત્યારે તેના સાથી ગુજરાતી ફાસ્ટ બોલર મુનાફ પટેલે યુવા ઇશાંતની ઘણી મદદ કરી હતી. બંને વચ્ચેની ફ્રેન્ડશિપ સમય સાથે બ્રોમાન્સમાં કન્વર્ટ થઈ ગઈ. મુનાફ પટેલે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં તેના અને ઇશાંતના સંબંધ વિશે વિસ્તારમાં વાત કરી.

પ્રથમ મુલાકાત
નેશનલ ક્રિકેટ એકેડમી બેંગલોર ખાતે હું ઇશાંત શર્માને પહેલીવાર મળ્યો હતો. અમે ONGC તરફથી રમવા ગયા હતા. ONGCનો બેઝ દિલ્હીમાં છે તો મોટા ભાગના પ્લેયર્સ દિલ્હીથી જ હોય છે. ઇશાંત નેટ્સમાં બોલિંગ કરવા આવ્યો હતો. ત્યારે ત્યાંના લોકલ બધા એના બહુ વખાણ કરતા હતા કે આ યુવાન પાસે બહુ સારી સ્પીડ છે અને છોકરો હાર્ડવર્કિંગ છે. તેને બોલિંગ કરતાં જોઈને બધા ઈમ્પ્રેસ થયા હતા.

યંગ એજમાં બધા અગ્રેસિવ હોય છે. અગ્રેસિવ કે ઓવર અગ્રેસિવ હોવાને કારણે પ્લેયર્સ મેચ્યોર થયા નથી હોતા. ઇશાંત પહેલાં પણ મેચ્યોર હતો જ, પરંતુ ઝહીર ખાન જેવા લીડરની હાજરીમાં તેનો પ્રભાવ પડતો નહોતો, જે સ્વાભાવિક વાત છે. ઝહીર અલગ રીતે દેખાય અને ઇશાંત અલગ રીતે દેખાય. ઝહીરની નિવૃત્તિ પછી ઇશાંતે જે રીતે બોલિંગ યુનિટની જવાબદારી સંભાળી અને બધાને સાથે લઈને ચાલ્યો એ ખરેખર પ્રશંસાને પાત્ર છે.

ફ્રેન્ડશિપ
ઇશાંત પહેલીવાર ઇન્ડિયન ટીમમાં મને રિપ્લેસ કરીને આવ્યો હતો. હું બાંગ્લાદેશમાં ઈન્જર્ડ થયો અને ઇશાંતનું ડેબ્યુ થયું. એ પછીની શ્રેણીથી અમે ઘણાં વર્ષો સાથે રહ્યા. પણ તેનો એક પ્રોબ્લમ હતો. તે રૂમમાં એકલો સૂઈ શકતો નહોતો. ડોમેસ્ટિક ક્રિકેટમાં એવું હોય કે તમે ઇન્ડિયા માટે ન રમ્યા હોવ તો રૂમ શેર કરવાના હોય છે અને ઇશાંત એવા બેકગ્રાઉન્ડમાંથી આવ્યો કે કોઈ ને કોઈ જોડે હોય જ. જ્યારે ઇન્ટરનેશનલ રમો તો હોટલના એક રૂમમાં એક જ માણસ.

2007ની વાત છે, એક દિવસ મેં તેને જમવા માટે બોલાવ્યો હતો. ત્યારે મારી સાથે ગૌતમ ગંભીર અને વિરેન્દ્ર સેહવાગ પણ હતા. અમે બધા જમ્યા પછી પોતપોતાના રૂમમાં જતા રહ્યા હતા. હું મારા રૂમમાં ગયો તો ઇશાંત પણ મારી સાથે આવ્યો હતો. તેણે કહ્યું- મુન્નાભાઈ, એક પ્રોબ્લમ છે. મેં કીધું બોલને શું થયું? મને કહે કે હું એકલો નથી સૂઈ શકતો. મેં કીધું એમાં ટેન્શન કેમ લે છે? હોટલનાં ગાદલાં સોફ્ટ હોવાથી બેક પ્રોબ્લમને લીધે મને નીચે સૂવાની આદત છે. તું બેડ પર સૂઈ જા. એ દિવસ અને પછી આગામી કેટલાંક વર્ષો સુધી અમે આમ જ રૂમ શેર કરતા રહ્યા. સમય સાથે અમારું ટ્યૂનિંગ વધતું ગયું. સાથે જ રહેવાનું હંમેશાં, એટલે અમે પર્સનલ વાતો પણ શેર કરતાં કમ્ફર્ટેબલ થઈ ગયા. હું, ઇશાંત, સેહવાગ, ગંભીર અને અમિત મિશ્રા; અમે બધા ONGC માટે રમતા હતા, તેથી અમારું સારું ગ્રુપ બની ગયું હતું. આજે પણ તેને યાદ આવે તો તરત મેસેજ કે કોલ કરે છે.

ઇન્જરીને ટાળવા પેસની કુરબાની આપી
ઇન્ટરનેશનલ લેવલમાં પેસ હોવી જરૂરી છે. અમે બંને કરિયરની શરૂઆતમાં 150ની ઝડપે બોલ આરામથી નાખતા હતા, પરંતુ પછી ઇન્જરીને લીધે ટીમમાંથી અંદર-બહાર આવવા-જવાનું ટાળવા માટે પેસની કુરબાની આપી. અમે 150ની ઝડપે નાખતા હતા, એટલે 130-135એ નાખવી અમારા માટે બહુ સરળ વાત છે.

