• Gujarati News
  • Sports
  • Cricket
  • Wrote – I Am Ready For The Recovery Challenge, You Rajat Nishu You Took Me To The Hospital…will Be Indebted

સર્જરી પછી રિષભ પંતની પહેલી પોસ્ટ:લખ્યું- હું રિકવરી ચેલેન્જ માટે તૈયાર છું, તમે રજત-નિશુ મને હોસ્પિટલ લઈ ગયા…ઋણી રહીશ

15 દિવસ પહેલા

કાર અકસ્માતમાં ઘાયલ થયેલા ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટર ઋષભ પંતે દુર્ઘટના બાદ સોશિયલ મીડિયા પર પોતાની પહેલી પોસ્ટ કરી છે. ઘૂંટણની સફળ સર્જરી બાદ પોતાની પોસ્ટમાં તેમણે ચાહકોનો આભાર માન્યો છે.

25 વર્ષીય પંતે પોસ્ટમાં લખ્યું, 'તમારા દરેકના સમર્થન માટે આભાર. મને તમને જણાવતા ખુશી થાય છે કે મારી સર્જરી સફળ રહી છે. હું જલ્દી રિકવર થવા પર ધ્યાન આપી રહ્યો છું. તેણે એમ પણ લખ્યું, 'હું રિકવરી ચેલેન્જ માટે તૈયાર છું. મુશ્કેલ સમયમાં સાથ આપવા બદલ BCCI, જય શાહ અને ભારત સરકારનો આભાર.'

રજત અને નિશુનો ઋણી રહીશ
રિષભ પંતે એક પછી એક 3 પોસ્ટ કરી. તેમની છેલ્લી પોસ્ટમાં તેમણે રજત અને નિશુ નામના યુવકોને યાદ કર્યા જેમણે અકસ્માત બાદ તેમની મદદ કરી હતી. પંતે લખ્યું- 'હું અંગત રીતે દરેકનો આભાર માની શકતો નથી, પરંતુ મારે આ 2 હીરોને આભાર કહેવું છે. જેમણે અકસ્માત બાદ મારી મદદ કરી અને મને સલામત રીતે હોસ્પિટલ પહોંચાડ્યો. રજત કુમાર અને નિશુ કુમાર, આભાર. હું હંમેશા તમારો આભારી અને ઋણી રહીશ.

મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં થઈ પંતની સર્જરી
જાન્યુઆરીની શરૂઆતમાં પંતના ઘૂંટણના લિગામેન્ટની સફળ સર્જરી થઈ હતી. તે હજુ પણ ડોક્ટરોની દેખરેખમાં છે. તેમની મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હોસ્પિટલના સ્પોર્ટ્સ મેડિસિન અને આર્થ્રોસ્કોપીના વડા ડો.દિનશા પારડીવાલાએ પંતનું ઓપરેશન કર્યું હતું. આ ઓપરેશન 3 કલાક સુધી ચાલ્યું હતું.

18 મહિના સુધી ફિલ્ડથી દૂર રહી શકે છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઋષભ પંત આ વખતે વનડે વર્લ્ડ નહીં રમે. હાલમાં જ મુંબઈમાં તેમના લિગામેન્ટની રી-કન્સ્ટ્રક્શનની સફળ સર્જરી કરવામાં આવી હતી. હવે 6 અઠવાડિયા પછી બીજી સર્જરી કરવાની છે. આવી સ્થિતિમાં તે ઓછામાં ઓછા 18 મહિના સુધી ક્રિકેટથી દૂર રહી શકે છે.

બીજી તરફ BCCIના એક અધિકારીએ કહ્યું કે પંત માટે વર્લ્ડ કપ માટે ફિટ થવું ખૂબ મુશ્કેલ છે. તે ક્યારે મેદાનમાં પરત ફરશે તે કહેવું મુશ્કેલ છે.

IPL સહિત ઘણી મોટી ટૂર્નામેન્ટ મિસ કરશે પંત
સફળ સર્જરી પછી પણ પંત IPL-2023 સહિતની ઘણી મોટી ટૂર્નામેન્ટનો ભાગ નહીં બની શકે. જો કે તેમને IPLનો આખો પગાર મળશે. BCCI આ રકમ આપશે. પંતને દિલ્હી કેપિટલ્સે રૂ. 16 કરોડમાં રિટેન કર્યા હતા.

IPL-2023 ઉપરાંત પંતની જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ન્યુઝીલેન્ડ સામે હોમ સિરીઝ, માર્ચ-એપ્રિલમાં ઓસ્ટ્રેલિયા સામેની હોમ સિરીઝ, જૂનમાં ટેસ્ટ ચેમ્પિયનશિપ (જો ભારત ફાઈનલ માટે ક્વોલિફાય થાય તો), જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ અને સપ્ટેમ્બરમાં એશિયા કપ અને ODI વર્લ્ડ કપ મિસ કરી શકે છે. IPLની આગામી સિઝનમાં પણ તેમના રમવા પર શંકા છે. દિલ્હી કેપિટલ્સ પંતની જગ્યાએ ઓસ્ટ્રેલિયાના બેટર ડેવિડ વોર્નરને કેપ્ટન બનાવી શકે છે.

30 ડિસેમ્બરના રોજ અકસ્માત થયો હતો
પંતનો 30 ડિસેમ્બરે અકસ્માત થયો હતો. તેઓ કારમાં દિલ્હીથી દેહરાદૂન પોતાની માતાને મળવા જઈ રહ્યા હતા. તેમની મર્સિડીઝ બેકાબૂ થતાં ડિવાઈડર સાથે અથડાઈ હતી, ત્યારબાદ તેમાં આગ લાગી હતી અને તે પલટી ગઈ હતી. અકસ્માત બાદ પંત સળગતી કારની બારી તોડીને જાતે જ બહાર નીકળ્યા હતા. જ્યારે લોકો તેમને બચાવવા પહોંચ્યા તો તેમણે કહ્યું- હું રિષભ પંત છું. તેમને માથા, પીઠ અને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર ઝપકી આવતા દુર્ઘટના સર્જાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...