ટીમ ઈન્ડિયાનુ ગોલ્ડનું સપનુ તુટ્યુ:મહિલા ટીમ કોમનવેલ્થ ગેમ્સના ફાઈનલમાં હારી, ઓસ્ટ્રેલિયાએ જીત્યો ગોલ્ડ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોમનવેલ્થ ગેમ્સના ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 9 રનથી હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ત્યારે ભારતને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો છે. અગાઉ ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 161 રન કર્યા હતા. ભારત 162 રનનો પડકારનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 152 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 161 રન કર્યા હતા. ભારત તરફથી સૌથી વધુ રેણુકા સિંહ અને સ્નેહ રાણાએ 2-2 વિકેટ ઝડપી હતી. તો દિપ્તી શર્મા અને રાધા યાદવને 1-1 વિકેટ મળી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ રન બેથ મુન્નીએ 41 બોલમાં 61 રન માર્યા હતા. કેપ્ટન મેગ લેનિંગે 36 રન કર્યા હતા.

હરમનપ્રિતની લડાયક ઇનિંગ એળે ગઈ

હરમનપ્રિત કૌરે લડાયક 65 રન ફટકાર્યા હતા.
હરમનપ્રિત કૌરે લડાયક 65 રન ફટકાર્યા હતા.

ઓસ્ટ્રેલિયાએ આપેલા 162 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ભારતની ઓપનિંગ પૈર સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા સસ્તામાં આઉટ થઈ ગયા હતા. જેમિમા રોડ્રિગ્યુસ અને કેપ્ટન હરમનપ્રિત કૌરે ભારતની ઇનિંગને આગળ ધપાવી હતી. આ બન્ને બેટરો વચ્ચે 95 રનની ભાગીદારી થઈ હતી. જેમિમાએ 33 બોલમાં 33 રન કર્યા હતા. કેપ્ટન હરમનપ્રિત કૌરે શાનદાર અર્ધસદી ફટકારી હતી. તેણે 43 બોલમાં 65 રન ફટકાર્યા હતા. તેની આ લડાયક ઇનિંગ દરમિયાન તેના બેટેથી 7 ચોગ્ગા અને 2 છગ્ગા આવ્યા હતા. નીચલા ક્રમના બેટરો ચાલ્યા જ નહોતા. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ એશ્લે ગાર્ડનરે 3 વિકેટ ઝડપી હતી. તો મેગન સ્કટે 2 વિકેટ લીધી હતી. જેસ જોનાસનેને 1 વિકેટ મળી હતી.

તાહિલિયા મેકગ્રાથ કોરોના પોઝિટિવ છતા રમવા માટે મળી મંજૂરી

મેચ શરૂ થતા પહેલા કરવામાં આવતા કોરોના ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની તાહિલિયા મેકગ્રાથનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમ છતા તે રમવા ઉતરી હતી. ICCએ તેને રમવા માટે મંજૂરી આપી હતી. આવુ પહેલી વખત બન્યુ છે કે કોઈ ખેલાડી કોરોના પોઝિટિવ હોય છતા તેને રમવા માટેની મંજૂરી મળી હોય!

બન્ને ટીમોની પ્લેઇંગ-11

ભારત: સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્યુસ, હરમનપ્રિત કૌર (કેપ્ટન), દિપ્તી શર્મા, યાસ્તિકા ભાટિયા (વિકેટકિપર), રાધા યાદવ, પૂજા વસ્ત્રાકર, સ્નેહ રાણા, મેઘના સિંહ અને રેણુકા સિંહ.

ઓસ્ટ્રેલિયા: એલ્સી હિલી (વિકેટકિપર), બેથ મુન્ની, મેગ લેનિંગ, તાહિલિયા મેકગ્રાથ, રચેલ હેયન્સ, એશ્લે ગાર્ડનર, ગ્રેસ હેરિસ, જેસ જોનાસન, એલાના કિંગ, મેગન સ્કટ અને ડાર્સી બ્રાઉન.