બાબરે દિવાળીની શુભેચ્છા પાઠવી:પાકિસ્તાની કેપ્ટને શાંતિ અને પ્રેમની કામના કરી, PCBએ પણ દિવાળી માટે ખાસ પ્રોગ્રામનું આયોજન કર્યું

એક મહિનો પહેલા

ભારતમાં ગુરુવારે દિવાળીની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ અવસર પર પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમે પણ ટ્વીટ કરીને બધાને શુભેચ્છા પાઠવી છે. બાબર આઝમે લખ્યું હતું કે જે લોકો આ તહેવારની ઉજવણી કરી રહ્યા છે તેમને દિવાળીની શુભકામના. હું બધા માટે પ્રકાશ, શાંતિ અને પ્રેમની ઇચ્છા કરું છું.

PCBએ એક વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બલૂચિસ્તાન અંડર-19 ક્રિકેટ ટીમના ખેલાડી કબીર રાજને દિવાળીની શુભેચ્છા પાઠવી છે. વીડિયોમાં કબીર કેક કાપતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ટીમના તમામ ખેલાડીઓ હાજર રહ્યા હતા.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, 'બલૂચિસ્તાનની અંડર-19 ટીમના સ્ટાર ખેલાડી કબીર રાજ માટે દિવાળીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. હેપ્પી દિવાળી કબીર.

તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનની ટીમ હાલમાં UAEમાં રમાઈ રહેલા T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં શાનદાર રમત બતાવી રહી છે. બાબર આઝમની ટીમ અત્યાર સુધી ભારત, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન અને નામીબિયાને હરાવી ચૂકી છે. આની સાથે ટીમે સેમીફાઈનલમાં પણ પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

બાબર આઝમે આ સમયગાળા દરમિયાન 66ની એવરેજ અને 124.52ની સ્ટ્રાઈક રેટથી 198 રન કર્યા છે. તેણે 4 મેચમાં ત્રણ અર્ધસદી ફટકારી છે. બાબર આઝમની કેપ્ટન્શિપમાં પહેલીવાર પાકિસ્તાને ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ મેચમાં હરાવ્યું છે. પાકિસ્તાનની ટીમને પણ વર્લ્ડ કપ જીતવાની પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...