100 ટેસ્ટ રમવી રેરેસ્ટ સિદ્ધિ
100 ટેસ્ટ રમવી એક મહાન વાત કહેવાય. તમને એકદમ સાચી વાત કહું તો કોઈ ફાસ્ટ બોલર 100 ટેસ્ટ રમવાનું સપનું જોતો નથી. બેટ્સમેનમાં 100 ટેસ્ટ રમનારની સૂચિમાં ઘણાં નામ છે, પરંતુ બોલર્સની વાત કરીએ તો બહુ ઓછાં નામ છે. ઇન્ડિયાની હિસ્ટ્રીમાં કપિલ દેવ પછી તે માત્ર બીજો બોલર બનશે. ઇશાંત અહીં સુધી પહોંચ્યો એનું સૌથી મોટું કારણ એ છે કે તે ક્વિક લર્નર છે. એ યુવા વયે ટીમમાં આવી ગયો. એ ઉપરાંત તેણે સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, અનિલ કુંબલે, વીવીએસ લક્ષ્મણ, એમએસ ધોની, હરભજન સિંહ જેવા દિગ્ગજો સાથે ડ્રેસિંગ રૂમ શેર કર્યો. 100 ટેસ્ટ રમનાર આટલા બધા લિજેન્ડ એકસાથે તમારી સાથે સમય પસાર કરે તો તમને ઘણુંબધું શીખવા મળે. તેને યંગ ઉંમરે ખબર પડી કે દેશ માટે 15 વર્ષ રમવા શું કરવું પડે. પ્રોફેશનલીઝ્મ શીખવા મળી જાય. ઇશાંત પછી અત્યારે ટીમમાં આવો કોઈ ક્વિક લર્નર કોઈ હોય તો તે બુમરાહ છે. મારી કારકિર્દીમાં મેં જોયેલા આ બે શ્રેષ્ઠ બોલર્સ છે.

ફેવરિટ મોમેન્ટ
રૂમ શેર કરતા હોઈએ ત્યારે ઘણીબધી મોમેન્ટ્સ હોય છે, જે મેમરીમાં અટેચ્ડ હોય છે. એ પહેલીવાર 2011માં વેસ્ટ ઇન્ડીઝમાં મેન ઓફ ધ સિરીઝ બન્યો ત્યારે એ મોમેન્ટ ખાલી અમે બંનેએ જ શેર કરી હતી; એ સ્વિમિંગ પૂલમાં થઈ હતી. ટેસ્ટ મેચ સમાપ્ત થઈ ગઈ હતી અને સાંજનો સમય હતો. ઇશાંત ડ્રિન્ક નથી કરતો. તેણે એકવાર ન્યૂઝીલેન્ડમાં કરેલું, જ્યારે બહુ રન ગયેલા અને બીજીવાર જ્યારે અમે વેસ્ટ ઇન્ડીઝમાં હતા ત્યારે તેણે શોખથી ડ્રિન્ક કરેલું હતું. મેં શ્રેણી પહેલાં તેને કહ્યું હતું કે હવે તું એ લેવલનો થઈ ગયો છે, જ્યાં તારે બોલર્સને લીડ કરવા જોઈએ અને બોલિંગ લીડરનું પ્રદર્શન સૌથી શ્રેષ્ઠ હોવું જોઈએ.
ઝહીર ખાન એ વખતે નહોતા અને મારું રમવાનું નક્કી નહોતું. તેણે મને કહ્યું હતું કે મુન્નાભાઈ, હું મારી બેસ્ટ ટ્રાય કરીશ. તે શ્રેણીમાં હાઈએસ્ટ વિકેટ લઈને મેન ઓફ ધ સિરીઝ બન્યો અને પછી અમે સ્વિમિંગ પૂલમાં ગયા અને તેણે ડ્રિન્ક કર્યું. એ મોમેન્ટ મને અત્યારે એટલી યાદ છે કે લાગે છે હું ત્યાં જ છું. તમે છૂટા પડી ગયા એટલે એવું નથી કે સંબંધ પતી ગયા. અમે ત્યારે હતા અને આજે એટલા જ જોડાયેલા છીએ.

નેક્સ્ટ વોટ?
અચીવમેન્ટની કોઈ લિમિટ નથી હોતી. મને થોડાં વર્ષો પહેલાં કોઈએ પૂછ્યું હતું કે કયો ઇન્ડિયન બોલર 500 વિકેટ લઈ શકે; ત્યારે મેં ઇશાંતનું જ નામ લીધું હતું. આ વાતને 3-4 વર્ષ થઈ ગયાં. ત્યારે તેણે 200 વિકેટ પણ નહીં લીધી હોય. મિત્ર તરીકે વાત કરું એ અલગ વસ્તુ અને બોલર તરીકેના ગુણ જોઈને વાત કરીએ એ અલગ વસ્તુ છે. તે ક્રિકેટિંગ સિસ્ટમ સાથે જોડાયેલો માણસ છે. મારી ઈચ્છા છે કે ઇશાંત કપિલ દેવનો રેકોર્ડ તોડીને સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય ફાસ્ટર બોલર બને. મારી દુવા હંમેશાં તેની સાથે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો